કોરોના: આજે હૈદરાબાદમાં નરેન્દ્ર મોદીની COVID ડિપ્લોમસી જોવા મળશે

0
293
Photo Courtesy: Amar Ujala

કોરોનાનો રોગ જ્યારે વિશ્વભરમાં પોતાનો ભરડો કસી રહ્યો હતો ત્યારથી જ ભારત તેની નાબૂદી માટે ખાસ પગલાં ભરી રહ્યું છે. હવે જ્યારે કોરોના વિરોધી રસી બહાર પડવામાં થોડો જ સમય બાકી છે એવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની COVID ડિપ્લોમસી સામે આવી છે.

હૈદરાબાદ: કોરોનાનો રોગ જ્યારે નવો નવો સામે આવ્યો હતો અને ભારત પણ તેના સંપર્કમાં આવી ચૂક્યું હતું ત્યારથી જ ભારત આ રોગના વિનાશ માટે પોતાની વૈજ્ઞાનિક શક્તિ કામે લગાડી રહ્યું છે. શરૂઆતમાં જ્યારે એવું લાગી રહ્યું હતું કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન કોરોના સામે રક્ષણ આપી શકે તેમ છે ત્યારે ભારત સરકારે આ દવાનું ઉત્પાદન વધારી દીધું હતું અને દુનિયાભરના દેશોમાં તેની નિર્યાત કરી હતી જેમાં અમેરિકા પણ સામેલ હતું.

હવે દુનિયાભરમાં કોરોના વિરોધી રસીની શોધ અંતિમ તબક્કામાં છે જેમાં ભારતમાં પણ ભારત બાયોટેક આ વૈશ્વિક ઝુંબેશમાં સામેલ થયું છે. ભારત બાયોટેક તેલંગાણાના હૈદરાબાદમાં આવેલું છે.

વિશ્વભરમાં ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત થયેલી કોરોના વિરોધી રસીનો લાભ વિશ્વભરના મોટાભાગના લોકો લઇ શકે તેનું ધ્યાન રાખતા નરેન્દ્ર મોદી સરકારે COVID ડિપ્લોમસીનો પરિચય આજે આપ્યો છે. આજે સવારે એક ખાસ વિમાન દ્વારા દિલ્હીથી 60 દેશોના રાજદૂતોને હૈદરાબાદ લઇ જવામાં આવ્યા છે.

હમણાં થોડા સમય પહેલાંજ આ રાજદૂતોનું જૂથ હૈદરાબાદ પહોંચ્યું છે. આ તમામ 60 રાજદૂતો ભારત બાયોટેકની મુલાકાત લઈને કોરોના વિરોધી રસી અંગે જાતમાહિતી મેળવશે.

અગાઉ પણ જ્યારે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ભારતે મોટા પાયે નિકાસ કરી હતી ત્યારે પણ ભારત સરકારનો અભિગમ વ્યાપારી નહીં પરંતુ માનવીય હતો અને આ વખતે રસીના મામલે પણ વડાપ્રધાને માનવીય અભિગમ દાખવવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

અગાઉ 6 નવેમ્બરે વિદેશ મંત્રાલયે તમામ દેશોના રાજદૂતોને ભારતમાં ઉત્પાદિત થઇ રહેલી કોરોના વિરોધી રસી અંગે તેમજ તેની પ્રગતી વિષે સંપૂર્ણ માહિતી આપી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે આજની 60 રાજદૂતોની હૈદરાબાદ મુલાકાત ઉપરોક્ત કાર્યક્રમના જ ફોલોઅપ તરીકે આયોજીત કરવામાં આવી છે.

આ રાજદૂતોના જૂથનું નેતૃત્ત્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા કરી રહ્યા છે. ભારત આ મુલાકાત દ્વારા માત્ર COVID ડિપ્લોમસીને જ પૂર્ણ સ્વરૂપ નથી આપી રહ્યું પરંતુ ભારત દ્વારા ઉત્પાદિત રસી માટે ત્રીજા વિશ્વના અસંખ્ય દેશો ભારત તરફ મીટ માંડીને બેઠા છે તેમને વિશ્વાસ આપવાનું કાર્ય પણ કરી રહ્યું છે.

eછાપું

તમને ગમશે: ઇન્જેક્શન નહીં પરંતુ નાકથી જ અપાશે મેઈડ ઇન ઇન્ડિયા એન્ટી-કોવીડ વેક્સીન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here