VIDEO: ગોદી મિડિયા એટલે શું? રોહિત સરદાના આપે છે વ્યાખ્યા

0
444
Photo Courtesy: twitter.com/sardanarohit

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્ર ખાતેના ઉદય બાદ નેશનલ મિડિયામાં બે ભાગ પડી ગયા છે તેમાંથી એક ભાગને ગોદી મિડિયા કહીને તેનું અપમાન કરવામાં આવે છે. આજતકના એન્કર રોહત સરદાનાએ ગોદી મિડીયાની વ્યાખ્યા કરી છે.

નવી દિલ્હી: પોતાને ભારપૂર્વક તટસ્થ ગણાવતા રાષ્ટ્રીય મિડિયામાં પડી ગયેલા બે ભાગ આપણને સ્પષ્ટરૂપે દેખાય છે. જો કે એ વાત અલગ છે કે આ બંને ભાગ પોતે કોઈ એક પક્ષના પક્ષકાર હોવાનો ઇનકાર કરતા રહ્યા છે.

ખાસકરીને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ રાષ્ટ્રીય મિડિયા પછી તે પ્રિન્ટ મિડિયા હોય કે પછી ડિજીટલ મિડિયા તે સરકાર અથવાતો વિપક્ષનું ખુલ્લેઆમ સમર્થન કરતા જોવા મળે છે. જો કે વિપક્ષનું સમર્થન કરતો મિડિયાનો પક્ષ પોતાને તટસ્થ ગણાવવા અને ગણવા પર ખાસ ભાર મુકતો આપણે જોયો છે.

આવામાં વિપક્ષનું સમર્થન કરતા મિડિયામાંથી જ પોતાના વિરોધી પક્ષ એટલેકે સરકાર તરફી મિડિયાને ઉણો ચીતરવા કે તેનું અપમાન કરવા માટે ‘ગોદી મિડિયા’ નામનો શબ્દ જનમ્યો છે. જાણકારો એમ પણ માને છે કે દેશની કેન્દ્ર સરકારના વડા નરેન્દ્ર મોદી હોવાથી ‘મોદી’ અને ‘ગોદી’ એમ બે અલગ અલગ શબ્દોનો સૂર એક સરખો હોવાથી સરકારના પક્ષે રહેલા મિડીયાને ગોદી મિડિયા કહીને તેની મશ્કરી ઉડાવવામાં આવે છે.

પરંતુ આ કહેવાતા ગોદી મિડિયામાંથી પણ જવાબદાર અને ઈંટનો જવાબ પથ્થરથી આપી શકનારા પત્રકારો તેમજ ટીવી ન્યૂઝ એન્કર્સ મળી આવે છે જે પોતાના પર લાગતા સાચા ખોટાં આરોપોનો જવાબ આપતા જરાય અચકાતા નથી. આવા જ એક પત્રકાર અને આજતકના એન્કર રોહિત સરદાના છે જે અગાઉ ઝી ન્યૂઝ માટે કાર્ય કરતા હતાં.

રોહિત સરદાના દરરોજ ફેસબુક પર સાંજે લાઈવ થતા હોય છે અને દર્શકોના સવાલના જવાબ આપતા હોય છે. આવા જ એક કાર્યક્રમમાં કોઈ દર્શકે જ્યારે રોહિત સરદાનાને ગોદી મિડિયાની વ્યાખ્યા કરવાનું કહ્યું ત્યારે તેમણે જે જવાબ આપ્યો તે તેમના ટીકાકારોના દાંત ખાટા કરવા માટે પૂરતો હતો.

રોહિત સરદાનાની માન્યતા અનુસાર આપણી આસપાસ એવા ઘણા ગુંડા તત્વો રહેતા હોય છે જેને કોઈ છોકરી ગમી જાય તો તે અન્યોને તેને ભાભી ગણવાનું તો કહી દેતા હોય છે પરંતુ જ્યારે એ જ છોકરી તેનો પ્રસ્તાવ સ્વીકારતી નથી ત્યારે આ પ્રકારના ગુંડાઓ એ છોકરી પર લાંછન લગાડતા પણ અચકાતા નથી.

રોહિત સરદાનાએ આગળ કહ્યું હતું કે ગોદી મિડિયા એટલે એવું મિડિયા જે અન્ય મિડિયાની જેમ કેટલાક ખાસ પક્ષોના ખોળામાં એટલેકે ગોદીમાં બેસવાની ના પાડી દીધી હોય એવું મિડિયા. પોતાનો પક્ષ ન સ્વીકારનાર મિડિયાને લાંછન લગાડવા માટે જ આ પ્રકારે કેટલાક પક્ષો દુષ્પ્રચાર ચલાવે છે અને તેને ગોદી મિડિયાનું લેબલ આપી દે છે.

સોશિયલ મિડિયામાં ગોદી મિડિયા અગાઉ ‘ભક્ત’ શબ્દ પણ ખાસ્સો લોકપ્રિય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીના ચાહકોને તેમનાથી વિરોધી વિચારસરણી ધરાવતા લોકો ‘ભક્ત’ નું લેબલ આપીને રાજી થતા હોય છે કારણકે તેઓ એવું માનતા હોય છે કે તેમને ભક્ત કહીને તેમણે એમને નીચા દેખાડી દીધા છે, પરંતુ તેમનો દાવ ત્યારે નિષ્ફળ ગયો હતો જ્યારે નરેન્દ્ર મોદીના ચાહકો સામે ચાલીને પોતાને ભક્ત કહેવડાવવા લાગ્યા કારણકે ભક્ત એ હિંદુ સંસ્કૃતિ અનુસાર અત્યંત પ્રવિત્ર શબ્દ ગણાય છે.

ગોદી મિડિયાના ભાગ તરીકે આજકાલ રોહિત સરદાના ઉપરાંત અર્નબ ગોસ્વામી, સુધીર ચૌધરી, રજત શર્મા, અમીષ દેવગણ તેમજ રુબીકા લિયાકતના નામની ચર્ચા સોશિયલ મિડિયા પર સતત થતી રહેતી હોય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here