નેશનલ કેરિયર એર ઇન્ડિયાના ડીસઇન્વેસ્ટમેન્ટ માટે રસ દર્શાવવાનો આજે છેલ્લો દિવસ હતો અને એર ઇન્ડિયાની ખરીદીમાં તાતા ગ્રુપે રસ દર્શાવ્યો હોવાનું જાણવા મળે છે જે એક અભૂતપૂર્વ ઘટના છે.
નવી દિલ્હી: દેશના ટોચના ઉદ્યોગ જૂથોમાંથી એક એવા તાતા ગ્રુપે એર ઇન્ડિયાની ખરીદીમાં રસ દર્શાવ્યા હોવાનું જાણવા મળે છે. એક પ્રતિષ્ઠિત અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ગત વિકેન્ડમાં તાતા ગ્રુપે આ પ્રમાણેની વિધિ પૂર્ણ કરી હતી જ્યારે નેશનલ કેરિયરના ડીસઇન્વેસ્ટમેન્ટ માટે રસ દર્શાવવા માટે આજનો દિવસ છેલ્લો હતો.
હાલમાં તાતા ગ્રુપ પોતાના નેજાં હેઠળ બે એરલાઈન્સ ઓપરેટ કરે છે જેમાંથી એક છે એર એશિયા અને બીજી છે વિસ્તારા. વિસ્તારામાં તાતા ગ્રુપ સાથે સિંગાપોર એરલાઈન્સ ભાગીદાર છે અને હાલમાં સિંગાપોર એરલાઇન્સની આર્થિક હાલત સારી ન હોવાથી તેણે એર ઇન્ડિયાની ખરીદીમાં પોતે હિસ્સો નહીં લે તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ તાતા ગ્રુપે એર ઇન્ડિયાના વેહિકલ તરીકે એર એશિયાને પસંદ કરી છે જેમાં તેનો બહુમતિ એટલેકે 51% હિસ્સો છે. એવું જાણવા મળી રહ્યું છે કે એર ઇન્ડિયાના 200 કર્મચારીઓએ પણ એર ઇન્ડિયાની ખરીદીમાં રસ દર્શાવ્યો છે.
આ ઉપરાંત સ્પાઈસ જેટના અજય સિંગ પણ નેશનલ કેરિયરની ખરીદમાં રસ દર્શાવી રહ્યા છે, જો કે આધિકારિકરૂપે તેમણે આ અંગે કશું પણ કહેવાથી ઇનકાર કર્યો છે. 2018માં પણ આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ તે સમયે એર ઇન્ડિયાને ખરીદવામાં કોઈએ પણ રસ દાખવ્યો ન હતો.
ગયા વર્ષે જ નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંગ પુરીએ કહ્યું હતું કે જો એર ઇન્ડિયાનું ખાનગીકરણ નહીં કરવામાં આવે તો તેને બંધ કરવી પડશે. એર ઇન્ડિયાની ખરીદીની પ્રકિયા સંપૂર્ણપણે ખાનગી રીતે કરવામાં આવી રહી છે.
જો તાતા ગ્રુપ તમામ પ્રક્રિયાઓમાંથી સફળતાપૂર્વક પસાર થઈને એર ઇન્ડિયાનું માલિક બનશે તો તે એક અભૂતપૂર્વ ઘટના બની રહેશે. તાતા સન્સ દ્વારા જ 1932માં તાતા એરલાઈન્સની શરૂઆત કરી હતી જેને 1946માં એર ઇન્ડિયાનું નામ આપવામાં આવ્યું હતું.
1953માં ભારત સરકારે એર ઇન્ડિયાને ટેઈકઓવર કરી લીધી હતી જો કે જે.આર.ડી તાતા તેના ચેરમેન બની રહ્યા હતા. આમ લગભગ 65 વર્ષ બાદ એર ઇન્ડિયા ફરીથી તાતા ગ્રુપના કન્ટ્રોલમાં આવી શકે છે જો તે તેની ખરીદીમાં સફળ રહેશે.
કેન્દ્ર સરકાર પણ આ પ્રક્રિયા બાબતે ઘણી ઉત્સાહી છે કારણકે આગળ જણાવ્યું તેમ ગત પ્રયાસ વખતે કોઈએ પણ રસ દર્શાવ્યો ન હતો પરંતુ આ વખતે ઓછામાં ઓછાં ત્રણ ખેલાડીઓ મેદાનમાં છે.
eછાપું
તમને ગમશે: રિલાયંસ બાદ ટાટા ગ્રુપ પણ રિટેઈલમાં મોટો ધડાકો કરવાની ફિરાકમાં!