હાસ્યાસ્પદ: જુનાગઢના વડાપ્રધાને પાકિસ્તાનમાં શપથ લીધા

0
640
Photo Courtesy: twitter.com/SultanAhmadAli

સ્વતંત્રતા બાદ તુરંતજ ભારતમાં ભળી જવાથી બાકી રહી જનારા કેટલાક રજવાડાંઓમાં જુનાગઢ પણ સામેલ હતું, પરંતુ ત્યારબાદ તે ભારતમાં ભળી ગયું હતું, પરંતુ થોડા દિવસો અગાઉ પાકિસ્તાનમાં જુનાગઢના કહેવાતા વડાપ્રધાને શપથ લીધા હતા.

અમદાવાદ: ભારતની સ્વતંત્રતા અગાઉ જુનાગઢ બાબી નવાબોનું શાસન હતું અને મહોબ્બત ખાન ત્રીજા, એ જુનાગઢના આખરી નવાબ હતા. સ્વતંત્રતા બાદ નવાબે પાકિસ્તાનમાં ભળી જવાનું નક્કી કર્યું જે અહીંની બહુમતિ હિંદુ પ્રજાની લાગણી અને ઈચ્છા વિરુદ્ધનું હતું.

ત્યારબાદ દેશના તે સમયના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની મુત્સદીગીરીનો ઉપયોગ કરીને જુનાગઢને ભારતમાં ભેળવી દીધું હતું અને નવાબને પાકિસ્તાન નાસી જવું પડ્યું હતું. જો કે સ્વતંત્રતા બાદ અત્યારસુધી કાશ્મીર પર જ પાકિસ્તાન પોતાનો હક્ક રજુ કરતું હતું.

પરંતુ કલમ 370 અને 35Aને ભારતીય સંસદ દ્વારા નાબૂદ કર્યા બાદ પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચવાના ધમપછાડા નિષ્ફળ નીવડ્યા એટલે થોડા સમય અગાઉ પાકિસ્તાને પોતાના આધિકારિક નકશામાં જમ્મુ અને કાશ્મીર સાથે જુનાગઢનો પણ સમાવેશ કર્યો હતો.

પાકિસ્તાનનું આ પ્રકારનું વલણ જેટલું હાસ્યાસ્પદ હતું તેનાથી મોટી હાસ્યાસ્પદ ઘટના પાકિસ્તાનમાં 10 ડિસેમ્બરે ઘટી હતી જ્યારે અહીં જુનાગઢના કહેવાતા વડાપ્રધાને શપથ લીધા હતા. જુનાગઢના નવાબના વંશજ જહાંગીર ખાને પોતાના પુત્ર અહમદ અલીને જુનાગઢના દિવાન એટલેકે વઝીર એ આઝમ અથવાતો વડાપ્રધાન તરીકેના શપથ અપાવ્યા હતા.

અહમદ અલીએ બાદમાં આ શપથવિધિના ફોટોગ્રાફ્સ પણ Twitter પર શેર કર્યા હતા. જો કે આ ઘટનાથી ન તો ભારત કે જુનાગઢને કોઈ ફરક પડે છે કે પછી પાકિસ્તાનને આમ કરવાથી કોઈ ફાયદો થવાનો છે.

જો કે જહાંગીર ખાન આજ સુધી જાહેરમાં ‘જુનાગઢ બનેગા પાકિસ્તાન’ જેવા હાસ્યાસ્પદ સુત્રો પોકારતો રહ્યો છે અને તે ભારત પર સતત જુનાગઢને ગેરકાયદે પોતાના કબજામાં લેવાનો આરોપ પણ મુકતો આવ્યો છે. પરંતુ આ વખતે તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું છે કે એક સમય એવો આવશે જ્યારે જુનાગઢ પાકિસ્તાનમાં સામેલ થઇ જશે.

નવા વરાયેલા વડાપ્રધાન અહમદ અલીએ પણ જુનાગઢની ભારતથી આઝાદીની માંગણી કરી છે. અહમદ અલીએ કહ્યું છે કે તે બહુ જલ્દીથી એક એવા આંદોલનની શરૂઆત કરશે જેનાથી સમગ્ર વિશ્વને ખબર પડી જશે કે જુનાગઢ એ ભારતનો નહીં પરંતુ પાકિસ્તાનનો હિસ્સો છે.

અહમદ અલીએ જુનાગઢમાં પણ જમ્મુ અને કાશ્મીરની તર્જ પર લોકમત લેવાની વાત કરી છે.

જમ્મુ અને કાશ્મીર પર પોતાનો ગેરકાયદે હક્કદાવો પાકિસ્તાન ભારતીય સંસદ દ્વારા આગળ જણાવવામાં આવેલી બંને કલમો રદ્દ કર્યા બાદ પહેલેથી જ ગુમાવી ચૂક્યું છે. આ ઉપરાંત તેના આંતરિક પ્રશ્નો હાલમાં વડાપ્રધાન ઇમરાન ખાન સામે મોઢું ફાડીને બેઠા છે, એવામાં પાકિસ્તાન પોતાની પ્રજાનું ધ્યાન બીજે ભટકાવવા માટે આ પ્રકારના નાટક ન કરે તો જ કોઈને નવાઈ લાગશે.

અત્યારે તો દરેક જુનાગઢવાસી, જુનાગઢનો પ્રશ્ન એ સમયે વડાપ્રધાન જવાહર લાલ નહેરુને બદલે સરદાર વલ્લભભાઈ પટેલે હાથમાં લીધો તે માટે તેમનો આભાર જ માનતો હશે.

eછાપું

તમને ગમશે: આખાબોલા સરદાર અને તેમના વ્યંગબાણ – જબરદસ્ત કોમ્બિનેશન!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here