ના હોય: અમદાવાદ એરપોર્ટ પછી રેલવે પણ મોદી સરકારે અદાણીને વેંચી દીધી!

0
375
Photo Courtesy: freepressjournal.in

છેલ્લા ઘણા સમયથી વગર કોઈ ચકાસણીએ માત્ર અફવા ફેલાવવાના હેતુસર કેટલાક તત્વો હાલની મોદી સરકાર દેશના તમામ સંસાધનો અદાણીને વેંચી દીધા હોવાનો વિવાદ ઉભો કરી રહ્યા છે જેમાં રાજકીય પક્ષના આગેવાનો પણ ભળ્યાં છે.

અમદાવાદ: હમણાં થોડા જ દિવસો પહેલાં એક જાણીતી ગુજરાતી ન્યૂઝ ચેનલે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રાતોરાત અમદાવાદ એરપોર્ટનું  નામ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બદલીને અદાણી એરપોર્ટ કરી નાખ્યું હોવાનો દાવો કર્યો હતો. પરંતુ અમુક જ કલાકોમાં આ દાવો સોશિયલ મિડિયામાં ખોટો સાબિત થયો હતો કારણકે એ બેનર અમદાવાદ એરપોર્ટની બહાર લાગેલું હતું નહીં કે અમદાવાદ એરપોર્ટની અંદર.

આવી જ રીતે થોડા દિવસો અગાઉ એક ફેસબુક યુઝરે એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં રેલવેના એન્જીન પર અદાણી વિલ્મરની જાહેરાત પેઈન્ટ કરવામાં આવી હતી. આ યુઝરના કહેવા પ્રમાણે મોદી સરકારે હવે ભારતીય રેલવે પણ અદાણીને વેંચી નાખી છે.

આ તો એક સામાન્ય જનતામાંથી આવતો કોઈ વ્યક્તિ હતો પરંતુ આ જ વિડીયોને અન્ય રીતે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ Tweet કરીને આગળ વધાર્યો હતો.

હાર્દિક પટેલે પોતાની Tweetમાં આ વિડીયો એટેચ કરીને લખ્યું હતું કે રેલવે પર અદાણીની જાહેરાત એમ કહી જાય છે કે કિસાન આંદોલન તેના સાચા માર્ગ પર છે. હાર્દિક પટેલનો કહેવાનો મતલબ કદાચ એવો હતો કે કિસાન આંદોલનમાં જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ દ્વારા અદાણીને તેમજ રિલાયન્સ જેવી કંપનીઓ ખેડૂતોના ખેતરો પર કબજો જમાવી લેશે તે સાચું છે.

પરંતુ ત્યારબાદ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલેકે PIB દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ વિડીયોમાં જે જાહેરાત દર્શાવવામાં આવી છે એ રેલવે દ્વારા ભાડાં સિવાય થતી કમાણીના સ્ત્રોતના ભાગ રૂપે છે. PIBની આ સ્પષ્ટતા પણ સાચી છે કારણકે રેલવે દ્વારા અદાણી ઉપરાંત હલ્દીરામ અને અમુલ જેવી મોટી બ્રાંડની જાહેરાત પણ આ રીતે કરવામાં આવે છે.

આ સમગ્ર કોન્સેપ્ટ આખી દુનિયામાં લોકપ્રિય છે અને વાહનવ્યવહારના તમામ સાધનો પછી તે બસ હોય, ટ્રેન હોય કે પછી વિમાનન, તેના પર આ રીતે જાહેરાત કરીને પેસેન્જર ભાડું શક્ય હોય તેટલું ઓછું રાખીને રાજસ્વ વધારવાના પ્રયાસો થતા હોય છે.

 

મજાની વાત તો એ છે કે હાર્દિક પટેલની આ Tweetને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા વાડ્રાએ ReTweet કરી હતી. એક રીતે જોવા જઈએ તો વિડીયોમાં રહેલી માહિતી સાચી હતી પરંતુ હાર્દિક પટેલ અને પ્રિયંકા વાડ્રા સહીત અનેક યુઝર્સ દ્વારા તેનો ઉપયોગ લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવ્યો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here