ક્રિમીનલ જસ્ટિસ: વેબસીરીઝની બીજી સિઝનમાં એક ધરખમ એન્ટ્રી!

0
385
Photo Courtesy: Universal Communications

Disney Hotstar OTT પ્લેટફોર્મની સિરીઝ ક્રિમીનલ જસ્ટિસ બિહાઈન્ડ ક્લોઝ્ડ ડોર્સની બીજી સિઝન આ મહિનાના અંતભાગમાં શરુ થવાની છે અને જાણવા મળ્યા અનુસાર આ સિઝનમાં એક ધરખમ કલાકારે એન્ટ્રી કરી છે.

મુંબઈ: ફારૂખ શેખ અને નસિરુદ્દીન શાહ જેવા કલાકારો જોડે મુખ્ય અદાકારા તરીકે નામના મેળવનાર એક અત્યંત સાદગીપૂર્ણ હસ્તી એટલે દીપ્તિ નવલ. મોટી સુરમ્ય આંખો, ભાવવાહી ચહેરો, સુંદર સ્મિત અને પ્રભાવશાળી કિરદારમાં સહેજ ભીને વાને પણ સરળતાની મધુર છબીરૂપે દીપ્તિ નવલ સહુને યાદ હશે. વર્ષો પછી એમને ‘ ઝીંદગી ના મિલેગી દોબારા ‘ માં, ફરહાન અખ્તરની માતાના રોલમાં ફરી એમનું કામ કાબિલે દાદ રહ્યું.

રોમેન્ટિક ભૂમિકાઓ કે પછી કોઈ માર્મિક કથાવસ્તુ પર અભિનય કૌશલ બતાવ્યા પછી ઉંમરના આ પડાવ પર દીપ્તિ નવલ કશુંક જુદું કરી રહ્યાં છે. ‘ તુમકો દેખા તો યે ખયાલ આયા….ઝીંદગી ધૂપ તુમ ઘના સાયા….’ યાદગાર તેવી જગજીત સિંઘની ગઝલના મુખ્ય નાયિકાને કોઈ ક્રાઇમ સિરીઝમાં કલ્પી શકે? પણ તે શક્ય છે.

નેટફલિકસ અને એમઝોન પ્રાઈમ સાથે ડિઝની હોટ સ્ટાર પણ દર્શકોને ખૂબ સારું મનોરંજન પીરસે છે.  પોતાની રીતે આગવી ઓળખ ઊભી કરનાર એક વેબ સિરીઝ ક્રિમીનલ જસ્ટિસ ‘બિહાઈન્ડ કલોઝડ ડોર્સ’ ની બીજી સિઝન ટુંક સમયમાં આવી રહી છે.

દીપ્તિ નવલ આ અંગે ઉત્સાહિત છે, તેઓ જણાવે છે : “ પહેલો ભાગ જોવાની મજા પડી હતી. જ્યારે મને આ સિરીઝમાં કામ કરવા મોકો મળ્યો તો હું તે કરવા તૈયાર હતી. આ સિરીઝ જોવી પણ ગમે તેવી છે જ. “

પોતાના સહ કલાકારો વિશે દીપ્તિ નવલ ખૂબ સારો અભિપ્રાય ધરાવે છે. યુવા કલાકારોમાં તેણી મલહાર મિશ્ર, પંકજ ત્રિપાઠી, શિલ્પા શુક્લા તેમજ પૌત્રીના પાત્રમાં મિષ્ટી સિંહાને નોંધપાત્ર ગણાવે છે.

રોહન સિપ્પી અને અર્જુન મુખરજીને તેમણે ખૂબ કાબેલ દિગ્દર્શક ગણાવ્યા છે. એટલું જ નહિ પણ તેમની સાથે કામ કરવાની પણ એટલી જ મજા આવી છે તેમ કહ્યું.

આ વેબ સિરીઝના લેખક અપૂર્વ અસરાની છે. અન્ય કલાકારો પૈકી કીર્તિ કુલહારી, અનુપ્રિયા ગોએન્કા, શિલ્પા શુક્લા, જિશુ સેનગુપ્તા, મિતા વશિષ્ઠ અને આશિષ વિદ્યાર્થી છે.

રસાકસી ભરેલી આ શ્રેણીની બીજી સિઝન 24 ડિસેમ્બર, 2020થી શરૂ થનાર છે, જે કુલ આઠ ભાગમાં વિભાજીત રહેશે. પ્રથમ સિઝન દસ એપિસોડ્સ જેટલી લાંબી હતી પરંતુ તે આઠ એપિસોડ્સમાં વધુ સારું પ્રદર્શન કરી શકી હોત તે જોતા આ વખતે ક્રિમીનલ જસ્ટિસ આઠ એપિસોડ્સ સુધી મર્યાદિત રાખવાનો નિર્માતાઓનો નિર્ણય યોગ્ય લાગી રહ્યો છે.

તમને ગમશે – Review: પાવર હાઉસ પરફોર્મન્સીઝ અને મનોરંજનથી ભરપૂર છે લૂડો

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here