આંચકો: પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે અચાનક નિવૃત્તિ જાહેર કરી

0
77
Photo Courtesy: Indian Express

પાકિસ્તાનના વિવાદાસ્પદ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરીને પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓને મોટો આંચકો આપ્યો છે.

કોલંબો: માત્ર 28 વર્ષના પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે આજે અચાનક જ તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી છે. મોહમ્મદ આમિરે હાલમાં જ લંકા પ્રિમિયર લીગ રમી હતી અને તેનો દેખાવ જબરદસ્ત રહ્યો હતો.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના (PCB) ચીફ એક્ઝીક્યુટીવ પોતાના નિર્ણયની માહિતી આપતા મોહમ્મદ આમિરે જણાવ્યું હતું કે હવે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની કોઈજ ઈચ્છા નથી આથી હવે ભવિષ્યની આંતરરાષ્ટ્રીય મેચોમાં તેની પસંદગી કરવામાં ન આવે.

મોહમ્મદ આમિર અત્યાર સુધી કુલ 30 ટેસ્ટ મેચો, 60 વનડે ઇન્ટરનેશનલ્સ અને 50 આંતરરાષ્ટ્રીય Twenty20 મેચો રમી ચૂક્યો છે અને કુલ 259 આંતરરાષ્ટ્રીય વિકેટો પણ લીધી છે. મોહમ્મદ આમિર દ્વારા અત્યંત યુવાવયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવામાં આવ્યું હતું.

મોહમ્મદ આમિરની સ્વિંગ બોલિંગ અત્યંત ઘાતક ગણાતી હતી અને ગત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પાકિસ્તાનને મળેલા વિજય પાછળ મોહમ્મદ આમિરની આ જ ઘાતક બોલિંગનો મોટો ભાગ હતો જેણે ભારતીય બેટ્સમેનોને ઘૂંટણિયે પાડી દીધા હતા.

જો કે મોહમ્મદ આમિરની કારકિર્દી વિવાદાસ્પદ પણ રહી હતી. 2011માં ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં મોહમ્મદ આમિર અન્ય બે પાકિસ્તાની ખેલાડીઓ સાથે સ્પોટ ફિક્સિંગ કરવા માટે ગુનેગાર સાબિત થયો હતો અને તેના પર આજીવન પ્રતિબંધ તો મુકવામાં આવ્યો જ હતો પરંતુ ઇંગ્લેન્ડમાં તેણે જેલની સજા પણ ભોગવી હતી.

ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આમિરની નાની ઉંમરને ધ્યાનમાં લઈને તેના આજીવન પ્રતિબંધને ઘટાડવાની માંગ કરી હતી અને પાંચ વર્ષ બાદ આમિરને ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની છૂટ મળી હતી.

હજી ગયા વર્ષે જ મોહમ્મદ આમિરે ટેસ્ટ ક્રિકેટમાંથી એમ કહીને નિવૃત્તિ લીધી હતી કે તે ક્રિકેટના બાકીના બે ફોર્મેટ પર પોતાનું ધ્યાન આપી શકે. એ સમયે પાકિસ્તાન ટીમના કોચ વકાર યુનિસે મોહમ્મદ આમિરના આ નિર્ણયને પોતાની ટીમને દગો આપવા જેવું કાર્ય તરીકે વર્ણવ્યું હતું.

એવા સમાચાર પણ આવી રહ્યા છે મોહમ્મદ આમિરને છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ઘણા મતભેદો ચાલી રહ્યા હતા અને કદાચ આ જ કારણ છે કે તેણે આ રીતે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.

તમને ગમશે: સઈદ અનવરના 194નું મૂલ્ય જરા વધારે પડતું આંકવામાં આવે છે

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here