માહિતી: 1 જાન્યુઆરીથી ચેક પેમેન્ટ્સના નવા નિયમો લાગુ પડી રહ્યા છે

0
611
Photo Courtesy: YouTube

આવનારા વર્ષના પહેલા જ દિવસથી ચેક દ્વારા થતા પેમેન્ટ્સના નવા નિયમો લાગુ પડી રહ્યા છે જેને પોઝિટીવ પે કહેવામાં આવે છે અને આ નિયમો મોટી રકમના ચેક પર લાગુ પડશે.

અમદાવાદ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલેકે RBI એ બે મહિના અગાઉ જ પોઝિટીવ પે સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિયમ અનુસાર કોઇપણ ચેકનું મૂલ્ય રૂ. 50000 કે તેનાથી વધુ હોય તેની કેટલીક માહિતીઓ ફરીથી નિશ્ચિત કરવી જરૂરી બની જાય છે.

આ નવો નિયમ 1 જાન્યુઆરી 2021થી સમગ્ર દેશમાં લાગુ પડશે જેની જાહેરાત RBIના ગવર્નર શક્તિકાન્ત દાસે ઓગસ્ટ મહિનામાં કરી હતી. આ નવા નિયમનો હેતુ ચેકના દ્વારા થતા ફ્રોડને અટકાવવાનો છે.

ચાલો આપણે વિગતવાર જાણીએ કે આ પોઝિટીવ પે સિસ્ટમ શું છે.

પોઝિટીવ પે સિસ્ટમ એટલે શું?

પોઝિટીવ પે સિસ્ટમ એક સ્વચાલિત પદ્ધતિ છે જે ચેક દ્વારા થતા ફ્રોડને પકડી પાડવામાં મદદ કરે છે. નવા નિયમ અનુસાર રૂ. 50,000 કે તેથી વધુ રકમના ચેકની કેટલીક મહત્ત્વની માહિતીઓ જેવી કે ચેકનો નંબર, ચેકની તારીખ, તે જેના નામે લખવામાં આવ્યો છે તેનું નામ, એકાઉન્ટ નંબર, રકમ અને અન્ય બાબતો ઓનલાઈન જણાવવાની રહેશે.

ચેક અંગેના નવા નિયમો વિષે 7 મહત્ત્વની બાબતો

  1. પોઝિટીવ પે સિસ્ટમનો હેતુ વધારે મૂલ્ય ધરાવતા ચેકની મહત્ત્વની માહિતી બે વખત ચેક કરવાનો છે.
  2. આ પદ્ધતિ હેઠળ ચેક લખનારે SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ અથવાતો ATM દ્વારા ઉપર જણાવવામાં આવેલી કેટલીક માહિતીઓ ચેક જેને લખવામાં આવ્યો છે તેની બેંકને આપવાની રહેશે.
  3. આ માહિતી CTS દ્વારા ક્રોસ ચેક કરવામાં આવશે અને તેમાં કોઇપણ પ્રકારની ભૂલ અથવાતો માહિતી દોષ હશે તો CTS તેની જાણકારી બંને તરફની બેન્કોને આપશે અને ત્યારબાદ બંને બેન્કો તેના નિવારણની કાર્યવાહી આગળ ધપાવશે.
  4. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલેકે NPCI CTSમાં પોઝિટીવ પેની સુવિધા વિકસિત કરશે અને ત્યારબાદ તે દેશભરની બેન્કોમાં ઉપલબ્ધ થશે.
  5. ત્યારબાદ તમામ બેન્કો આ સુવિધા તેના તમામ ખાતાધારકોને ઉપલબ્ધ કરાવશે.
  6. હાલમાં આ નિયમ દરેક ખાતાધારકો જે ઉપરોક્ત રકમ કે તેનાથી વધુ રકમના ચેક લખે છે તેમના માટે મરજિયાત છે પરંતુ કેટલીક બેન્કો પાંચ લાખ કે તેનાથી ઉપરની રકમના ચેક માટે આ નિયમ ફરજીયાત બનાવી શકે છે.
  7. આ નિયમનું પાલન કરનારા ચેક્સ પર જ CTSમાં કાર્ય થશે અને તેની સભ્ય બેન્કો પણ પોતપોતાને ત્યાં આ પ્રકારની પદ્ધતિ અપનાવશે.

RBIએ બેન્કોને સૂચના આપી છે કે તે તેમના ગ્રાહકોમાં પોઝિટીવ પે પદ્ધતિ અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે જેમાં SMS, બ્રાન્ચમાં મોટા ડિસ્પ્લે રાખવા તેમજ ATMમાં તેની માહિતી આપવી આ ઉપરાંત પોતાની વેબસાઈટ અને નેટ બેન્કિંગ તેમજ એપ પર પણ તે ઉપલબ્ધ કરાવવી સામેલ છે.

તમને ગમશે – RTGS: બેન્કિંગ પદ્ધતિ વિષે એ તમામ માહિતી જે તમે જાણવા માંગો છો

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here