અનોખું: મધ્ય પ્રદેશમાં તમને મળી આવશે બેવફા ચા વાળો!

0
351

ચા કોને નથી ભાવતી? એવું કહેવાય છે કે ચા એ ધરતી પરનું અમૃત છે અને તેને ન પીનારો આ અમૃતથી વંચિત રહી જતો હોય છે, પરંતુ મધ્ય પ્રદેશમાં આ જ અમૃતનું વેચાણ એક અનોખા નામે થાય છે.

ગ્વાલિયર: થાક હોય કે ખૂબ કામ, શરદી હોય કે કોઈ સુખદ બનાવ, ચા દરેક ઘટનાને ફીટ બેસે છે. ચામાં પણ કેટલા પ્રકાર! આદુવાળી ચા, મસાલાવાળી, તુલસી અને એલચીવાળી ચા તો સમજ્યા પણ રખેને કહેતાં કે તમે દરેક જાતની ચા ચાખી છે.

મિત્ર સાથે, પરિવાર સાથે, પ્રેમી પ્રેમિકા સાથે, બધા સાથે પી શકાય તેવું એકમાત્ર પીણું એટલે ચ્હા. ચાનાં  ચાહક હોવા માટે તેના બંધાણી હોવું જરૂરી નથી. ગમે ત્યારે, સુગંધી કડક ધુમાડા કાઢતી ચા મળી જાય તો દિવસ સુધરી જાય !

ચાનાં ચાહકો માટે એક રસપ્રદ સમાચાર  છે. મધ્યપ્રદેશના એક ચાવાળાનું ચાનું  મેનુ જાણી તમે અચરજ પામી જાઓ તો ના નહી.  શું ચાને અને લાગણીઓને કોઈ સંબંધ ખરો ?

હા, ચા અને લાગણીઓને સંબંધ તો છે જ. આપણે ગમે તેવા મૂડમાં હોઇએ અંતે ચાનું જ શરણું લેતા હોઈએ છીએ.  પ્રેમ અને એકલતાને ભલા ચ્હા સાથે શું લેવા દેવા ?

આજકાલ મધ્યપ્રદેશના જાણીતા ગ્વાલિયર શહેરનો ‘કાળુ બેવફા ચાઈ વાળો’ સોશિયલ મીડિયા પર બહુચર્ચિત છે.  આ ચાની દુકાનનું વિશિષ્ટ મેનુ ચોંકાવનારું છે.  કાળુની દુકાન પર જોડીઓ તો મળે જ છે એ સાથે એકલ દોકલ ચ્હા પીનારા પણ તેની મુલાકાત લે છે.

ચાની લહેજતદાર ચુસ્કીઓ લેનારા લોકો પ્રેમ વહેંચવાની સાથોસાથ દુઃખ પણ હળવું કરી શકે છે.  ‘ પ્યાર મેં ધોખા’ , ‘ અકેલાપન ‘ તો બરાબર પણ આ દુકાનના મેનુમાં ‘ પત્ની સે પીડિત લોગ’ જેવી ચાનો પણ સમાવેશ થાય છે.

ભારત જેવા દેશમાં કે જ્યાં રોજની કરોડો કપ ચ્હા ખપતી હશે ત્યાં આવી વેરાયટી નવાઇ ઉપજાવે જ.

તો હવે તમે ઐતિહાસિક શહેર ગ્વાલિયરની મુલાકાત લો તો આ દુકાનની મુલાકાત લેવાનું ચૂકશો નહી. તમારો મૂડ સારો હોય કે ન હોય, તમારો જોડીદાર સાથે હોય કે ન હોય, તમને અનુરૂપ ચા ચોક્કસ તમને અહી મળશે અને તમારો મૂડ સુધરશે તેની ખાતરી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here