નવો કોરોના: ઈંગ્લેન્ડમાં નવા પ્રકારનો કોરોના, ફરીથી લોકડાઉન જાહેર

0
381

એક તરફ કોરોનાવિરોધી રસી આવવાના સારા સમાચાર આવી રહ્યા છે તો બીજી તરફ ઈંગ્લેન્ડમાં કોરોનાનું એક નવું સ્વરૂપ જોવા મળ્યું છે જે વધુ ઝડપથી પ્રસરી રહ્યું છે અને આથી જ અહીં ઈમરજન્સી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

લંડન: યુનાઇટેડ કિંગડમ એટલેકે ઈંગ્લેન્ડમાં કોરોનાનો નવો પ્રકાર સામે આવ્યો છે અને આ નવા પ્રકારના કોરોનાને કારણે અહીં સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોન્સને આ નવા પ્રકારનો કોરોના અગાઉના કોરોના કરતા 70% વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહ્યું છે.

ઇંગ્લેન્ડની કેટલીક સેવાભાવી સંસ્થાઓએ તો આ વાયરસ ઈંગ્લેન્ડમાં હાલમાં આઉટ ઓફ કન્ટ્રોલ જઈ રહ્યો હોવાની પણ ચેતવણી આપી દીધી છે. વડાપ્રધાન જોન્સને દેશમાં આ નવા પ્રકારના કોરોનાની ખબર પડતાની સાથેજ કડક લોકડાઉનની પણ જાહેરાત કરી દીધી છે.

આટલુંજ નહીં ઈંગ્લેન્ડમાં ક્રિસમસની ઉજવણી પણ મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ અહીં ક્રિસમસ બબલ સાથે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની છૂટ આપવામાં આવી હતી, પરંતુ હવે તે રદ્દ કરવામાં આવી છે.

એવું જાણવા મળ્યું છે કે આ નવા પ્રકારનો કોરોના વાયરસ માત્ર ઈંગ્લેન્ડમાં જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ તેમજ ડેન્માર્કમાં પણ જોવા મળ્યો છે. આથી નેધરલેન્ડ અને ડેન્માર્કે ઇંગ્લેન્ડ જતી અને ત્યાંથી આવતી ફ્લાઈટ્સ પર હાલપૂરતો પ્રતિબંધ મૂકી દીધો છે.

જાણવા મળ્યા અનુસાર અન્ય દેશો પણ ઇંગ્લેન્ડ સાથેનો તમામ વાહનવ્યવહાર હાલપૂરતો મોકૂફ રાખવા અંગે ગંભીર વિચારણા કરી રહ્યા છે. યુરોપના ઘણા દેશોએ ઇંગ્લેન્ડ સાથેની પોતાની હવાઈ સરહદો સીલ કરી દીધી છે.

ભારતમાં પણ ઈંગ્લેન્ડમાં જોવા મળેલા નવા કોરોના વાયરસની નોંધ લેવામાં આવી છે અને આજે નવી દિલ્હીમાં કોરોનાના જોઈન્ટ મોનીટરીંગ ગ્રુપની આપાતકાલીન બેઠક બોલાવવામાં આવી છે જેમાં WHOના ભારતમાં રહેતા પ્રતિનિધિ ડૉ. રોડ્રીકો એચ ઓફરીન પણ સામેલ થશે.

ઇંગ્લેન્ડના મુખ્ય ચિકિત્સા અધિકારી ક્રિસ વિટ્ટીના કહેવા અનુસાર આ નવા પ્રકારના વાયરસની જાણકારી તેમણે WHOને આપી દીધી છે અને તેઓ આ નવા વાયરસને સમજવા માટે તેમની પાસે ઉપલબ્ધ માહિતીનું અધ્યયન કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં તેમની પાસે એવું કોઈજ પ્રમાણ નથી કે આ નવો વાયરસ અગાઉના વાયરસ કરતાં વધુ ઘાતક છે કે નહીં.

WHO દ્વારા પણ ટ્વીટ કરવામાં આવી હતી કે તેઓ ઈંગ્લેન્ડના અધિકારીઓ સાથે મળીને આ બાબતે કાર્ય કરી રહ્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here