VIDEO: યુપીના ખેડૂતની ફૂલગોબી રવિ શંકર પ્રસાદે દસ ગણા ભાવમાં વેંચવા મદદ કરી

0
289
Photo Courtesy: Hindustan Times

નવા કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને તેમને ભ્રમિત કરવામાં આવી રહ્યા હોવાનો એક નવો પુરાવો કેન્દ્રીયમંત્રી રવિ શંકર પ્રસાદે એક ખેડૂતને તેની ફૂલગોબી દસ ગણા ભાવે વેંચવામાં મદદ કરીને આપ્યો હતો.

કૈરાના: પંજાબના ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીને ઘેરો ઘાલીને બેઠાં છે. તેમની માંગ છે કે દેશની સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાઓ નાબૂદ કરવામાં આવે.

આ આંદોલન રાજકારણથી પ્રેરિત હોવાના તેમજ તેમાં ખાલિસ્તાની તત્વો ભળી ગયા હોવાની વાત ઘણા સમયથી ચાલી રહી છે. આ તત્વો ખેડૂતોને નવા કૃષિ કાયદાઓ અંગે ભ્રમિત કરી રહ્યા હોવાના આરોપ પણ લાગી રહ્યા છે.

આજે સવારે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી રવિ શંકર પ્રસાદે એક વિડીયો ટ્વીટ કરીને માહિતી આપી હતી કે કેવી રીતે ઉત્તર પ્રદેશના કૈરાનાના અલીપુર ગામના એક ખેડૂતે સ્થાનિક બજારની જગ્યાએ કૃષિ પોર્ટલનો ઉપયોગ કરીને પોતાની ફૂલગોબી દસ ગણા ભાવે વેંચી હતી.

આ ખેડૂતે જણાવ્યું હતું કે તેને સ્થાનિક બજાર એટલેકે મંડીમાં પોતાનું ઉત્પાદન એટલેકે ફૂલગોબીને વેંચવા માટે રૂ. 1 પ્રતિ કિલોનો ભાવ મળી રહ્યો હતો. આથી તેણે ગુસ્સામાં આવી જઈને ફૂલગોબીના ઘણાબધા કટ્ટાનો નાશ કરી દીધો હતો.

આ વાત જ્યારે રવિ શંકર પ્રસાદના કાને આવી ત્યારે તેમણે ઉત્તર પ્રદેશની કોમન સર્વિસ સેન્ટરની ટીમનો સંપર્ક કર્યો હતો અને તેને આ ખેડૂતને મળવાનું અને તેની તકલીફ દૂર કરવા જણાવ્યું હતું. ત્યારબાદ આ ખેડૂતે સરકારના ડિજીટલ પ્લેટફોર્મ પર ફૂલગોબીની બાકી બચેલી 76 ગુણને વેંચવા મૂકી હતી અને તેના આશ્ચર્ય વચ્ચે તેને રૂ. 10 પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો.

આટલું જ નહીં એક અન્ય ખેડૂત તનવીરને પણ આ જ પ્લેટફોર્મ પર દિલ્હીમાં ફૂલગોબી વેંચવા માટે 10 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો અને તેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ખરીદદારે વહન કર્યો હતો. તનવીરના કહેવા અનુસાર તેને હવે દેશભરના ખરીદારો તેની ફૂલગોબી ખરીદવા માટે સંપર્ક કરી રહ્યા છે.

રવિ શંકર પ્રસાદે અગાઉ પણ આ જ રીતે એક ખેડૂતને પોતાનું ખાદ્યઉત્પાદ ઓનલાઈન વેંચવા માટે મદદ કરી હતી અને એ ખેડૂત બિહારનો હતો. આ ઓનલાઈન પોર્ટલ પર પોતાનું ઉત્પાદન વેંચનારા ખેડૂતોને તેમના નાણા તરતજ પોતાના ખાતામાં મળી જતા હોય છે.

એક રીતે જોવા જઈએ તો નવા કૃષિ કાયદાનો હેતુ જ એ છે કે મંડીઓનો એકાધિકાર સમાપ્ત થાય અને ખેડૂતોને દેશભરમાં જ્યાં પણ પોતાને પોતાના ઉત્પાદનો વધુ ભાવ મળે ત્યાં વેંચવાની છૂટ મળે. ઉપરોક્ત બંને ઉદાહરણો નવા કાયદાના ફાયદા અને ખેડૂતોમાં ફેલાવવામાં આવી રહેલા ભ્રમને સ્પષ્ટ કરે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here