સુરક્ષાની ખાતરી: ભારતમાં હવેથી કારમાં ફ્રન્ટ પેસેન્જર એરબેગ્સ ફરજીયાત

0
305
Photo Courtesy: India Car News

વાહનવ્યવહારમાં સુરક્ષાના મામલે ભારત અન્ય રાષ્ટ્રો કરતાં હજી ઘણું પાછળ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સુરક્ષાને મજબૂત બનાવવા પાછળ કાર્ય થઇ રહ્યું છે અને ગઈકાલે જ ફ્રન્ટ પેસેન્જર એરબેગ્સને ફરજીયાત બનાવવાનું પગલું કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવ્યું છે.

નવી દિલ્હી: કેન્દ્રીય વાહનવ્યવહાર અને હાઇવે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક ડ્રાફ્ટ નોટીફીકેશન અનુસાર હવે તમામ કાર્સમાં ફ્રન્ટ પેસેન્જર એરબેગ ફરજીયાત બની જશે.

હાલમાં કારના આગલા ભાગમાં બંને તરફ એરબેગ્સ હોવી તે જરૂરી ન હતું પરંતુ હવે કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર ડ્રાફ્ટ નોટીફીકેશનનો જ્યારે અમલ કરવામાં આવશે ત્યારે કાર ચલાવવાનો અનુભવ ભારતમાં સાવ બદલાઈ જશે.

હાલમાં ભારતમાં કારના બજેટ મોડેલ્સમાં ફક્ત ડ્રાઈવર તરફ જ એરબેગ્સ મુકવામાં આવે છે, પરંતુ આ નવા ફેરફારનો અમલ થયા બાદ આ પ્રકારની કાર્સના ભાવમાં મોટો ઉછાળો આવે તેવી સંભાવના છે. 2019માં નવા વાહનવ્યવહાર કાયદાના અમલ દ્વારા ભારતમાં વાહન સુરક્ષાને મોટું બળ મળ્યું હતું અને આ કાયદામાં એવા અસંખ્ય નિયમો બનાવવામાં આવ્યા હતાં જે દ્વિચક્રી અને ચારચક્રી વાહનો માટે ફરજીયાત હતા.

સસ્તી કારમાં પણ ઉપરોક્ત નિયમોના અમલને કારણે ડ્રાઈવર તરફ એરબેગ જેવી પ્રાથમિક સુરક્ષા તમામ પેસેન્જર વેહિકલ્સ માટે શક્ય બની હતી. જો કે ઓટોમેટીવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ એટલેકે AIS હેઠળ સુરક્ષા સાધનોની યાદી ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાથી કેટલાક કાર ઉત્પાદકો જેઓ સસ્તી હેચબેક કાર્સનું ઉત્પાદન કરતાં હતાં તેમણે ફ્રન્ટ પેસેન્જર સાઈડ એરબેગ ઉપલબ્ધ કરાવવાનું ટાળ્યું હતું.

આ ઉત્પાદકોને પેસેન્જર સાઈડ એરબેગને વિકલ્પ તરીકે ઓફર કરી હતી અને આ વિકલ્પ સ્વીકારનારે કારની વધુ કિંમત ચૂકવવી પડતી હતી. કેન્દ્રીય મંત્રાલયનું નવું નોટીફીકેશન આ જ નિયમોમાં ફેરફાર કરે છે જે કહે છે કે હવેથી ફન્ટ પેસેન્જર એરબેગ્સ પણ ફરજીયાત છે.

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ નવા નિયમનો અમલ શરૂ થયા બાદ એન્ટ્રી લેવલ પરની કારની કિંમત રૂ. 5 થી 8 હજાર જેટલી વધી જશે. પરંતુ કાર ખરીદવાની ઈચ્છા ધરાવનારાઓએ એ પણ સમજવું જોઈએ કે આ તેમની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે કારણકે એરબેગની ગેરહાજરીમાં મોટા અને ભયંકર અકસ્માત સમયે તેમના જીવને જોખમ હોય છે.

તમને ગમશે: ગુજરાતના મુખ્ય શહેરોમાં રસ્તાઓની સહનશક્તિ કરતા ત્રણગણા વાહનો ફરે છે

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here