સન્માન: અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કર્યા

0
333

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તા સંભાળ્યા બાદ ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો કેટલી હદે મજબૂત બન્યા છે તેના પુરાવા રૂપે આજે અમેરિકાએ વડાપ્રધાનને તેના પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનવાની જાહેરાત કરી છે.

વોશિંગ્ટન ડી.સી: છેલ્લાં છ વર્ષમાં ભારત અને અમેરિકા વચ્ચે સતત મજબૂત થઇ રહેલા પારસ્પરિક સબંધોના પુરાવા રૂપે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત લીજીયન ઓફ મેરીટ એવોર્ડથી સન્માનિત કર્યા છે. વડાપ્રધાન મોદીને આ સન્માન ભારતને વિશ્વસ્તરે ઉભરતી શક્તિ બનાવવા માટે તેમણે પૂરા પાડેલા નેતૃત્ત્વ અને બંને રાષ્ટ્રો વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા બદલ આપવામાં આવ્યું છે.

ધ લીજીયન ઓફ મેરિટ એવોર્ડ, એ અમેરિકાના સર્વોચ્ચ ચિફ કમાન્ડરના સ્તરનો એવોર્ડ છે જેને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) રોબર્ટ ઓ’બ્રાયને વડાપ્રધાન મોદી વતી આ એવોર્ડ સ્વીકારી રહેલા અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહને સોંપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમેરિકાએ આ જ એવોર્ડ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે તેમજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને પણ એનાયત કર્યો છે જેને આ બંને દેશોના રાજદૂતોએ સ્વીકાર્યા હતા.

અમેરિકાના આ અતિપ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવાની સાથે જ અમેરિકા પણ એ ખાસ દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે જેણે વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને પોતપોતાના રાષ્ટ્રોના સર્વોચ્ચ સન્માન સાથે સન્માનિત કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અગાઉ 2016માં સાઉદી અરેબિયા દ્વારા ઓર્ડર ઓફ અબ્દુલઅઝીઝ અલ સાઉદ, એ જ વર્ષે સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી આમિર અમાનુલ્લા ખાન, 2018માં ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન, 2019માં રશિયા દ્વારા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ અને એ જ વર્ષે માલ્દીવ્ઝ દ્વારા ધ ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વીશ્ડ રુલ ઓફ નિશાન ઇઝુદ્દીન જેવા તે રાષ્ટ્રોના સર્વોચ્ચ સન્માન પણ એનાયત કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વડાપ્રધાન તરીકેના શાસનકાળ દરમ્યાન અમેરિકાના બંને રાષ્ટ્રપતિઓ, બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને સાથે વ્યક્તિગત સબંધો કેળવીને તેને ભારત અને અમેરિકા વચ્ચેના વ્યુહાત્મક સબંધો મજબૂત કરવામાં ઉપયોગમાં લીધા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here