નવી ઉર્જા નીતિ: ખરાબ સેવા અને પાવર કટ્સ બદલ વિજ કંપનીઓ વળતર ચૂકવશે

0
329
Photo Courtesy: Linkedin

દેશમાં નવી ઉર્જા નીતિની જાહેરાત કરવામાં આવી છે અને આ નવી નીતિ અનુસાર હવે ખરાબ સેવા તેમજ વારંવારના પાવર કટ્સ માટે વિજ કંપનીઓને વળતર ચુકવવાની ફરજ પાડવામાં આવશે.

નવી દિલ્હી: ગઈકાલે કેન્દ્રીય વિજમંત્રી આર. કે. સિંગે ‘વિજ ગ્રાહકોના હક્ક, 2020’ અંગેના દિશાનિર્દેશ જાહેર કર્યા હતા જે અનુસાર વિજ ગ્રાહકોને બહેતર સેવા આપવી તે જે-તે વિજળી કંપનીની ફરજ બની રહેશે. નવા નિયમો ઈલેક્ટ્રીસિટી ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓ એટલેકે Discoms  માટે તેમની સેવાઓ અંગેના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.

નવા નિયમો અનુસાર જે  કોઇપણ વિજળી કંપની નક્કી કરેલા માપદંડોનું પાલન નહીં કરે તેને વિજ ગ્રાહકને વળતર ચુકવવું પડશે. આ નવા નિયમો દરેક રાજ્યના ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા વિજળી ગ્રાહકોને આવનારા 60 દિવસમાં જણાવવા પડશે.

નવા વિજ નિયમોમાંથી એક નિયમ એવો છે કે જો કોઈ ગ્રાહકને વિજળી પુરવઠાના સમય, પાવર કટ્સની સંખ્યા, નવા કનેક્શન આપવા અથવાતો ખરાબ મીટરને બદલવા માટે લેવામાં આવેલા સમય અંગે ફરિયાદ હશે તો તેને વિજળી કંપનીઓએ વળતર ચુકવવાનું આવશે.

આર. કે. સિંગે આ અંગે જણાવ્યું હતું કે,

સમગ્ર દેશમાં પછી તે સરકારી હોય કે ખાનગી વિજ વિતરણ કરતી કંપનીઓનું એકહથ્થુ શાસન છે અને ગ્રાહક પાસે અન્ય કોઈજ વિકલ્પ ઉપલબ્ધ નથી, આથી ગ્રાહકોના હક્કો રજુ કરવા અને આ હક્કોનું અમલીકરણ કરવા માટે એક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂરી હતું. જો ખુલ્લી હરીફાઈ હોત તો આપણા દેશમાં વિજ સેવાઓ કદાચ વધુ બહેતર હોત.

અન્ય નિયમો પ્રમાણે જો મેટ્રો સિટીનો કોઈ ગ્રાહક નવા કનેક્શનની માંગ કરે તો વિજ કંપનીએ અરજી કર્યાના 7 દિવસમાં તેને કનેક્શન આપવું પડશે. મ્યુનીસીપાલીટી ધરાવતા શહેરની હદમાં આ મર્યાદા 15 દિવસની અને ગ્રામીણ વિસ્તારોમાં આ મર્યાદા 30 દિવસની રહેશે. આ ઉપરાંત જો કોઈ ગ્રાહકને વિજળી બીલ 60 દિવસ કરતાં વધુ સમય બાદ મળે તો તે 5% સુધીના વળતર માટે હકદાર રહેશે.

વિજ કંપનીઓ માટે દરેક વિજળી કનેક્શન સાથે મીટર ફિટ કરવું ફરજીયાત રહેશે. દરેક ગ્રાહકને 24 કલાક વિજળી મળી રહે તે માટે પણ Discoms માટે નિયમો બનાવવામાં આવ્યા છે. જો કે પાવર રેગ્યુલેટરને એ સત્તા આપવામાં આવી છે કે તે કૃષિ જેવી કેટલીક ખાસ કેટેગરી માટે ઓછામાં ઓછા કેટલા કલાક વિજળી મળવી જોઈએ તે નક્કી કરી શકે છે.

તમને ગમશે: સુપરકન્ડક્ટિવિટી તમારા વીજળીના બિલનું મુલ્ય ચણા-મમરા જેવું કરી આપશે!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here