ખુલાસો: ભવ્ય ગાંધી એટલેકે ટપુ કેમ વિદાય થયો તેનું સાચું કારણ સામે આવ્યું

0
401

અતિશય લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના જુના ટપુ એટલેકે ભવ્ય ગાંધી કેમ અચાનક ગાયબ થઇ ગયો અને નવો ટપુ આવ્યો તેનો ખુલાસો આ જ સિરિયલના નિર્માતા અસિત કુમાર મોદીએ કર્યો છે.

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક રેકોર્ડ સ્થાપિત કરનારી દૈનિક હાસ્ય ધારાવાહિક રહી ચૂકી છે.  ઘરઘરમાં તેમાંના બધા જ કલાકારો જાણીતા ને માનીતા બન્યા છે.  ગુજરાતી ભોજન હોય કે તહેવારોની ઉજવણી, આ સીરિયલ કેટલીયે બાબતોને પ્રસ્થાપિત કરી ગઈ છે. દયા ભાભી અને જેઠાલાલ તો વળી વિશેષ જ રીતે મશહૂર છે.  બાપુજી અને ટપુ પણ દર્શકોનું દિલ જીતી ગયા છે.

તોફાની ટપુડો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક અવિભાજ્ય ઓળખ. દિગ્દર્શક આસિત મોદી અને ટપુ એટલે કે ભવ્ય ગાંધી વચ્ચે કડવાશ જન્મી શા કારણે ? આસિત મોદીએ હાલમાં જ આ અંગે ખુલાસો કર્યો છે.

નાના બાળકથી માંડીને નવયુવાન બનેલો ટપુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું એક જાણીતું પાત્ર રહ્યું. ભવ્ય ગાંધીની અભિનય કારકર્દી બહુ જ નાની વયે શરૂ થઈ અને ફૂલીફાલી પણ, કેમકે આસિત મોદીએ તેને પોતાના પુત્રની જેમ સાચવ્યો અને આગળ વધવા મોકો આપ્યો.

પણ શું ભવ્ય ગાંધીએ આ સંબધોની આભા જાળવી ? જવાબ છે ના. આસિત મોદીને જાણ પણ કર્યા વગર તે ફિલ્મ સાઈન કરી આવ્યો અને જ્યારે સ્વતંત્રતા દિનના ખાસ એપિસોડ માટે તેને બોલાવવામાં આવ્યો ત્યારે તેણે ના પાડી દીધી.  આસિતભાઈ જણાવે છે કે ભવ્યએ સેટ પર અન્ય ટીમ મેમ્બર્સ સાથે પણ દુર્વ્યવહાર કર્યો.

પુત્ર સમાન કલાકારની ફિલ્મ ક્ષેત્રે પણ નામના વધે તેમાં આસિત મોદીને કશો જ વાંધો નહોતો. પણ સિરિયલના શૂટિંગમાં બાધા આવવા લાગી જે તેમને પોસાય તેમ નહોતું. નાછૂટકે તેમણે ટપુનો રોલ બીજા યુવા કલાકારને આપ્યો.

આવું થવા પાછળ ભવ્યની નાની વયે થયેલી મોટી પ્રસિદ્ધિ હોવાનું તેઓ જણાવે છે. સફળતા જ્યારે માથે ચડી જાય ત્યારે કોણે તેને આટલે પહોંચાડ્યો તે ભુલવા જેવું નહોતું. ભવ્યએ જે રીતે પોતાના મૂળભૂત સ્ટેજને ફગાવી નવા કામ લઈ લીધાં તે જોતાં આસિતભાઇ રાજ અનડકટ, એટલે કે નવા ટપુને લઈને જ આગળ વધવા મક્કમ બન્યા.

અદાકારી અને દિગ્દર્શન એકસાથે ચાલતા હોઇ, કોઈ એક પક્ષે થતી વ્યવસાયિક ઉપેક્ષા આટલા લાંબાગાળાના સંબંધને પણ નુકસાન પહોંચાડે છે.  ભવ્ય ગાંધીએ અવ્યાવસાયિક ધોરણ ન અપનાવ્યું હોત તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ‘ સાથે તેનો પારિવારિક સબંધ આ રીતે અંત ન પામ્યો હોત.

તમને ગમશે: પુ.લ. દેશપાંડેને આપણે તારક મહેતાની હરોળના દિગ્ગજ કહી શકીએ?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here