વિવાદ: ગંગુબાઈ કાઠીયાવાડીનો પરિવાર ભણસાલીને કોર્ટમાં ઘસડી ગયો!

0
285
Photo Courtesy: twitter.com/aliaa08

આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી વિવાદમાં ફસાઈ છે. ગંગુબાઈનો પરિવાર ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાલીને કોર્ટમાં ઘસડી ગયો છે.

મુંબઈ: ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સંજય લીલા ભણસાલીની આવનારી ફિલ્મ પણ વિવાદમાં ઘસડાઈ છે. આલિયા ભટ્ટની મુખ્ય અને ટાઈટલ ભૂમિકા ધરાવતી ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીને ગંગુબાઈનો પરિવાર કોર્ટમાં લઇ ગઈ છે.

મુંબઈની સિવિલ કોર્ટમાં ફિલ્મના નિર્માતા એટલેકે ભણસાલી પર પરિવારે કેસ દાખલ કર્યો છે. પરિવારનો દાવો છે કે ફિલ્મની વાર્તા ગંગુબાઈ કાઠીયાવાડીની મૂળ કથાથી સાવ અલગ છે આથી તેમણે કોર્ટ દ્વારા ભણસાલીને કથા બદલવાનું કહ્યું છે.

ગત 22 ડિસેમ્બરે દાખલ કરવામાં આવેલા આ કેસમાં કોર્ટે સંજય લીલા ભણસાલીને આ અંગે નોટીસ ફટકારીને 7 જાન્યુઆરી સુધી જવાબ આપવાનો હુકમ કર્યો છે.

ગંગુબાઈ કાઠીયાવાડી એક મહિલા ગેંગસ્ટર હતી જેના પતિએ યુવાનીમાં તેને ભોળવીને તેની સાથે લગ્ન કર્યા હતા અને મુંબઈ ખાતેના વેશ્યાવાડમાં તેને માત્ર 500 રૂપિયામાં વેંચી નાખી હતી. એવું કહેવામાં આવે છે કે ગંગુબાઈએ જ્યારે આ વેશ્યાલયની સત્તા સંભાળી ત્યારે તેણે અસંખ્ય મજબૂર છોકરીઓની મદદ કરી હતી.

eછાપું પર કોલમિસ્ટ સંજય પીઠડીયાએ ગંગુબાઈ કાઠીયાવાડી પર આખી સિરીઝ લખી છે જેને આપ અહીં ક્લિક કરીને વાંચી શકો છો.

આ ફિલ્મની ટાઈટલ ભૂમિકા કરી રહેલી આલિયા ભટ્ટ પહેલીવાર કોઈ ગેંગસ્ટરની ભૂમિકા કરી રહી છે. ફિલ્મની કથા બે ભાગમાં વહેંચાયેલી છે, પહેલો ભાગ દેશના ભાગલા અગાઉનો છે જ્યારે બીજો ભાગ ભાગલા બાદનો.

જાણવા મળ્યા અનુસાર અજય દેવગણ પણ આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકામાં જોવા મળશે. અગાઉ આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે હવે આવતા વર્ષે રિલીઝ થશે.

સંજય લીલા ભણસાલીને અને વિવાદને બહુ લાંબો અને જુનો સબંધ છે. છેલ્લા ઘણા વર્ષથી ભણસાલીની લગભગ દરેક ફિલ્મ કોઈને કોઈ વિવાદમાં સપડાતી હોય છે અને હવે જે ફિલ્મ રિલીઝ પણ નથી થઇ તે પણ એક વિવાદમાં ઢસડાઈ ગઈ છે.

ઘણીવાર સોશિયલ મિડીયામાં એવો પ્રશ્ન પર ઉભો થતો હોય છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મો સામે ચાલીને વિવાદ વ્હોરી લે છે કે ફિલ્મને ભણસાલી સામે ચાલીને વિવાદમાં ઘસડે છે જેથી ફિલ્મને નેગેટીવ પબ્લિસિટી મળે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી શકે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here