હેલ્થ ટિપ્સ: કેવી રીતે યોગ્ય ખોરાક ખાઈને પણ વાળની માવજત થઇ શકે છે

0
417
Photo Courtesy: Hair Buddha

સ્ત્રીઓ માટે લાંબા વાળ એ તેમનું ઘરેણું હોય છે અને આ ઘરેણું સાચવવા તેઓ ખૂબ મહેનત કરતી હોય છે. ચાલો જાણીએ કે કેવી રીતે યોગ્ય અને હેલ્ધી ખોરાક ખાઈને વાળની માવજત થઇ શકે છે.

મોહમ્મદ રફીનું ‘ યે ઝુલ્ફ અગર ખુલકે બિખર જાએ તો અચ્છા..’ કે પછી ‘ તેરી ઝુલ્ફો સે જુદાઈ તો નહીં માંગી થી..’ સાંભળતાં હોઇએ ત્યારે જાણ્યે અજાણ્યે કોઈ સુંદર હિરોઈનના ઘાટા, સુંવાળા, લાંબા વાળની કલ્પના આવવી સહજ છે.

કેટલાય મધુર ગીતો સ્ત્રીઓના કેશકલપને અનુલક્ષીને લખાયા હશે. વાળ સ્ત્રીની ઓળખ અને સુંદરતાનું ઘરેણું છે.  માથામાં નાખવાના તેલ અને શેમ્પૂની અઢળક જાહેરાતો અમસ્તી ટીવી પર નથી આવતી.

હા, આધુનિક યુગમાં અનેક કારણોસર વાળ ખરવાની,તૂટવાની અને જલ્દી સફેદ થઈ જવાની સમસ્યા બધે જ અનુભવાઈ રહી છે.  કેટલાક ઘરગથ્થુ ઉપચારો અને પ્રયોગો અનુસરવાથી ક્યારેક લાંબાગાળે ફાયદો પણ થતો હોય છે.

આજે થોડી વાત વાળની હેલ્થ અંગે થઈ જાય. કેરેટીન શેમ્પૂની જાહેરાત તમે જોઈ હશે.  એનું કારણ વાળમાં એ નામનું એક પ્રોટીન છે.   વાળની મજબૂતી અંદરથી વધારવા પ્રોટીનવાળો ખોરાક ખૂબ ખાવો જરૂરી છે.

પ્રોટીન શેમાંથી મળે? મુખ્યત્વે કઠોળ અને દૂધ કે દૂધની બનાવટમાંથી પ્રોટીન લઈ શકાય.  જેમને કેલ્શિયમનો પ્રશ્ન સતાવતો હોય તેમને પણ રોજ એક ગ્લાસ દૂધ, એક નાનું બાઉલ દહીં અને પનીર પણ લેવા જોઈએ.

સોયા પ્રોડક્ટ્સ જો ફાવતી હોય તો તે લઈ શકાય.  સોયા ચંકસ, સોયનો લોટ ઘઉંના લોટમાં ઉમેરી બનાવેલી રોટલી ખોરાકમાં લઈ શકાય. સોયાબીનનો લોટ અન્ય ધાનમાં ઉમેરી પણ ખાઇ શકાય, જેમકે બાજરી કે જુવાર.

રસવાળાં ફળો જેમાં બાયોટીન હોય તે લઈ શકાય. તેમજ અમુક શાકભાજી પણ બાયો ટીન ધરાવે છે. અને એથી જ સ્ટ્રોબેરી, રાસબરી, સંતરા, મોસંબી, દ્રાક્ષ, અવેકાડો, ડુંગળી, કાકડી, ટામેટાં, ગાજર અને કોબી ખાવા ફાયદાકારક બને છે.

ઈંડા, માંસ અને માછલી ખાઇ શકે તે લોકોને પ્રોટીનની ઉણપના સવાલ ઉભા થતા નથી.  ઈંડા લઈ શકાય તો રોજ એક ઈંડુ ખાઇ શકાય.

વિટામિન એ અને ઇ બંને થી ભરપૂર ખોરાક વાળને ફાયદો આપે છે. અળસી અને સૂર્યમુખીના બી જેવા તેલીબિયાં વિટામિન ઈ ધરાવે છે.

આંબળા, બદામ અને બ્રાહ્મી ઉકાળીને બનેલાં તેલ વાળને કાળા બનાવે છે. વાળને મૂળથી માલિશ મળે તે માટે પણ અમુક અમુક દિવસે નિયમિત રીતે કોઈ સારા તેલનું માલિશ કરવું.  વારંવાર વાળને શેમ્પુથી ધોવાથી પણ નુકસાન થાય જ છે. હાનિકારક કેમિકલવાળા કલર કે શેમ્પૂ ઉપયોગમાં લેવા નહી.  પ્રદૂષિત હવામાં બહાર નીકળતી વખતે શક્યા હોય તો વાળને ઢાંકીને નીકળવું. આમ કરવાથી હવામાંથી લાગતા ધૂળ, ધુમાડા અને અન્ય તત્વો વાળને મેલા થતા અટકાવે છે.

આમ થોડી આંતરિક અને બાહ્ય માવજત વાળની મજબૂતી અને સુંદરતા બંને વધારે છે.

તમને ગમશે – જાણો: ઘરગથ્થુ ઉપચાર, શિયાળામાં તમારા વાળની સાચવણી કેવી રીતે કરશો?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here