ગાવસ્કર: ટિમ ઇન્ડિયામાં અલગ ખેલાડીઓ માટે અલગ નિયમો છે!

0
321

વિદેશની ધરતી પર જ્યારે ટિમ ઇન્ડિયા રમી રહી હોય ત્યારે તેને બિનશરતી ટેકો આપનાર લેજન્ડરી ક્રિકેટર સુનિલ ગાવસ્કરે આ વખતે નવો ચીલો ચાતરતા  અલગ અલગઆંતરિક નિયમો વિષે વાત કરીને ટિમની આકરી ટીકા કરી છે.

મેલબર્ન: લેજન્ડરી ક્રિકેટર સુનિલ ગાવસ્કરે ટિમ ઇન્ડિયાની આકરી ટીકા કરતાં કહ્યું છે કે ટિમમાં અલગ અલગ ખેલાડીઓ માટે અલગ અલગ નિયમો છે. ગાવસ્કરે આમ કહીને વિરાટ કોહલીની કપ્તાની વિષે પહેલેથી જ ઉઠાવવામાં આવેલા સવાલોને વધુ બળ આપ્યું છે.

ગાવસ્કરે રવિચંદ્રન અશ્વિન અને ટી. નટરાજનના અલગ અલગ દાખલા આપીને પોતાની દલીલને સમર્થન આપવાની કોશિશ કરી છે. ગાવસ્કરના કહેવા અનુસાર ટીમના અન્ય બોલરો અને રવિચંદ્રન અશ્વિનની ટીમમાં સામેલગીરી અલગ અલગ પ્રમાણો ધરાવે છે.

અશ્વિનને કાયમ પ્લેયિંગ ઈલેવનમાં સ્થાન પામવા માટે દરેક મેચ બાદ લડત આપવી પડતી હોય છે. તેની પાછળ કદાચ તેનું પ્રમાણિક હોવું છે.

ટીમ મિટિંગમાં જ્યારે અન્ય ખેલાડીઓ દરેક વાતમાં હકારમાં ડોકું ધુનાવતા હોય છે ત્યારે અશ્વિન પોતાને જે સાચો લાગે એ જ ઓપીનીયન આપતો હોય છે તેને કારણે એક મેચમાં ઢગલો વિકેટો લેવા છતાં એક મેચમાં જો તે નિષ્ફળ જાય તો તેને બેંચ પર બેસાડી દેવામાં આવે છે તેવો આરોપ ગાવસ્કરે મૂક્યો છે.

ગાવસ્કરે એમ પણ કહ્યું છે અશ્વિનની બોલિંગ ક્ષમતા અને મેચ જીતવાની ક્ષમતા વિષે કોઈ મૂર્ખ જ અવિશ્વાસ કરી શકે પરંતુ તેમ છતાં તેને વારંવાર અન્યાય કરવામાં આવે છે.

વિરાટ કોહલીની પૈતૃક રજાઓ પર નિશાન તાંકતા ગાવસ્કરે કહ્યું હતું કે એક તરફ ટી નટરાજન છે જે IPLમાં એક બાળકીનો પિતા બન્યો હતો તે IPLથી સીધો જ ઓસ્ટ્રેલિયા પ્રવાસે આવ્યો છે અને હાલમાં તે ટેસ્ટ ટીમમાં નેટ બોલરની સેવા બજાવી રહ્યો છે. એક એવો ખેલાડી જે ક્રિકેટના એક પ્રકારમાં ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય મેચો રમે છે અને બીજા પ્રકાર માટે તેને નેટ બોલર બનાવી દેવામાં આવે છે.

નેટ બોલર હોવાને કારણે નટરાજન પોતાની નવી જન્મેલી બાળકીને છેક જાન્યુઆરીના ત્રીજા હપ્તામાં જ મળી શકશે જ્યારે કેપ્ટન વિરાટ કોહલી પોતાના આવનારા બાળકના જન્મ સમયે હાજર રહી શકે તે માટે પ્રવાસ અધુરો મુકીને ભારત ચાલ્યો ગયો છે.

સામાન્ય રીતે સુનિલ ગાવસ્કર ટિમ જ્યારે વિદેશના પ્રવાસે હોય ખાસકરીને ઓસ્ટ્રેલિયામાં, ત્યારે દરેક વિવાદના સમયે ટિમની સાથે ઉભા રહેતા હોય છે, પરંતુ આ વખતે તેમણે જાતેજ પોતાની કૉલમમાં ટિમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે અલગ નિયમો હોવાની વાત કરીને વિવાદનો મધપુડો છંછેડી દીધો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here