રાજીનામાં: ચૂંટણીઓ પહેલાં જસદણથી ગુજરાત કોંગ્રેસને મળ્યો મોટો ફટકો

0
295
Photo Courtesy: India TV News

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત હવે નજીકમાં જ છે, એવામાં ગુજરાત કોંગ્રેસને જસદણથી મોટો ફટકો લાગ્યો છે અને અહીંના બે આગેવાન કોંગ્રેસીઓએ પોતાનાં રાજીનામાં ધરી દીધાં છે.

જસદણ: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા વર્ષની શરૂઆતમાં ગમે ત્યારે જાહેર થઇ શકે છે. એક તરફ ગુજરાત ભારતીય જનતા પાર્ટી લગભગ દિવાળીના તહેવારોની ઉજવણી બાદ જ આ ચૂંટણીઓ માટે પોતાની તૈયારી શરુ કરી ચૂકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ હજી પણ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાંથી બહાર નથી આવી શકી.

વિધાનસભાની પેટાચૂંટણીઓમાં તમામ બેઠકો ગુમાવ્યા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં આપી દીધાને પણ ઘણો સમય વીતી ગયો છે પરંતુ હજી એ બંનેના સ્થાને કયા કોંગ્રેસ આગેવાનો આવશે તેની માત્ર અટકળો જ ચાલે છે, આમ ટેક્નિકલી હાલમાં હાર્દિક પટેલ જ ગુજરાત પ્રદેશનો કારભાર ચલાવી રહ્યા છે તેમ કહી શકાય.

આવા સંજોગોમાં રાજકોટ જીલ્લા કોંગ્રેસમાંથી એક મોટો ફટકો કોંગ્રેસને લાગ્યો છે. જસદણના કોંગ્રેસી સભ્યો ગજેન્દ્ર રામાણી અને તેમના જ પિતરાઈ ભાઈ દિલીપ રામાણીએ અંગત કારણો આગળ ધરીને પોતપોતાના રાજીનામાં આપી દીધાં છે.

નોંધપાત્ર બાબત એ છે કે આ બંને પિતરાઈ ભાઈઓ અગાઉ ભાજપના જ સભ્ય હતાં પરંતુ બે વર્ષ અગાઉ જ્યારે તે સમયના કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાઈ ગયા ત્યારે આ બંનેએ રોષમાં આવી જઈને ભાજપ છોડી દીધો હતો અને કોંગ્રેસમાં જોડાઈ ગયાં. આટલુંજ નહીં આ બંનેએ તે સમયે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાને જીતાડવા તનતોડ મહેનત જ નહોતી કરી પરંતુ ગજેન્દ્ર રામાણીએ પોતાની ફેક્ટરીમાં જ કોંગ્રેસનું ચૂંટણી કાર્યાલય ખોલી આપ્યું હતું.

હવે આ બંને ભાઈઓ ભાજપામાં પરત ફરશે કે રાજકારણને અલવિદા કહી દેશે એ આવનારો સમય જ કહી શકશે. કહેવામાં આવે છે કે આ બંનેએ કોંગ્રેસને આપેલા ફટકા પાછળ કારણ જેટલું દેખાય છે તેટલું સરળ નથી અને પડદા પાછળ બહુ મોટી વ્યૂહરચના રમાઈ રહી છે.

ગત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપાને કોંગ્રેસે એટલે હંફાવ્યો હતો કારણકે તેને સૌરાષ્ટ્રમાંથી સહુથી વધુ બેઠકો મળી હતી, પરંતુ છેલ્લા કેટલા સમયથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તાર અમરેલી અને સાવરકુંડલા સહીત કોંગ્રેસને એક પછી એક ફટકા પડી રહ્યા છે.

આવામાં એ જોવાનું રહેશે કે કોંગ્રેસ આવનારી સ્થાનિક ચૂંટણીઓ કેવી રીતે લડી શકશે.

તમને ગમશે – ગુજરાતમાં કોંગ્રેસની નિષ્ફળતા માટે નેતાગીરી જવાબદાર: માધવસિંહ સોલંકી

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here