યુપી કિસાન સેનાની ચીમકી: કૃષિ કાયદાઓ પરત લીધા તો મોટું આંદોલન થશે

0
295
Photo Courtesy: Swarajyamag

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા લગભગ એક મહિનાથી પંજાબના ખેડૂતો શહેરને બાનમાં લઈને પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે, પરંતુ યુપી કિસાન સેનાએ કેન્દ્ર સરકારને આ ખેડૂતોના દબાણમાં આવી જઈને નવા કૃષિ કાયદાઓ પરત લેવા સામે ચીમકી ઉચ્ચારી છે.

નવી દિલ્હી: એક તરફ દિલ્હી શહેરને ચારેબાજુથી ઘેરીને અને દિલ્હીવાસીઓને સતત એક મહિનાથી તકલીફ આપી રહેલા પંજાબના ખેડૂતો દેશની સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાઓ પરત લેવાની ધમકી આપી રહ્યા છે, તો બીજી તરફ યુપી કિસાન સેનાએ કેન્દ્ર સરકારને આમ ન કરવાની ચીમકી આપી છે.

યુપી કિસાન સેનાના આગેવાન ખેડૂતો ગઈકાલે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંગ તોમરને મળ્યા હતા અને તેમને કહ્યું હતું કે આંદોલનકારી ખેડૂતોના દબાણમાં આવી જઈને જો આ કાયદાઓ પરત લેવામાં આવશે તો તેઓ કાયદાઓની તરફેણમાં અત્યારથી પણ મોટું આંદોલન છેડી દેશે.

યુપી કિસાન સેનાએ ઉપરોક્ત ત્રણેય કાયદાઓને ખેડૂતો માટે લાભકારક ગણાવ્યા હતા અને તેમના પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. કિસાન સેનાના આગેવાનોએ કેન્દ્રીય કૃષિમંત્રીને કહ્યું હતું કે કોઇપણ સંજોગોમાં આ કાયદાઓને પરત લેવા ન જોઈએ.

નરેન્દ્ર સિંગ તોમરે આ ખેડૂતોને જણાવ્યું હતું કે જે વિપક્ષ મોટાભાગનો સમય સત્તામાં રહ્યો હતો તેણે ખેડૂતોના ઉત્થાન માટે કશું પણ કર્યું ન હતું અને આજે આ સુધારા વિરુદ્ધ આંદોલન કરી રહ્યો છે.

યુપી કિસાન યુનિયન તરફથી કૃષિમંત્રીને ભારતીય જનતા પાર્ટીના બાગપતના પૂર્વ સાંસદ સત્યપાલ સિંગ, કિસાન મઝદૂર સંઘના પ્રમુખ ચૌધરી પ્રકાશ તોમર, ઉપપ્રમુખ ઠાકુર રાજેન્દ્ર સિંગ, જનરલ સેક્રેટરી બાબુ રામ ત્યાગી તેમજ કિસાન સેનાના રાષ્ટ્રીય કન્વીનર ગૌરીશંકર સિંગ અને અન્ય અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

અગાઉ પણ દેશના વિવિધ પ્રદેશોમાંથી દસ જુદાજુદા કિસાન યુનિયનોના આગેવાનો પણ કૃષિમંત્રી નરેન્દ્ર સિંગ તોમરને મળ્યાં હતાં અને તમામ નવા કૃષિ કાયદાઓને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

આમ હાલમાં આ કાયદાનો વિરોધ કરતાં તેનું સમર્થન કરી રહેલા કિસાન સંઘોની સંખ્યા વધી ગઈ હોય એવું લાગી રહ્યું છે અને આંદોલન માત્ર પંજાબના કિસાનો સુધી જ સીમિત રહી ગયું હોય એવું ધીમેધીમે સ્પષ્ટ થઇ રહ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here