સમસ્યા: સંજય રાઉતની જબરદસ્તી UPA ઘુસણખોરી પર અશોક ચવાણની રોક

0
317

હજી બે દિવસ અગાઉ જ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે UPA વધુ મજબૂત બને તેવા પ્રયાસો કરવાની વાત કહી હતી જેને કોંગ્રેસના અશોક ચવાણે આજે નકારી દીધી છે.

મુંબઈ: શનિવારે શિવસેનાના સંજય રાઉતે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે UPA વધુ મજબૂત બને અને તે એકમાત્ર એવી શક્તિ બની રહે જે નરેન્દ્ર મોદી સરકારની પ્રજા વિરોધી નીતિઓ સામે લડી શકે. જો કે રાઉતની આ ઈચ્છા પર આજે જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી, વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને હાલની મહા વિકાસ આઘાડીની સરકારમાં મંત્રી એવા અશોક ચવાણે રોક લગાવી દીધી છે.

શનિવારે સંજય રાઉતે UPA ને મજબૂત બનાવવા માટે સોનિયા ગાંધીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે હવે આ જ UPA ને વિસ્તારવું જોઈએ અને તેના થકી તેને વધુ મજબૂત બનાવવું જોઈએ. જ્યારે રાઉતને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું શરદ પવાર UPAના નવા ચેરમેન બની શકે છે ત્યારે તેમણે કહ્યું કે ગઠબંધનમાં નેતાગીરીનો કોઈજ અભાવ નથી.

સંજય રાઉતનું કહેવું હતું કે ઘણી પ્રાદેશિક પાર્ટીઓ ભાજપા સામે લડી રહી છે પરંતુ તે હજી પણ UPA માં સામેલ નથી, આથી તમામ વિપક્ષી પાર્ટીઓએ એક જ છત્ર હેઠળ એકઠું થવું જોઈએ અને ભાજપા તેમજ નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રજાને એક સક્ષમ વિકલ્પ આપવો જોઈએ.

પરંતુ, આજે મળી રહેલા સમાચાર અનુસાર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવાણે સંજય રાઉતના નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી કે શિવસેનાનું UPA સાથેનું ગઠબંધન મહારાષ્ટ્ર પુરતું જ મર્યાદિત છે અને તે રાષ્ટ્રીય સ્તર પર વિસ્તરિત થયું નથી.

શરદ પવારના UPA અધ્યક્ષ બનવા પર રાઉતની ટિપ્પણી પર ટીકા કરતા અશોક ચવાણે કહ્યું હતું કે UPAની નેતાગીરી વિષે કોઇપણ પ્રકારની ટિપ્પણી કરવી તે ઠાકરેના નેતૃત્ત્વ હેઠળની શિવસેના માટે યોગ્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે UPA ના તમામ ઘટક પક્ષોએ સોનિયા ગાંધીના નેતૃત્ત્વમાં વિશ્વાસ દાખવ્યો છે.

ચવાણે શરદ પવારના એ નિવેદનને પણ યાદ કર્યું હતું જેમાં તેમણે પોતે UPAના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે તેવી અટકળોને નકારી દીધી હતી. એવું લાગી રહ્યું છે કે શિવસેનાની UPAમાં એન્ટ્રી કરવાની પ્રબળ ઈચ્છા પર હાલપૂરતું તાળું વાગી ગયું છે.

તમને ગમશે – મહા વિકાસ આઘાડી: શું આ સંઘ કાશીએ પહોંચશે ખરો?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here