મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? જાણીએ સરળ ભાષામાં – ભાગ 1

0
318
Photo Courtesy: moneycontrol.com

આજથી આપણે મ્યુચ્યુઅલ ફંડને સમજવા એક લેખમાળા શરુ કરી રહ્યા છીએ, તો પહેલા જોઈએ મ્યુચ્યુઅલ ફંડ એટલે શું?

મ્યુચ્યુઅલ ફંડ એ એવી કંપની છે જે તમારી પાસે પૈસા લઇ શેરબજારમાં રોકાણ કરે છે. એ તમારી પાસે યુનિટ રૂપે પૈસા લે અને શેરબજારમાં અથવા બોન્ડ્સમાં એટલેકે લોન પેઠે પૈસા રોકે છે, એની લેવેચ કરે છે અને નફો તમને કાં ડિવિડન્ડ રૂપે આપે અથવા એના યુનિટના ભાવમાં વૃદ્ધિ રૂપે આપે છે. જેમ શેરના ભાવ વધે એમ યુનિટના ભાવ પણ વધે જેને નેટ એસેટ વેલ્યુ (NAV) કહેવામાં આવે છે.

આ NAVનો અર્થ મ્યુચ્યુઅલ ફંડના કુલ રોકાણ અને એસેટમાંથી એની જવાબદારીઓ અને લાયબીલીટીસ બાદ કરો અને જે વધે એ નેટ એસેટ વેલ્યુ જે રોજેરોજ શેરના ભાવની જેમ જાણવા મળે. જયારે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ ત્યારે આ NAVના ભાવે યુનિટ આપણેને મળે. જે વધે અથવા ઘટે કારણકે શેરના ભાવ કે જેમાં જે-તે ફંડ રોકાણ કરે એ પણ વધે અથવા ઘટે.

હવે આપણે જોઈએ કે “ઇન્વેસ્ટમેન્ટ ઇન મ્યુચ્યુઅલ ફંડ ઈઝ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક પ્લીઝ રીડ ઓફર ડોકયુમેન્ટ બીફોર ઇન્વેસ્ટિંગ”  તો આ ચેતવણી મુજબ એ કેટલું જોખમી ?

જો ફંડ મેનેજેર આડેધડ શેરબજારમાં રોકાણ કરે અથવા ગમે તેવી કંપનીના બોન્ડ્સમાં રોકાણ કરે તો એ જોખમી થઇ જ જાય. પરંતુ એણે ધંધો કરવાનો છે અને એ પણ રોકાણકારોના વિશ્વાસ મેળવીને લાંબાગાળા માટે એથી એ રોકાણકારોને સારું વળતર આપવા સંયમિત અને રીસર્ચ કરીને શેરબજારમાં રોકાણ કરશે.

વળી SEBI જે આ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કરે છે એની પણ હવે એની પર ચાંપતી નજર હોય છે એના નિયમો આ મ્યુચ્યુઅલ ફંડોએ પાળવાના હોય છે રોકાણકારોને પણ એના હિસાબો સમયાંતરે આપવાના હોય છે. વળી શેરબજારના એનાલીસ્ટો સલાહકારો વગેરેની પણ એમના પર ચાંપતી નજર હોય છે.

અને હા ખાસ તો ફંડ મેનેજર પોતે પોતાનું રીસર્ચ એક નાણાંકીય નિષ્ણાત તરીકે કરી જુદી જુદી કંપનીઓના શેરમાં રોકાણ કરતા હોવાથી એ શેરબજારમાં સીધા રોકાણ કરતા ઘણું ઓછું જોખમી છે. જોખમ તો છે જ.

હાલમાં જ ફ્રેન્કલીન ટેમ્પલટનના ડેબ્ટ ફંડમાં કટોકટી સર્જાઈ અને રોકાણકારોના નાણા એમાં ફસાયા છે મામલો સેબીની નજર અને કોર્ટમાં છે. તો જોખમ તો છે જ માટે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ એક શેરમાં રોકાણ કરીએ એમ સમજી વિચારીને કરવાનું રહે છે. છતાંપણ કહીશ કે એ ઘણું ઓછું જોખમી છે જો તમે સમજીને રોકાણ કરો તો અને તમે જો જોખમ લો તો એમાં વળતર લાંબાગાળે ઇક્વિટી ફંડમાં 12% જેટલું વળતર આશરે છૂટે જ છે.

ડેબ્ટ ફંડમાં બેન્કના ફિક્સ ડીપોઝીટ કરતા બે ટકા વધુ મળે છે વળી બેન્કની ફિક્સ ડીપોઝીટમાં તમારા પૈસા ચોક્કસ સમય માટે લોક ઇન થઇ જાય જયારે મ્યુચ્યુઅલ ફંડમાં તમને બે દિવસમાં તમને જોઈએ ત્યારે મળી જાય આમ અહી લીક્વીડીટી છે.

દરેક મ્યુચ્યુઅલ ફંડ હાઉસનું પોતાનું એક આગવું રીસર્ચ સેન્ટર હોય છે જે ઈકોનોમી શેરબજાર અને કંપનીઓ અંગે સતત રીસર્ચ કરતા રહેતા હોય છે. વળી તેઓ લાખો અને કરોડો રૂપિયા મેનેજ કરતા હોવાથી એમને જોખમ ઘટાડવાના ઉપાયો અને રસ્તાઓ પણ જાણતા જ હોય. ઉપરાંત તેઓ પેન્શન ફંડ અને ઇન્સ્યુરન્સ જેવા લાંબાગાળાની સંસ્થાઓના પૈસા પણ બજારમાં રોકાણ કરતા હોવાથી તમારા પૈસા એક નિષ્ણાત ફંડ મેનેજેરની નજર હેઠળ હોવાથી જોખમ ખુબ ઘટી જાય છે સિવાય કે એ મેનેજેર કઈ ગેરરીતી કે ઘાલમેલ કરી પૈસાની ઉચાપત કરે પણ એમની મેનેજર તરીકેની નિમણુંક એમની નિષ્ઠા અનુભવ વગેરે જોઇને થતી હોવાથી આ શક્યતા ઘટી જાય છે.

આમ સીધા શેરબજાર કરતા ફંડમાં રોકાણ કરવાથી જોખમ ઘણું ઘટી જાય છે પરંતુ એથી એમાં સીધા શેરબજારમાં રોકાણ કરતા વળતર પણ સહેજ ઘટે છે જે આગાઉ જણાવ્યા મુજબ લાંબાગાળે એટલેકે ૧૦ વર્ષના સમયગાળામાં ઇક્વિટી ફંડમાં વાર્ષિક ૧૨% તો છૂટે જ છે હા અહી પણ શેરબજારની જેમ NAVમાં વધઘટ થતી રહે પરંતુ જયારે ઘટે ત્યારે રોકાણ જાળવી રાખવાથી ફરીથી વધતા અથવા ત્યારે નવું રોકાણ કરતા વધુ વળતર છૂટે છે ટૂંકમાં શેરમાં સીધા રોકાણની જેમ જ જેટલો લાંબો સમય રોકાણ જાળવો એટલું વધુ રોકાણ મળે આખરે મ્યુચ્યુઅલ ફંડ પણ શેરમાં જ રોકે છે એથી બંનેના વળતર માટે સરખા નિયમો લાગુ પડે છે

જેમ પ્રતિષ્ઠિત કંપનીના શેરમાં જોખમ ઓછું એમ જ પ્રતિષ્ઠિત ફંડ હાઉસમાં પણ જોખમ ઓછું અને તમે ત્યાં લાંબાગાળા માટે રોકાણ કરી શકો.

તો પ્રશ્ન એ થાય કે મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરવું સારું કે સીધા શેરમાં ?

તો જવાબ છે બંનેમાં રોકાણ કરો લાંબાગાળાના નિવૃત્તિ આયોજન માટે શેરમાં અને ટૂંકાગાળા માટે એટલેકે દસ વર્ષ સુધીના ગોલ કહો કે લક્ષ્ય માટે મ્યુચ્યુઅલ ફંડ સારું જેવા કે સંતાનના શિક્ષણ માટે લગ્ન માટે કે ટૂંકા ગળાના લક્ષ્ય જે પાંચ વર્ષ સુધીના હોય એ માટે અને જ્યાં તમને સીધા શેરમાં સમજણના પડે તો અને ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો.

યાદ રહે શેરમાં થોડીઘણી સમજણ અને નિષ્ણાતનું માર્ગદર્શન હોય તો વળતર 15% થી વધુ જરૂરથી મળે જયારે મ્યુચ્યુઅલફંડમાં 12% વળતર પકડીને ચાલવું યોગ્ય રહેશે આ સ્વાભાવિક છે કારણકે અહી લાખો રોકાણકારોને અને લાખો રૂપિયાની સલામતીનો સવાલ છે જયારે શેરમાં માત્ર તમારા પોતાના પૈસા જ તમે સીધા રોકો છો એથી જોખમ લેવાની ક્ષમતા શેરમાં માત્ર એક વ્યક્તિની જોવાની છે જયારે ફંડ હાઉસે લાખો લોકોના ફંડની સલામતી જોવાની છે.

હવે પછીના અઠવાડિયામાં આપણે મ્યુચ્યુઅલ ફંડ અંગે વિગતે ચર્ચા કરીશું અને જોઈશું કે એમાં કઈ રીતે સલામત રોકાણ શક્ય બને છે સલામત એટલે શું કાળજી લેવી જેથી વળતર સારું મળે અને નુકશાનના થાય.

અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

તમને ગમશે: સિસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલેકે SIP માં રોકાણ કરવું એટલું સરળ છે?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here