શોએબ અખ્તર ધુંવાંફુંવાં: “આતે ICCની ટીમ છે કે IPLની ટીમ??”

0
316
Photo Courtesy: YouTube

ગઈકાલે ICC દ્વારા ગત દશકની શ્રેષ્ઠ ICC ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં એક પણ પાકિસ્તાની ક્રિકેટરનો સમાવેશ થયો નથી અને આથી પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર ગુસ્સે ભરાયો છે.

લાહોર: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલેકે ICC દ્વારા ગઈકાલે ગત દશકની વનડે, ટેસ્ટ અને T20 ટીમ જાહેર કરવામાં આવી હતી, જેમાં 1 જાન્યુઆરી 2011 થી 31 ડિસેમ્બર 2020 સુધીમાં આ ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે આ ટીમમાં સામેલ થયેલા ખેલાડીઓ વિષે કોઈને પણ શંકા ન હતી પરંતુ પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર કદાચ આ ટીમમાં ઢગલાબંધ પાકિસ્તાની ખેલાડીઓ સમાવિષ્ટ થાય તેવી આશા રાખીને બેઠો હશે.

શોએબ અખ્તરનો ગુસ્સો કદાચ એટલા માટે બહાર આવ્યો છે કારણકે આ ત્રણેય ટીમોમાં ભારતીય ખેલાડીઓની સંખ્યા વધુ છે અને પાકિસ્તાન તરફથી એક પણ ખેલાડી નથી. શોએબ અખ્તર હાલના ટોચના પાકિસ્તાની ખેલાડી બાબર આઝમનું નામ આ ટીમમાં સામેલ થશે તેવી ઈચ્છા રાખી રહ્યો હશે.

ICC દ્વારા ટીમ જાહેર થયા બાદ શોએબ અખ્તર દ્વારા પોતાની YouTube ચેનલમાં એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો  જેમાં તેણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. શોએબ અખ્તરે કહ્યું હતું કે,

તેમણે ટીમમાં એક પણ પાકિસ્તાની ખેલાડીને પસંદ કર્યો નથી. અમને તમારી (ICCની) દસકાની શ્રેષ્ઠ T20I ટીમની પડી નથી કારણકે આ એક વર્લ્ડ ટીમ નથી પરંતુ IPL ટીમ છે.

શોએબ અખ્તર એવું માને છે કે ICC હવે ફક્ત પૈસા, સ્પોન્સરશીપ અને TV રાઈટ્સ વિષે જ વિચારે છે. વનડેમાં બંને તરફ બે નવા બોલથી ઇનિંગ શરુ કરાવીને તેણે ડેનિસ લીલી, જેફ થોમસન, વેસ્ટ ઇન્ડિઝના પાંચ મહાન બોલરો, વસીમ અક્રમ અને વકાર યુનિસ જેવા ફાસ્ટ બોલરોને જન્મતાં પહેલાં જ મારી નાખ્યાં છે. ફાસ્ટ બોલરોની સાથે સાથે લેગ સ્પિનરો પણ ક્યાંક ખોવાઈ ગયા છે. આ બધું એટલા માટે થયું છે કારણકે ICC એવું ઈચ્છે છે કે હવે દુનિયામાં 10 જુદી જુદી ક્રિકેટ લીગ રમે અને પોતે બેઠાબેઠા પૈસા કમાય.

શોએબ અખ્તર એટલા માટે પણ ગુસ્સે છે કારણકે બાબર આઝમ હાલમાં T20Iના ICC રેન્કિંગમાં ટોચ ઉપર છે અને તેની એવરેજ આ ફોર્મેટમાં 50.94ની છે. શોએબે એમ પણ કહ્યું છે કે એવું લાગે છે કે ICC ભૂલી ગયું છે કે પાકિસ્તાન તેનું ફૂલ ટાઈમ મેમ્બર છે.

છેલ્લે શોએબ અખ્તરે બાબર આઝમને T20I ફોર્મેટમાં વિરાટ કોહલી કરતાં પણ બહેતર બેટ્સમેન ગણાવ્યો હતો.

તમને ગમશે – અંધભક્તિ: શોએબ અખ્તર પાકિસ્તાની સેના માટેની ચમચાગીરી

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here