ઉકળાટ: મહારાષ્ટ્ર કોંગ્રેસને ઉધઈની જેમ ખાઈ રહ્યાં છે શિવસેના અને NCP

0
322

મહા વિકાસ આઘાડીમાં બધું જ સરખું નથી તેના વિવિધ ઉદાહરણો દરરોજ જોવા મળી રહ્યા છે. આવામાં મહારાષ્ટ્રના એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ સાથી પક્ષો શિવસેના અને NCP પર ગંભીર આરોપ મુકતા સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.

મુંબઈ: ત્રણ સાવ વિરુદ્ધ વિચારધારા વાળી પાર્ટીઓની મહા વિકાસ આઘાડીમાં તકલીફો દરરોજ વધી રહી છે. હમણાં થોડા જ દિવસો પહેલા શિવસેનાના મુખપત્ર સામનામાં કોંગ્રેસ અને તેના હાઈકમાન્ડ પર નિશાન તાંકયું હતું અને હવે મહારાષ્ટ્ર કોંગ્રેસના જ એક વરિષ્ઠ નેતાએ કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને પોતાના સાથીદારોની ફરિયાદ કરી અને ગંભીર આરોપ લગાવ્યો છે.

મુંબઈ કોંગ્રેસના મહાસચિવ વિશ્વબંધુ રાયે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં લખ્યું છે કે મહા વિકાસ આઘાડીમાં કોંગ્રેસની સતત અવગણના કરવામાં આવી રહી છે. ગઠબંધનને સત્તા સંભાળે એક વર્ષ થયું છે પરંતુ પ્રજામાં એવી છાપ છે કે સરકાર માત્ર શિવસેના અને NCP જ ચલાવી રહ્યા છે અને કોંગ્રેસ ફક્ત સમર્થન આપી રહી છે.

રાયનો આરોપ છે કે કોંગ્રેસના મંત્રીઓને કોઈજ મોટી જવાબદારી સોંપવામાં નથી આવી રહી અને પક્ષના કાર્યકર્તાઓને પણ એ ખબર નથી કે પક્ષ કયા નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. વિશ્વબંધુ રાય જે અસંતુષ્ટ સંજય નિરુપમ જૂથના નેતા હોવાનું માનવામાં આવે છે તેમનું કહેવું છે કે શિવસેના અને NCP એક વિચારેલી રણનીતિ અનુસાર જ કોંગ્રેસને ઉધઈની જેમ ખાઈને અને પોતપોતાના પક્ષોને મજબૂત બનાવી રહ્યા છે.

તેમણે આગળ જણાવ્યું છે કે ગત વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસે પ્રજાને કેટલાક વચનો આપ્યા હતા પરંતુ હાલમાં એ વચનોની પૂર્તિ માટે કોઇપણ કાર્ય થઇ રહ્યું નથી. સોનિયા ગાંધીને તેમણે વિનંતી કરી છે કે તેઓ શિવસેના અને NCPને ગઠબંધનના ધર્મનું પાલન કરવાની ફરજ પાડે.

હકીકત પણ એવી છે કે એક વર્ષ પૂરું થવા છતાં રાજ્ય સરકારમાં ઘણા વિભાગો, મંડળો અને બોર્ડના અધ્યક્ષ પદ ખાલી જ છે. જો વિશ્વબંધુ રાયનું માનવામાં આવે તો શિવસેના અને NCP કોંગ્રેસની નિર્ધારિત વોટ બેંકને પોતાની તરફ ખેંચી રહ્યા છે અને રાજ્ય કોંગ્રેસની નેતાગીરી પોતાની નજર સમક્ષ આમ થતું મૂંગા મોઢે જોઈ રહી છે.

હજી બે દિવસ પહેલાં જ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય નિરુપમે શિવસેનાને UPAમાં દાખલ કરવાની પેરવી કરી હતી પરંતુ પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવાણે તેને નકારતાં કહ્યું હતું કે શિવસેના સાથે કોંગ્રેસનું ગઠબંધન માત્ર મહારાષ્ટ્ર પુરતું જ મર્યાદિત છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here