ચોખવટ: નેશનલ હાઈવેઝ પર કેશ લેન હાલ પૂરતી બંધ નહીં થાય

0
287
Photo Courtesy: Oneindia

અગાઉ કરેલી પોતાની જાહેરાત પર ચોખવટ કરતાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે નેશનલ હાઈવેઝ પર રહેલી કેશ લેન હાલ પૂરતી બંધ નહીં થાય, અને સાથે સાથે તેણે આ માટે નવી તારીખ પણ જાહેર કરી છે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગઈકાલે સ્પષ્ટતા કરી હતી કે તમામ નેશનલ હાઈવેઝ પર રહેલા ટોલ પ્લાઝા પર કેશ લેન હવે આવનારી 15 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે. આ લેન પર ફાસ્ટટેગ દ્વારા પણ ચુકવણી થઇ શકશે તેમ મંત્રાલયે ઉમેર્યું હતું.

ગઈકાલે જ પોતાની પ્રથમ જાહેરાતમાં કેન્દ્રીય વાહનવ્યવહાર તેમજ હાઈવેઝ મંત્રાલયે જણાવ્યું હતું કે નેશનલ હાઈવેઝ પરથી કેશ લેન આજથી બંધ થઇ જશે અને આ લેન પર હવેથી માત્ર ફાસ્ટટેગ દ્વારા જ ટોલની ચૂકવણી થઇ શકશે. ત્યારબાદ સાંજે કરેલી અન્ય જાહેરાતમાં ઉપર મુજબ સ્પષ્ટતા કરવામાં આવી હતી.

મંત્રાલયે કરેલી એક અન્ય સ્પષ્ટતામાં જણાવવામાં આવ્યું છે કે 1 ડિસેમ્બર 2017 અગાઉ વેંચવામાં આવેલા M અને N કેટેગરીના વાહનો માટે આજથી જ એટલેકે 1 જાન્યુઆરી 2021થી ફાસ્ટટેગ ફરજીયાત કરવામાં આવ્યા છે.

M કેટેગરીમાં ઓછામાં ઓછા ફોર વ્હીલર્સ હોય છે જ્યારે N કેટેગરીમાં ફોર વ્હીલર્સ સાથે માલ વહન ક્ષમતા તેમજ પેસેન્જર્સને લઇ જવાની ક્ષમતા પણ હોય છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર જે ટોલ પ્લાઝા પર હાઈબ્રીડ લેન હોય છે ત્યાં પણ 15 ફેબ્રુઆરી 2021 સુધી કેશ અને ફાસ્ટટેગ એમ બંને રીતે ટોલની ચુકવણી કરી શકાશે.

આજથી જ મંત્રાલય દ્વારા સો ટકા ઈ-ટોલીંગની શરૂઆત થઇ ગઈ હોવાનું ઉમેરવામાં આવ્યું હતું.

તમને ગમશે – ગડકરી: આવનારા બે વર્ષમાં ભારતના હાઈવે પર ટોલ બૂથ નહીં હોય!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here