સેલિબ્રિટીઝના પ્રચારતંત્ર પ્રત્યે ભાવુક ન થાવ, અપની અકલ લગાઓ!

0
346

સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુને લગભગ સાત મહિનાથી પણ ઉપરનો સમય વીતી ગયો છે અને આજે આ ઘટના સાથે સંકળાયેલા વિષય પર લખવાનું મન થયું છે. આટલા જલદ અને જાહેરમાં અતિશય ચર્ચાસ્પદ રહેલા વિષય વિષે મંતવ્ય આપવામાં સાત મહિના લાગવા પાછળ જે કારણ છે એ કારણ જ આપણા આજના વિષયનું હાર્દ છે અને તે છે સેલિબ્રિટીઓનું પ્રચારતંત્ર.

આજનો વિષય એવો છે કે સેલિબ્રિટી પછી તે કોઇપણ ક્ષેત્રમાં સેલિબ્રિટી હોય તેના પ્રચારતંત્ર પ્રત્યે ભાવુક થવાથી નુકશાન આપણું જ છે નહીં કે એ સેલિબ્રિટીનું.

આ વિષયને છેડતી વખતે જો કોઈ સચોટ ઉદાહરણ યાદ આવતું હોય તો એ સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુનું જ છે, કારણકે તેના અપમૃત્યુ પછી જે રીતે મિડિયાએ વિષયને બંને હાથે ઉપાડી લીધો હતો અને આ અપમૃત્યુ આત્મહત્યા નહીં પરંતુ હત્યા જ જોઈ શકે એવી થિયરી આપણે માથે મારવામાં આવી રહી હતી તેનાથી સામાન્ય જનતાનું કોઈજ ભલું થયું નથી. ભલું જો થયું હોય તો એ એક ખાસ મિડિયા હાઉસનું અને આ મિડિયા હાઉસના પ્રચારતંત્ર દ્વારા જ વહેતી કરેલી ગંગામાં હાથ ધોઈ લેનારા અન્ય મિડિયા હાઉસીઝનું.

અર્નબ ગોસ્વામીએ સુશાંત અપમૃત્યુનો મુદ્દો તરત જ હાથમાં લઇ લીધો અને પછી જે રીતે તેમની બંને ચેનલ પર એક થીયરી વહેતી કરવામાં આવી તેનાથી દરેકને એવું લાગ્યું કે આ અપમૃત્યુ આત્મહત્યા હોઈ જ ન શકે, ભલે CBI કાલે સવારે તેને આત્મહત્યા પૂરવાર કરે તો પણ. અર્નબની બંને ચેનલો બાદ દેશની લગભગ દરેક ચેનલો ‘સુશાંતને ન્યાય અપાવવા માટે’ ચોવીસમાંથી ત્રેવીસ કલાક સુશાંતને લગતાં સમાચાર જ આપવા લાગ્યાં હતા.

અહીં ભૂતકાળમાં પણ ટકોર કરવામાં આવી છે કે મિડીયાનું મુખ્ય કાર્ય જનતાને સમાચાર આપવાનું છે અને ક્યાંક કશે કશું કાચું કપાયું હોય તો તેના પર શોધખોળ કરવાનું છે. સુશાંતના કેસમાં જો કાચું કપાયું હોય તો અર્નબની બંને ચેનલ્સ તો શું કોઇપણ મિડિયાને તેની શોધખોળ કરવાનો હક્ક છે બલ્કે એ તેની ફરજમાં પણ આવી જાય છે, પરંતુ ચિત્ર એવું ઉભું થયું કે સમગ્ર ભારતમાં અને વિશ્વમાં એકમાત્ર સુશાંત અપમૃત્યુ જ મહત્ત્વનું છે અને જનતાને અન્ય માહિતી મેળવવાની કોઈ જરૂર જ નથી. એ તો આભાર સોશિયલ મિડિયાનો કે તેણે આપણને દરરોજના સમાચાર સાથે અવગત કરાવે રાખ્યા.

પરંતુ આ બધાની અસર એ થઇ કે જે અર્નબ ગોસ્વામી વર્ષોથી એક ખાસ પ્રકારના નેરેટીવને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમણે જાતેજ સુશાંતના મુદ્દે એક નેરેટીવ ઉભું કર્યું અને તેમના ફેન્સ તેને જ સાચું માનવા લાગ્યા, એક સમય તો એવો આવ્યો કે સુશાંતે આત્મહત્યા કરી હોઈ શકે તેવું મંતવ્ય ધરાવનારને બહુ ખતરનાક રીતે ટ્રોલ કરવામાં આવતો હતો. અર્નબ અને તેની ચેનલે મુંબઈ પોલીસને આ મુદ્દે એટલી હદે આડે હાથે લીધી કે છેવટે મુંબઈ પોલીસ તેની દુશ્મન બની ગઈ.

એવું નથી કે અર્નબ ગોસ્વામીની ચેનલ મુંબઈ પોલીસ સહીત મહારાષ્ટ્ર સરકારના કોઇપણ વિભાગ સામે પ્રશ્ન ન ઉઠાવી શકે, પરંતુ અહીં વાત ઇન્વેસ્ટીગેટીવ જર્નાલીઝમને બદલે પર્સનલ થઇ ગઈ અને પછી તો આવ્યું કહેવાતું TRP કૌભાંડ. અહીં પવનની દિશા જરા બદલાઈ, કારણકે જે સુશાંતને ન્યાય અપાવવાની જિદ્દ કરીને અર્નબ ગોસ્વામીએ મુંબઈ પોલીસ સામે યુદ્ધ શરુ કરી દીધું હતું તેને અને તેની ચેનલના કર્મચારીઓને વ્યક્તિગત રીતે તકલીફ પડવાની શરુ થઇ ગઈ હતી અને હવે તેમની ચેનલો પર સુશાંત કરતા રિપબ્લિક નેટવર્કની હેરાનગતીના સમાચારો સુશાંતના સમાચારોની જેમ જ ચોવીસમાંથી ત્રેવીસ કલાક પ્રસારિત થવા લાગ્યા.

અહીં મરો થયો રિપબ્લિક ટીવી અને સુશાંતના ફેન્સનો. એમને એમ હતું કે રિપબ્લિક જ્યાં સુધી એમની માન્યતા અનુસાર સુશાંતને ન્યાય નહીં અપાવે ત્યાં સુધી તે આ મુદ્દો પડતો નહીં મુકે. પરંતુ હવે રિપબ્લિક પોતાના માટે સહાનુભુતિ ઉભી કરવામાં લાગી ગયું અને હા થોડો સમય એવી દલીલ પણ વહેતી થઇ કે આ બધું અમે સુશાંતને ન્યાય આપવા નીકળ્યાં એટલે થઇ રહ્યું છે, પરંતુ છેલ્લા અમુક અઠવાડિયાઓથી જોઈશું તો ખ્યાલ આવશે કે હવે સુશાંત એ રિપબ્લિકના પ્રચારતંત્ર માટે પણ કોઈ મુદ્દો રહ્યો નથી.

આમ એક ચેનલ અને તેના માલિકના પર્સનલ એજન્ડા અથવાતો પ્રચાર અથવાતો તેનાથી મળનારા ફાયદાના મૃગજળ પાછળ ભાવુક થઈને પાછળ પડેલા સુશાંતના કહેવાતા ફેન્સ, જે એના જીવતાજીવત તો તેને ટોચનો એક્ટર ન બનાવી શક્યા, ન ઘરના રહ્યા કે ન ઘાટના.

આ જ સુશાંત વિવાદની એક બાયપ્રોડક્ટ રહી હતી કંગના રણાવત. કંગના રણાવતનો સ્વભાવ જ લડાઈ કરવાનો છે. તેના અને હ્રિતિક રોશનના વિવાદ વખતે તેનું વર્તન હાસ્યાસ્પદ રહ્યું હતું. એક્ટર તરીકે કંગનાનો હાથ કદાચ કોઈ અન્ય એક્ટર કદાચ નહીં પકડી શકે પરંતુ એક વ્યક્તિ તરીકે તેના વિધાનો પર વિશ્વાસ તો કોઈ ઓછી અક્કલ ધરાવતી વ્યક્તિ જ કરી શકે.

સુશાંતની ઘટના બાદ સામાન્ય જનતા (આ સમાન્ય જનતા એટલે સોશિયલ મિડિયાની જનતા વધુ એમ વાંચવું) જે બોલિવુડના કેટલાંક મોટાં અને વગદાર માથાંઓ વિરુદ્ધ થઇ ગઈ હતી તે ભાળીને કંગનાએ પોતાનું પ્રચારતંત્ર કામે લગાડી દીધું. આટલો સમય પોતાના ફેન્સના ટ્વિટર હેન્ડલ કે પછી પોતાની બહેન રંગોલી ચંદેલના હેન્ડલથી પોતાના સંદેશ સોશિયલ મિડીયામાં ફેલાવતી કંગનાએ અચાનક જ પોતાના ફેન્સના નામનું હેન્ડલ હસ્તગત કરી લીધું. મહારાષ્ટ્ર સરકારે જે રીતે અર્નબ વિરુદ્ધ કાર્યવાહી કરી તેવી જ રીતે કંગના વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી. કંગનાના સમર્થનમાં રિપબ્લિક અને અર્નબની જેમજ લોકજુવાળ ઉભો થયો અને કંગનાએ તેના સ્વભાવ અનુસાર બેફામ વર્તન કરવાનું શરુ કરી દીધું.

પરંતુ કારણકે કંગના સુશાંતના મુદ્દે અમારી પક્ષે છે એટલે અમારે કોઇપણ સંજોગોમાં કંગનાના વર્તનને અવગણીને તેને સમર્થન આપવાનું છે એવું તેના અને સુશાંતના કહેવાતા ફેન્સે નક્કી કરી લીધું હતું. ત્યારબાદ ગત મહીને શરુ થયેલા કિસાન આંદોલન અંગે પણ કંગના અને દલજીત દોસંજ વચ્ચે ટ્વિટર યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને તે વિકૃતિની તમામ હદ પાર કરી ગયું હતું.

અત્યારસુધી કંગનાને આંખ-માથાં પર બેસાડનાર અને તેને હિંદુ ધર્મનું પ્રતિક માનનારા કેટલાક ટ્વિટર યુઝર્સને ત્યારે લગભગ હાર્ટએટેક આવી ગયો જ્યારે કંગનાને બિકીની પહેરેલો ફોટો શેર કર્યો અને આ જ લોકોના વિરોધનો જવાબ કંગનાએ પોતાની સ્ટાઈલમાં એટલેકે “થાય એ કરી લેવું” ના ન્યાયે આપ્યો. ફરીથી તકલીફ એ જ લોકોને પડી જે કંગનાને પોતાની ભગવાન માની બેઠા હતા કે આ અને અર્નબ જ સુશાંતને ન્યાય અપાવી શકશે. પણ એક તકલીફ એવી પણ છે કે આ લોકોની પરિસ્થિતિ ન કહેવાય ન સહેવાય જેવી છે કારણકે જો તેઓ કંગનાનો વિરોધ કરે તો કંગનાના જ ફેન્સ અને તેનું પ્રચારતંત્ર તૈયારી સાથે બેઠા છે કે એમની સાથે અભદ્ર કે અપમાનજનક વર્તન કરે.

હજી ગઈકાલે જ કંગનાએ કરેલી એક ટ્વિટમાં તે અર્જુન રામપાલ સાથે સ્ટેજ શેયર કરી રહેલી જોવા મળે છે. આપણને ખ્યાલ જ છે કે અર્જુન રામપાલ વિરુદ્ધ પણ NCB ડ્રગ અંગે તપાસ ચલાવી રહી છે. આ જ કંગનાએ જ્યારે NCB સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની તપાસ ચલાવી રહી હતી ત્યારે તેને દોષિત ઠેરવીને સોશિયલ મિડિયા માથે ચડાવીને ફરતી હતી, હવે અર્જુન રામપાલ જેની તપાસ પણ NCB ચલાવી રહી છે તેની સાથે કંગનાને સ્ટેજ શેયર કરવાનો એટલે વાંધો નથી કારણકે તે તેની આવનારી ફિલ્મનો જ એક ભાગ છે. બસ, આવી જ ઘટનાઓ દ્વારા સામાન્ય ફેન્સની ભાવનાઓ પર કોઈનું પ્રચારતંત્ર ભારે પડે છે.

આટલું ઓછું હોય તેમ સુશાંતને ન્યાય અપાવવાની લ્હાયમાં જે લોકો સમગ્ર બોલિવુડને ક્રિમીનલ અને ચરસી ગણીને મણમણની પધરાવતા હતા એ જ લોકો બોલિવુડનો જ ભાગ રહેલા સુશાંત માટે મોદી અને શાહની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવવા લાગ્યા જાણેકે સુશાંતને ન્યાય અપાવવા માટે જ પ્રજાએ તેમના પક્ષને 305 બેઠકો આપી હોય! આ લોકો ત્યારે મૂંગા જ રહ્યા જ્યારે એ વાત પણ બહાર આવી કે સુશાંત પણ ડ્રગ્સ લેતો હતો, કારણકે એ પેલા પ્રચારતંત્ર દ્વારા સેટ કરવામાં આવેલા નેરેટીવમાં ફિટ બેસતું ન હતું.

વાત એવી છે કે દરેક સેલિબ્રિટી હોય પછી તે કોઇપણ ક્ષેત્રનો હોય તેને ન્યુઝમાં રહેવું ગમતું હોય છે અને તેની એ જરૂરિયાત પણ છે અને એમ કરવા માટે તે બધાનું એક આગવું પ્રચારતંત્ર પણ હોય છે. એક અંગ્રેજી કહેવત અનુસાર જો તમે કોઈની નજરથી દૂર થયા તો તમે એના મનમાંથી પણ દૂર થઇ જાવ છો, એટલેજ આ બધા પોતાને હકારાત્મક કે નકારાત્મક કોઇપણ પ્રકારનો પ્રચાર મળે તે માટે કોઇપણ હદ સુધી જવા તૈયાર હોય છે.

આપણે એમ વિચારી પણ લઈએ કે ઉપરોક્ત બંને ઉદાહરણો એટલેકે અર્નબ અને કંગનાનો હેતુ સુશાંતે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે એ સત્ય સામે લાવવાનો જ હતો પરંતુ એમની એ અંગેની કાર્યશૈલી તેમના એ હેતુ સાથે મેળ ખાતી નથી, કારણકે આત્મહત્યાની શક્યતા તેમના નિવેદનોમાં ક્યારેય દેખાઈ ન હતી.

જો અર્નબનો હેતુ સાચો હોત તો એ છ મહિના બાદ એ મુદ્દાને કોરાણે મુકીને આગળ ન વધી ગયો હોત, કારણકે શરૂઆતના પાંચ મહિના તેણે દિવસના ત્રેવીસ કલાક ફક્ત એ જ મુદ્દાને આગળ ધપાવ્યો હતો. જો કંગનાનો હેતુ સાચો હોત તો એ આજે પણ સુશાંતનો કેસ ક્યાં સુધી પહોંચ્યો છે તે અંગે ખુદ પણ અપડેટ રહી હોત અને પોતાના ફોલોઅર્સને પણ તેના વિષે સૂચના આપતી હોત અને બિકીની વાળા મુદ્દે મૌન સેવ્યું હોત કારણકે તેનો વિરોધ કરનારા એ જ લોકો હતા જેમણે તેની ઓફિસ તૂટી ત્યારે તેને ભરપૂર સમર્થન આપ્યું હતું. પરંતુ હવે એવું લાગે છે કે આ બંનેને સુશાંતનો મુદ્દો હાથમાં લઈને જે માઈલેજ મળી ગયું છે ત્યારબાદ તેમનું કાર્ય પૂરું થઇ ગયું છે.

તકલીફ હવે એ લોકોને છે જે આ બંનેના પ્રચારમાં આવી જઈને દેશના ન્યાયાલય તેમજ ન્યાય તંત્રનું અપમાન કરી રહ્યા હતા અને એમની પાસે હવે CBI પોતાનો અંતિમ નિર્ણય ન આપે ત્યાં સુધી રાહ જોવા સિવાય કોઈજ વિકલ્પ નથી.

બેશક, આપણું ન્યાયતંત્ર ધીમી ગતિએ ચાલે છે, બેશક આપણું ન્યાયતંત્ર સર્વાંગ સ્વચ્છ નથી, પરંતુ આપણી પાસે તેના પર વિશ્વાસ મુક્યા સિવાય કોઈ અન્ય વિકલ્પ છે ખરો? જો છ મહિનાના બૂમબરાડા પાડ્યા બાદ પણ CBIના રિપોર્ટની જ રાહ જોવાની હતી તો અન્યોના પ્રચારતંત્ર દ્વારા વહેતાં કરવામાં આવેલા પ્રચારમાં આવી જવાની શી જરૂર હતી? શું અત્યારે આપણને એ સવાલ ન થવો જોઈએ કે ઉપરોક્ત બંને સેલિબ્રિટીઓ સુશાંતના મુદ્દે એક સ્ટેન્ડ લઈને પોતપોતાના સ્કોર સેટલ નહીં કરી રહ્યાં હોય?

એમના પ્રચારતંત્ર દ્વારા ઉભા કરાયેલા અંગત યુદ્ધના આકર્ષક પેકેજીંગમાં આવી જઈને શું આપણે એટલા તો ભાવુક થઇ ગયા કે આપણી હોંશિયારીથી એ અપમૃત્યુ વિષે કોઈ મંતવ્ય ધરાવવાનું અને યોગ્ય સમયે તેને રજૂ કરવાનું ભૂલી ગયા? શું આ આપણી ભૂલ નથી? જો હોય તો પછી આપણને મિડીયાની ટીકા કરવાનો હક્ક ખરો? કારણકે મિડીયાને તો આ જ જોઈતું હોય છે કે તે કોઇપણ એક નેરેટીવ સેટ કરે અને પછી તે નેરેટીવને પોતાના મળતિયાઓ દ્વારા પ્રજામાં એટલેકે આપણામાં ફેલાવે અને આપણે એ નેરેટીવને આધારે આપણું મંતવ્ય નક્કી કરીએ.

સુશાંતને ન્યાય મળે એ દરેકની ઈચ્છા છે. આ બધામાં એક સારી બાબત એ બની કે મુંબઈ પોલીસ જેની તપાસ પર કોઈનેય ખાસ વિશ્વાસ ન હતો, કેન્દ્ર સરકારે તેની પાસેથી તપાસ લઈને CBIને આપી જેની ઈચ્છા મોટાભાગની પ્રજા દર્શાવી રહી હતી. પરંતુ જો CBI પણ સુશાંતે આત્મહત્યા જ કરી છે એવા પુરાવા લઈને આવે તો શું હવે આપણે CBIને પણ અપશબ્દો કહીશું? તેના પર અવિશ્વાસ દર્શાવીશું? ક્યાંક તો આ બધાંનો અંત હોવો જોઈએને?

આ આખીએ ચર્ચાનો એક જ નિષ્કર્ષ છે કે દેશ અને દુનિયામાં બનતી કોઇપણ ઘટના બાદ કોઈના દોરવાયા ન દોરાઈએ, કોઇપણ મંતવ્ય નક્કી કરતાં પહેલાં જરા રાહ જોઈએ, દરેક ઘટનાના દરેક પાસાંઓ પર વિચાર કરીએ અને પછી જ આપણું મંતવ્ય આપણે રજુ કરીએ. આ બધા માટે ખાસ કશું નહીં પરંતુ થોડીક માનસિક અને લાગણીઓની પરિપક્વતાની જ જરૂર છે.

વર્ષ 2021ની આપ તમામને અઢળક શુભેચ્છાઓ!

૧ જાન્યુઆરી ૨૦૨૧, શુક્રવાર

અમદાવાદ 

તમને ગમશે – VIDEO: ગોદી મિડિયા એટલે શું? રોહિત સરદાના આપે છે વ્યાખ્યા

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here