સ્પષ્ટતા: ભારતીયોની કોરોના વેક્સિનની માંગ પહેલાં પૂર્ણ કરાશે પછી જ એક્સપોર્ટ થશે

0
315
ભારતીયોની વેક્સિનની માંગ પહેલા પૂર્ણ થશે: અદર પૂનાવાલા
Photo Courtesy: The Indian Express

ગઈકાલે બે આત્મનિર્ભર કોરોના વિરોધી રસીઓને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, તેમાંથી એક રસી નિર્માતાએ વેક્સિનની માંગ અને એક્સપોર્ટ અંગે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે.

પુણે: ગઈકાલે જ આત્મનિર્ભર કોરોના વિરોધી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ એવી અટકળો શરુ થઇ ગઈ હતી કે ભારતમાં જ બનેલી આ વેક્સિન ભારતીયોને પહેલાં અપાશે કે પછી તેની નિર્યાત કરવામાં આવશે.

ગઈકાલે મંજૂરી પામેલી વેક્સિનોમાંથી એકના નિર્માતા સિરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના (SII) ચિફ એક્ઝીક્યુટીવ અદર પૂનાવાલાએ કહ્યું છે કે તેમની કંપનીમાંથી ઉત્પાદિત રસી પહેલા ભારતીયોની વેક્સિનની માંગ પૂર્ણ કરશે અને ત્યારબાદ જ તેની નિર્યાત કરવામાં આવશે.

સિરમ ઇન્સ્ટીટયુટ દ્વારા શરૂઆતમાં ભારતીયોની વેક્સિનની જરૂરિયાત પૂરતા 100 મિલિયન ડોઝ ઉત્પાદિત કરવામાં આવશે અને આ ડોઝ આવનારા બે મહિનામાં ઉત્પાદિત થઇ જશે અને ત્યારબાદ જ તેને વિદેશોમાં નિર્યાત કરવામાં આવશે.

પૂનાવાલાએ જણાવ્યું હતું કે તેઓ સરકારની એ ઈચ્છાનું સંપૂર્ણપણે સમર્થન કરે છે જેમાં તે કોરોના વિરોધી રસી સહુથી પહેલાં દેશના ગરીબો અને જરૂરીયાતમંદ લોકોને મળી રહે તે સુનિશ્ચિત કરવા માંગે છે.

અત્રે એ નોંધવું જરૂરી છે કે સિરમ ઇન્સ્ટીટયુટ દ્વારા અગાઉથી જ કોરોના વિરોધી વેક્સિનના લાખો ડોઝ ઉત્પાદિત કરી દેવામાં આવ્યા છે અને હજી સુધી તેનો આ અંગે સરકાર સાથે કોઈ કરાર પણ નથી થયો. જો કે વેક્સિનની મંજૂરી મળી ગઈ હોવાથી આવનારા થોડા જ દિવસોમાં આ કરાર કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ગઈકાલે સિરમ ઇન્સ્ટીટયુટની Covishield વેક્સિન ઉપરાંત સરકારે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) અને પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીના સહકારથી બનેલી વેક્સિન Covaxinને પણ મંજૂરી આપી હતી.

જો કે હાલમાં આ બંને વેક્સિનનો ઉપયોગ માત્ર કટોકટીના સમયમાંજ કરવાની મંજૂરી મળી છે, પરંતુ આવનારા સમયમાં પ્રત્યેક દેશવાસીને તે સરળતાથી ઉપલબ્ધ પણ બનશે અને તે જરૂરિયાતના સમયે આપવામાં પણ આવશે. અગાઉ વેક્સિન ડિપ્લોમસી હેઠળ વિવિધ દેશોના રાજદૂતોએ ભારત બાયોટેકની મુલાકાત પણ લીધી હતી.

હાલમાં બ્રાઝિલ સહીત અનેક દેશોએ ભારતની કોરોના વિરોધી રસીને આયાત કરવામાં પોતાનો રસ દર્શાવ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here