दिल से रेहमान (11): અને આવી ગઈ ઓસ્કર એવોર્ડ્સની એ રાત…

0
404

હોલીવુડ હોય કે બોલીવુડ, વર્ષ પૂરું થાય એટલે એવોર્ડની સીઝન શરૂ થાય છે જેમાં પાછલા વર્ષમાં આવેલી ફિલ્મોની સરાહના થાય છે. હોલીવુડમાં તો નવેમ્બર-ડિસેમ્બરથી જ તૈયારીઓ શરૂ થઈ જાય અને જાન્યુઆરી સુધી તો બધું જ ફાઈનલ થઈ જાય. આ એવોર્ડના મોટા નામ એટલે બાફટા (BAFTA), ગોલ્ડન ગ્લોબ (Golden Globe), ગ્રેમી (Grammy), સેટેલાઈટ એવોર્ડ (Satellite Awards), ગીલ્ડ એવોર્ડ (Guild Awards) અને ઓસ્કર્સ (Oscars)!!

દર વર્ષે એક એવી ફિલ્મ હોય જેને જોઈને લોકો અચંબિત થઈ જાય, જેને ઘણાં બધા નોમિનેશન મળ્યા હોય, જે એવોર્ડ સમિતિ અને પ્રેક્ષકોની ફક્ત પસંદ જ નહીં એક ફિલ્મ કરતા પણ વિશેષ બની જાય – એવી જ ફિલ્મ હતી ‘સ્લમડોગ મિલિયોનેર’ જે 2008ના વર્ષમાં ચમકી ઊઠી.

ભારતમાં ઘણાં લોકોને એવું લાગ્યું કે “જય હો” ગીત અને ‘સ્લમડોગ મિલિયોનેર’નું સંગીત રહેમાનની પાછલી ફિલ્મો જેટલું સુમધુર અને તરંગી નહોતું, કારણ કે રહેમાને પોતે જ પોતાના સંગીતનું સ્તર ઊંચું રાખેલું. ભારતીયો માટે ભલે આ ગીતો પહેલા સાંભળેલા અને જોયેલા હોય પરંતુ અમેરિકા અને ઇંગ્લેન્ડ (કે બીજા દેશો)ના પ્રેક્ષકોના કાન માટે આ નવું જ સંગીત હતું. ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મની સફળતા અને કમાણી પરથી એક વાત નક્કી હતી કે 2008-09ના વર્ષમાં આ ફિલ્મ ધૂમ મચાવશે.

***

‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મને તબક્કાવાર રજૂ કરવામાં આવી. 30 ઓગસ્ટ 2008ના રોજ કોલોરાડોના ‘ટેલ્યુરાઈડ ફિલ્મ ફેસ્ટિવલ’માં પ્રીમિયર થયા બાદ તે 7 સપ્ટેમ્બરના રોજ 33મા ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી. પછી ઓક્ટોબરમાં ઑસ્ટીન, શિકાગો તથા લંડનમાં અને 12 નવેમ્બરે અમેરિકાના બીજા થોડા રાજ્યોમાં રિલીઝ થઈ. ફાઈનલી, 25 ડિસેમ્બરે અમેરિકાના બધાં જ રાજ્યોમાં રિલીઝ થઈ. તેના પછી બે જ મહિનામાં નોર્વે, ઈટાલી, ઓસ્ટ્રેલિયા અને જાન્યુઆરી 2009માં ભારતમાં ફિલ્મ રિલીઝ થઈ.

1992ની ફિલ્મ ‘ધ સાઇલન્સ ઓફ લેમ્બ્સ’ (The Silence of Lambs) પ્રમાણે ખૂબ જ ઓછા પ્રમોશનથી પરંતુ ફક્ત અને ફક્ત ‘માઉથ પબ્લિસિટી’ દ્વારા ‘સ્લમડોગ મિલિયોનેર’ને સફળતા મળી. કોઈ મોટા નામ નહીં, કોઈ નવા પ્રમોશન નહીં, કોઈ ફ્રેન્ચાઈઝી નહીં, છતાં ફિલ્મ ચાલી ગઈ. ફક્ત અને ફક્ત કલાત્મક અને અલગ વિષયને કારણે!! ‘એવેંજર્સ’ કે ‘અવતાર’ જેવી તો નહીં પરંતુ ‘સ્લમડોગ મિલિયોનેર’ નાણાકીય રીતે પણ ઘણી સફળ ફિલ્મ રહી.

અમેરિકામાં પહેલા જ વિકેન્ડમાં ફિલ્મે દસ થિયેટરોમાં 360018 ડોલર અને બીજા વીકેન્ડમાં 32 થિયેટરોમાં 947795 ડોલરનો વકરો કર્યો. નાતાલના વિકેન્ડ દરમિયાન 614 થિયેટરોમાં રિલીઝ થઈ અને 5647007 ડોલરની કમાણી કરી. 27 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી 2943 થિયેટરોમાં ફિલ્મ રજૂ થઈ અને 140 મિલિયન ડોલરની કમાણી કરી. ઓસ્કર એવોર્ડ મળ્યા બાદ ફિલ્મની રેટિંગ 43% થી વધી ગઈ – જે ટાઈટેનિક ફિલ્મ પછી સૌથી વધુ હતી.

9 જાન્યુઆરીએ યુ.કે.માં ફિલ્મ રિલીઝ થયા બાદ પહેલા વિકેન્ડમાં બોક્સ ઓફિસ પર બીજા નંબરે અને તેના પછીના વીકેન્ડમાં પહેલા નંબરે આવી ગઈ. આ એક અઠવાડિયામાં ફિલ્મને 4 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને 11 બાફટા એવોર્ડના નોમિનેશન મળ્યા. 11 દિવસમાં 6.1 મિલિયન પાઉન્ડની કમાણી કરી. ભારતમાં 22 જાન્યુઆરી 2009ના દિવસે ફિલ્મ મુંબઈમાં પ્રીમિયર થઈ. હિન્દીમાં ‘સ્લમડોગ કરોડપતિ’ અને તામિલમાં ‘નાનુમ કોડીસ્વરન’ નામથી રિલીઝ થઈ.

ભારતમાં ફિલ્મે 2.2 મિલિયન ડોલરનો વકરો કર્યો. તે વર્ષની ભારતીય ફિલ્મોની રિલીઝ જેવી કમાણી તો ન થઈ પરંતુ હોલિવુડની ફિલ્મો માંથી (‘સ્પાઈડર મેન-3’ અને ‘કસીનો રોયાલ’ પછી) ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. ભારતીય રીવ્યુકાર કોમલ નાહટાએ લખ્યું: “ફિલ્મનું શીર્ષક જ અટપટું હતું. ‘સ્લમડોગ’ શબ્દ ભારતીય પ્રજા માટે અજાણ્યો શબ્દ હતો. તથા ફિલ્મમાં અનિલ કપૂર અને ઈરફાન ખાન સિવાય કોઈ ઓળખીતો કલાકાર નહોતો એટલે ભારતીય લાગણીઓ માટે ફિલ્મ બંધબેસતી નહોતી.”

ફિલ્મે સ્પેન, ફ્રાન્સ, ઈટાલી, ક્રોશિયા, પોલેન્ડ, સ્વીડન, જર્મની, ઓસ્ટ્રેલિયા, ચીન અને જાપાનમાં પણ સારું પ્રદર્શન કર્યું. ટૂંકમાં, ફિલ્મ ગયા આખા દશકમાં સૌથી સફળ બ્રિટિશ ફિલ્મ બની રહી. ‘સ્લમડોગ મિલિયોનેર’ ને ઘણાં નામાંકન અને એવોર્ડ તો મળ્યા જ પણ સૌથી મહત્વની બાબત હતી એ લોકો જેમને આ એવોર્ડ મળ્યા – ખાસ કરીને સાઉન્ડ મિક્સ કરનાર કેરળનો સંગીતકાર રેસુલ પૂકુટ્ટી અને બીજો રહેમાન!

***

81મા ઓસ્કર એવોર્ડમાં ‘સ્લમડોગ મિલિયોનેર’ને કુલ 10 નામાંકન મળ્યા. તે રાત્રિની તે બીજી સૌથી વધુ નામાંકન મેળવનારી ફિલ્મ હતી. તેમ છતાં ફિલ્મને એક્ટિંગ (મુખ્ય કે સપોર્ટિંગ રોલ) માટે કોઈ નોમિનેશન મળ્યું નહોતું.

  1. શ્રેષ્ઠ ફિલ્મ (Christian Colson)
  2. શ્રેષ્ઠ નિર્દેશક (Danny Boyle)
  3. બેસ્ટ સ્ક્રીનપ્લે (Simon Beaufoy)
  4. બેસ્ટ સાઉન્ડ એડિટીંગ (Glenn Freemantle, Tom Sayers)
  5. બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ (Resul Pookutty, Richard Pryke, Ian Tapp)
  6. બેસ્ટ સિનેમેટોગ્રાફી (Anthony Dod Mantle)
  7. બેસ્ટ ફિલ્મ એડિટીંગ (Chris Dickens)
  8. “જય હો” અને “ઓ….સાયા” ગીત માટે બેસ્ટ ઓરીજીનલ ગીત (A. R. Rahman)
  9. બેસ્ટ ઓરીજીનલ સ્કોર (A. R. Rahman)

રહેમાને એકલા જ પોતાના નામાંકનો સાથે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેની પહેલાં, ઇતિહાસમાં કોઈ અન્ય એશિયન કલાકારને એક જ કેટેગરીમાં બે નામાંકન મળ્યા ન હતા. રહેમાને તેવા જ શિષ્ટાચાર સાથે નામાંકનો સ્વીકાર્યા, જેની સાથે તેણે અત્યાર સુધી જીવનની દરેક વસ્તુ સ્વીકારી હતી. નામાંકન મળ્યા ત્યારે રહેમાન ખૂબ ઉત્સાહિત હતો. ઘણા લાંબા સમયથી રહેમાનને આવા વૈશ્વિક સ્તરે સન્માન મળે એવી ઇચ્છા હતી અને તે જેની જોતો હતો, તે હવે ખૂબ નજીક હતું. રહેમાનને ખબર હતી જ કે ઓસ્કરની જીત તેના માટે નવા દરવાજા ખોલશે. નામાંકન મળતાની સાથે જ રહેમાન કોઈપણ ભારતીય સંગીતકાર-ગાયક કરતાં એક ડગલું આગળ આવી ચૂક્યો હતો, પરંતુ તે વધુ આગળ જવા માંગતો હતો.

તે વર્ષે The Curious Case of Benjamin Button ફિલ્મને 13 નામાંકન મળેલા. તે સિવાય ત્રણ ફિલ્મોના નામ હતા: Milk, The Reader અને Frost/Nixon. આ સિવાય તે વર્ષે ઘણી સારી ફિલ્મો રિલીઝ થયેલી (The Wrestler, Tropic Thunder, Revolutionary Road, Doubt, Kung Fu Panda, Iron Man, Changeling, Vicky Christina Barcelona અને The Dark Knight). સંગીતની કેટેગરીમાં પણ પાંચ ફિલ્મો Slumdog Millionaire, The Curious Case of Benjamin Button, Defiance, Milk અને WALL-E ને નામાંકન મળ્યા.

આ એ જ એવોર્ડ સમારંભ હતો જેમાં રહેમાન “ઓ…સાયા” અને “જય હો” બંને ગીત રજૂ કરવાનો હતો. આ રજૂઆત ઘણી ઉચ્ચ પ્રોફાઇલની હતી કારણ કે દુનિયાના સૌથી મોટા એવોર્ડ સમારંભમાં રજૂ થવાની હતી. તે સિવાય, ઘણા લોકો એવા હતા (જેમ કે રેકોર્ડ કંપનીના મુખ્યા, ફિલ્મ-નિર્માતાઓ, નિર્દેશકો) જે આ ‘સ્લમડોગ મિલિયોનેર’ના સંગીત પાછળના માણસને મળવા માંગતા હતા. તે સિવાય ઓસ્કર પહેલાની પાર્ટીઓમાં પણ હાજર રહેવાનું હતું, ઈન્ટરવ્યુ આપવાના હતા. જબરજસ્ત તણાવ હતો અને વધુ સમય નહોતો.

આ ફિલ્મે બાફ્ટા એવોર્ડ્સમાં કુલ અગિયાર નામાંકન માંથી સાત એવોર્ડ જીત્યા અને ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડમાં નામાંકિત કરાયેલા તમામ ચાર એવોર્ડ જીત્યા. એવોર્ડના જાણકારોને ખબર હશે કે બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળે તે ફિલ્મોના ઓસ્કર એવોર્ડ મળવાના ચાન્સ પણ વધુ હોય છે.

***

બીજે છેડે, ભારતમાં એવોર્ડનો દિવસ નજીક આવતાની સાથે અપેક્ષાઓ અને ઉત્તેજના આસમાને પહોંચી ગઈ.

23 ફેબ્રુઆરી 2009. રહેમાનનો મેનેજર કરણ ગ્રોવર દિલ્હીમાં પોતાના ઘરે સૂતો હતો. લગભગ સવારે 7 વાગ્યે તેના ફોનમાં એક મેસેજ આવ્યો, જેમાં લખ્યું હતું – Won it. Rahman (જીતી ગયા. રહેમાન). રહેમાને દિલ્હી, ચેન્નઈ કે મુંબઈમાં રહેલા દરેક ટીમ મેમ્બરને મેસેજ કરેલો. રહેમાન પાસે પોતાનો ફોન તે દિવસે નહોતો એટલે અમેરિકામાં તેના એજન્ટ સેમ શ્વાર્ત્ઝ (Sam Schwartz)ના ફોનમાંથી બધાને મેસેજ કરેલો. પૃથ્વીના બીજા છેડે લૉસ એન્જેલ્સના કોડેક થિયેટરમાં રહેમાને ઈતિહાસ રચ્યો હતો. હોલિવુડના માંધાતાઓની વચ્ચે રહેમાને એક નહીં પણ બે સોનેરી ઓસ્કરની ટ્રોફીઓ જીતી હતી.

રહેમાનને એવોર્ડ મળ્યો પછી તરત જ લાલકૃષ્ણ અડવાણીએ ફોન કરીને કહ્યું: “બહુત બહુત મુબારક, રહેમાનજી!”  ભારત માટે રહેમાનની અને પુકુટીના નામાંકન એક ગૌરવની વાત હતી. દેશ અને દુનિયા માટે એ પુરાવો હતો કે ભારતીયો પાસે જે છે, તેઓ જે કરી રહયાં છે, તે વૈશ્વિક સ્તરે જરા પણ ઓછું નથી. રહેમાને કરેલું કામ સ્કૂલના બાળકો જોઈને પ્રેરણા પામી શકે તેવું હતું.

***

81મા એકેડમી એવોર્ડ સમારોહ સાંજે 5.30 વાગ્યે પ્રારંભ થયો. હોલીવુડના કોડેક થિયેટરમાં (જે હવે ડોલ્બી થિયેટર તરીકે ઓળખાય છે) રહેમાન પત્ની સાયરા અને માતા કરીમા બેગમ સાથે પહોંચ્યો. તેણે કાળા રંગનો ટક્સીડો (Dinner suit) અને આછા પિસ્તા રંગની ટાઈ પહેરી હતી. પછી બાકીની સાંજ તેણે સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઇન કરેલી બ્લેક શેરવાની પહેરી.

રેસુલ પૂકુટ્ટી ને બેસ્ટ સાઉન્ડ મિક્સિંગનો એવોર્ડ મળ્યો ત્યારે “આ માનવામાં ન આવે તેવું છે”, પુકુટીએ એવોર્ડ સ્વીકૃતિ ભાષણમાં કહ્યું. “મને આ વાતનો વિશ્વાસ પણ થતો નથી. હું આ એવોર્ડ મારા દેશને સમર્પિત કરું છું. આ માત્ર એક એવોર્ડ નથી, આજે મને એક ઈતિહાસ સોંપવામાં આવ્યો છે.”

આ એવોર્ડ વખતેનો વીડિયો જુઓ:

રેસુલની જીત પછી ટૂંક સમયમાં, અભિનેતા એલિસિયા કીઝ અને ઝેક એફ્રોન હાથ પકડીને સ્ટેજ પર આવ્યા. કીઝે શ્રેષ્ઠ ઓરીજીનલ સ્કોર માટે નામાંકિતોની જાહેરાત કરી. અને એફ્રોને કાર્ડ વાંચીને ઘોષણા કરી: “એ.આર.રહમાન ફોર સ્લમડોગ મિલિયોનેર”! જાહેરાત થઈ અને આખું સભાગૃહ તેની આસપાસ તાળીઓથી ગાજી ઊઠ્યું. એક ક્ષણ માટે રહેમાન પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. ઘોષણા પછી તુરંત તેની તરફથી કોઈ પ્રતિક્રિયા જોવા ન મળી.

ભારતમાં, શેરીઓમાં, દેશભરના શહેરોમાં – ખાસ કરીને ચેન્નઈમાં, આકાશમાં ફટાકડા ફૂટવાના શરૂ થયા. શહેરના બીજા ભાગમાં, રહેમાનની બહેન ફાતિમા ઘરે ઓસ્કર એવોર્ડ લાઈવ જોઈ રહી હતી. તેના ઘરની બહાર પણ મીડિયાકર્મીઓ ભેગા થયા હતા. કેટલાક પત્રકારો દિલ્હીથી પણ આવ્યા હતા.

રહેમાન સ્ટેજ પર પહોંચ્યો, તેણે એલિસિયા કીઝ તરફથી ઓસ્કરની સુવર્ણ ટ્રોફી સ્વીકારી અને ઝેક એફ્રોન સાથે હાથ મિલાવ્યા. ત્યારબાદ તેણે તેની માતા, સ્લમડોગની ટીમ અને ચેન્નઈ અને મુંબઇની પોતાની સંગીતકારોની ટીમનો આભાર માન્યો. માતાનો આભાર માનતા તે બોલ્યો – “મેરે પાસ મા હૈ”!! ત્યારબાદ અંતે, તેણે કહ્યું, “હું તમિળમાં કંઈક બોલવા માંગુ છું જે હું સામાન્ય રીતે દરેક એવોર્ડ પછી કહું છું –  એલા પુગાઝુમ ઇરાઇવાનુક્કે એટલે કે ગૉડ ઇઝ ગ્રેટ, ભગવાન મહાન છે, આભાર.”

સિનેમાના સર્વોચ્ચ સન્માન અને ઉજવણીના કેન્દ્રમાં સ્ટેજ પર આજે પહેલી વાર ભારતીય ભાષાઓ સાંભળવામાં આવી હતી.

***

રહેમાન સ્ટેજ પરથી ઉતરતાની સાથે જ કીઝ અને એફ્રોન ‘શ્રેષ્ઠ ઓરિજિનલ ગીત’ માટે ઓસ્કરની રજૂઆત માટે ફરી સ્ટેજ પર આવ્યા. “ઓ … સાયા” ગીત પર પરફોર્મ કરવા માટે રહેમાન ફરીથી દેખાયો. પરંપરાગત ભારતીય નૃત્ય વસ્ત્રોમાં નર્તકો સ્ટેજ પર રેડી હતા, અને રહેમાને ગાવાનું શરૂ કર્યું. ગીત ગવાઈ ગયા પછી એલિસિયા કીઝ અને ઝેક એફ્રોન વધુ એક વખત સ્ટેજ પર દેખાયા. એફ્રોને બેસ્ટ ઓરિજિનલ ગીત – “ઓ…સાયા”, “ડાઉન ટૂ અર્થ” અને “જય હો” માટેના ત્રણ નામાંકિત લોકોને જાહેર કર્યા. કીઝે “જય હો” માટે એ.આર.રહેમાન અને ગુલઝારની વિજેતાની ઘોષણા કરી.

તેણે ટ્રોફી અને માઈક હાથમાં લીધા અને કહ્યું, “હમ્મ”, અને પછી હસી પડ્યો, લગભગ જાણે કે તેને શબ્દો નહોતા મળતા. તેણે ફરીથી તેના ક્રૂ, ડેની બોયલ અને મુંબઈના લોકોનો આભાર માન્યો. તેણે આખરે કહ્યું – “મારી આખી જીંદગીમાં મારે નફરત અને પ્રેમ વચ્ચે પસંદગી કરવાની હતી. મેં પ્રેમ પસંદ કર્યો, અને હું આજે અહીં છું. ગોડ બ્લેસ!”

ઓસ્કરની એ રાત ‘સ્લમડોગ મિલિયોનેર’ની બની રહી. ફિલ્મે તેના માટે નામાંકિત થયેલ દસ એવોર્ડ્સમાંથી આઠ જીત્યા હતા. તે સાંજની તે સૌથી પ્રખ્યાત ફિલ્મ હતી.

***

એવોર્ડ જીતીને રહેમાનની ચેન્નઈ પરત ફરવાનો પ્રસંગ એક શાહી રોમન વિજયથી કંઈ ઓછો નહોતો. તે ખરેખર તેની માતૃભૂમિના દરવાજા પર વિજયી થયેલો હીરો હતો જેનું ભવ્ય સ્વાગત થવાનું હતું.

ધીમે ધીમે ચેન્નઈના અન્ના આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર આગમન દરવાજા સામે એક વિશાળ જનમેદની તેના નામનો જાપ કરવા, ખુશખુશાલ, બેનરો પકડીને અને ફોટા પાડવા એકઠી થઈ હતી. પ્રેસવાળા હતા, મીડિયા હતું, અને ફિલ્મ નિર્માતા રહેમાનને તેના ઘરે મળવાની રાહ જોઈ રહ્યા હતા.

રહેમાનના મિત્ર શિવમણિએ રસ્તા પર જ પોતાના ડ્રમ વગાડવાનું સ્ટેજ બનાવેલું. લોકોના અવાજ થી તે દિવસે ફક્ત કોડમ્બક્કમ વિસ્તાર જ નહીં પરંતુ આખું ચેન્નઈ ગૂંજી ઉઠ્યું. તે રાત્રિએ ચેન્નઈ શહેર સૂતું જ નહીં! રહેમાન આવ્યો ત્યારે આખું શહેર, તેના ચાહકો, આખા દેશનું મીડિયા, ફિલ્મ જગતના મિત્રો – બધાં જ હાજર હતા.

રહેમાનના ઘરે અને સ્ટુડિયો નજીકના રસ્તાઓ પર જેમ કે જલસા અને મેળાવળો હોય તેમ લોકો ભેગા થયા હતા – કોઈ ફૂલના ગુલદસ્તા લઈને તો કોઈ ચલણી નોટના હાર બનાવીને. તામિલનાડુના તત્કાલીન મુખ્ય પ્રધાન જયલલિતાએ રહેમાનને એક ઈમેઇલ મોકલ્યો, જેમાં લખ્યું હતું: “મને હંમેશાં ખબર હતી કે તમને આ સન્માન મળશે જ. અભિનંદન!!”

આજનો વીડિયો:

રહેમાનને જ્યારે ઓસ્કર એવોર્ડ મળ્યો…

નોંધ: 2020નું વર્ષ જતાં જતાં રહેમાન માટે પણ એક કારમી છાપ છોડતું ગયું. 28 ડિસેમ્બર 2020 ના દિવસે રહેમાનની માતા કરીમા બેગમે આ ફાની દુનિયામાંથી પોતાની જીવનલીલા સંકેલી લીધી.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here