નેટફ્લિક્સની વેબસિરીઝ સેક્રેડ ગેમ્સ અતિશય લોકપ્રિય બની છે. આ સિરીઝની બે સિઝન પૂર્ણ થયા બાદ હવે ત્રીજી સિઝનની રાહ જોવાઈ રહી છે જેના વિષે સિરીઝના જ કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકીએ ખુલાસો કર્યો છે.
મુંબઈ: સેક્રેડ ગેમ્સ આપણાં દેશના OTP પ્લેટફોર્મને એક સનસનાટી ભર્યું માર્ગદર્શન બક્ષનાર સિરીઝ રહી છે. બીજી સિઝન પૂરી થઈ ત્યારે આતુરતા એ વાતની હતી કે સરતાજ સિંહ એટલે કે સૈફ અલી ખાન પોતાના શહેરને બચાવી શકે છે કે કેમ ?
ગણેશ ગાયતોંડેનું શું થશે એ ગૂંચ પણ ઉકેલાઈ નથી. એટલે એમ કહી શકાય કે ત્રીજી સિઝન માટે આતુરતાથી રાહ જોવાઇ રહી છે. પરંતુ હાલમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ કંઇક એવો ઘટસ્ફોટ કર્યો છે જેથી આ સિરીઝના ફેન્સ હતાશ થઈ જશે.
ગાયતોંડેના કિરદારમાં જોરદાર અભિનય કરી ચૂકેલા નવાઝે જણાવ્યું છે કે સેક્રેડ ગેમ્સ સિઝન ૩ની ભલે રાહ જોવાઇ રહી છે પણ કોઈ ત્રીજી સિઝન આવવાની નથી!
એક ઇન્ટરવ્યૂમાં વાત કરતાં તેમણે ખુલાસો કર્યો હતો. “આખી દુનિયામાં અમે આ સિરીઝને કારણે આટલી નામના મેળવીશું તેવી કલ્પના અમે કરી નહોતી. મને યાદ છે હું રોમમાં તનિષ્ઠા ચેટરજીની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે ઘણાં બધા લોકો સેક્રેડ ગેમ્સ વિષે ચર્ચા કરી રહ્યાં હતાં.
“અને એટલે જ અમે નક્કી કરેલું કે અમે બીજી સિઝન કરીશું. હા, પહેલી સિઝનની સરખામણીમાં બીજી સિઝન થોડી નબળી રહી. અને તેનું મુખ્ય કારણ એ કે પહેલી સિઝન વખતે અમે જેટલી ગંભીરતાથી કામ કરેલું તે બીજી સિઝન વખતે નહોતી.
રહી વાત ત્રીજી સિઝનની તો તેની સંભાવના નહિવત છે. કારણકે, જે મૂળ વાર્તા પર તે આધારિત છે તેનો સંપૂર્ણ સમાવેશ લગભગ આ બંને સિરિઝમાં થઈ ગયો છે. વિક્રમ ચંદ્રાની આ નવલકથામાં હવે એવું કંઈ બચ્યું નથી જેના પર ત્રીજી સિઝન બનાવી શકાય. “
નવાઝ કહે છે કે તેમના ગણેશ ગાયતોંડે તરીકેના રોલની ખૂબ ચર્ચા થઈ અને તેમના અમુક ડાયલોગ પણ ખૂબ લોકપ્રિય બન્યા. આ અંગે તેમણે કહ્યું “ આ ડાયલોગ ખૂબ લોકપ્રિય બન્યા પણ તે માટેની ક્રેડિટ હું ન લઈ શકું. એ ક્રેડિટ તો કથાના ડાયલોગ રાઇટરને જ જવું જોઈએ. આપણે ત્યાં કોઈ કલાકારના ડાયલોગ લોકોને ગમે તો એ માટે કલાકારને સરાહના મળે છે.
જેમકે ‘ દીવાર ‘ ફિલ્મમાં શશી કપૂરનો જાણીતો ડાયલોગ “ મેરે પાસ માં હૈ “ જાણીતો છે. આ લાઈન સલીમ જાવેદની લખેલી હોઇ, શ્રેય તો એમને મળવું જોઈએ. “
તમને ગમશે: શું પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અભિવ્યક્તિની આઝાદીના વર્તુળની બહાર છે?
eછાપું