શું લખ્યું છે પ્રણબ’દા એ નહેરુ, મનમોહન, સોનિયા અને મોદી વિષે?

0
298

પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણબ મુખરજીની આત્મકથા ‘ધ પ્રેસીડેન્શીયલ યર્સ’ હજી ગઈકાલે જ પ્રકાશિત થઇ છે પરંતુ તેમાંથી કેટલાક ભાગ મિડીયામાં સતત બહાર આવી રહ્યા છે જેમાં પ્રણબ’દા દ્વારા દેશના બે પૂર્વ, વર્તમાન વડાપ્રધાન તેમજ સોનિયા ગાંધી વિષે અજાણી વાતો લખવામાં આવી છે.

નવી દિલ્હી: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. પ્રણબ મુખરજીની આત્મકથાને પ્રકાશિત થયે હજી એક દિવસ જ વીત્યો છે તો પણ તેણે મિડિયા વર્તુળોમાં અત્યારથી જ હલચલ મચાવવાની શરુ કરી દીધી છે.

પોતાની આત્મકથામાં પ્રણબ’દાએ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિષે લખવા ઉપરાંત તેમના રાષ્ટ્રપતિપદે રહ્યા દરમ્યાન વડાપ્રધાન રહેલા મનમોહન સિંગ અને નરેન્દ્ર મોદી વિષે પણ લખ્યું છે.

પ્રણબ’દાએ કોંગ્રેસના હાલના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી માટે પણ પોતાની આત્મકથા ધ પ્રેસીડેન્શીયલ યર્સમાં ખાસીએવી જગ્યા ફાળવી છે.

જવાહરલાલ નહેરુ વિષે એક અજાણી માહિતી જાહેર કરતાં પ્રણબ મુખરજીએ લખ્યું છે કે ભારતની સ્વતંત્રતા સમયે નેપાળ ભારતનું જ એક રાજ્ય બની જાત પરંતુ નહેરુને કારણે એ શક્ય બન્યું નથી.

પ્રણબ મુખરજીના લખવા અનુસાર નેપાળના તે સમયના રાજા કિંગ બિરેન્દ્રએ સામે ચાલીને નહેરુ સમક્ષ નેપાળ ભારતનો હિસ્સો બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ નહેરુએ તેમને જણાવ્યું હતું કે નેપાળ એક સ્વતંત્ર દેશ છે અને તે એમ જ રહેવો જોઈએ.

જો કે પ્રણબ’દા માનતા હતા કે જો એ સમયે નહેરુને બદલે ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હોત તો કદાચ તેમનો નિર્ણય અલગ જ હોત.

પ્રણબ મુખરજીએ લખ્યું છે કે 2004માં જો સોનિયા ગાંધીએ મનમોહન સિંગની જગ્યા પોતાને વડાપ્રધાન બનાવ્યાં હોત તો કોંગ્રેસ 2014માં એટલી ખરાબ રીતે ન હારી હોત જેવી તેની હાલત થઇ હતી તેમ કેટલાક કોંગ્રેસીઓએ તેમને જણાવ્યું હતું, પરંતુ તેઓ એમના મંતવ્ય સાથે સહમત ન હતા.

2014માં મતગણતરીના દિવસે તેમણે પોતાના સ્ટાફને દર અડધા કલાકે પોતાને પરિણામો વિષે જાણ કરવાનું જણાવ્યું હતું પરંતુ તેમણે એવી કલ્પના ક્યારેય નહોતી કરી કે કોંગ્રેસ ફક્ત 44 બેઠકો જ જીતી શકશે.

પ્રણબ’દા એવું માનતા હતા કે તેમને રાષ્ટ્રપતિ બનાવ્યા બાદ કોંગ્રેસ માર્ગ ભૂલી ગઈ હતી અને તેને કોઈ કરિશ્માઈ આગેવાનની ખોટ વર્તાઈ હતી.

મનમોહન સિંગ વિષે પ્રણબ મુખરજીનું કહેવું હતું કે તેમનો વધુ સમય પોતાની સરકાર બચાવવામાં ગયો હતો જેથી તેઓ યોગ્યરીતે કાર્ય કરી ન શક્યાં.

નરેન્દ્ર મોદી વિષે પ્રણબ’દા લખે છે કે જ્યારે દેશભરમાં 8 નવેમ્બર 2016ના દિવસે નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે તેમને એ બાબતે કોઈજ જાણ ન હતી, પરંતુ તેમણે ઉમેર્યું છે કે આ પ્રકારના નિર્ણયોમાં આકસ્મિકતા હોવી અત્યંત જરૂરી હોય છે.

પ્રણબ મુખરજીએ લખ્યું છે કે તેઓ બે વડાપ્રધાનના શાસનના સાક્ષી રહ્યા હતા જેમાંથી મનમોહન સિંગને વડાપ્રધાન પદ સોનિયા ગાંધીએ ઓફર કર્યું હતું જ્યારે નરેન્દ્ર મોદી પ્રજાની પસંદગીના રસ્તે ભારે મોટી બહુમતિ સાથે વડાપ્રધાન બન્યાં હતાં જે આ બંને વચ્ચે તાત્વિક ફેર હતો.

આ પુસ્તક અંગે પ્રણબ મુખરજીના સંતાનો અભિષેક અને શર્મિષ્ઠા મુખરજી વચ્ચે વિવાદ થયો હતો.

એક તરફ અભિષેક મુખરજીએ જણાવ્યું હતું કે તેમના પિતાની ઈચ્છા વિરુદ્ધ તેમની આત્મકથાનું પ્રકાશન ન થવું જોઈએ.

જ્યારે શર્મિષ્ઠા મુખરજીનું માનવું હતું કે સસ્તી લોકપ્રિયતા માટે આ પુસ્તકનું પ્રકાશન જો રોકવામાં આવશે તો તે પૂર્વ રાષ્ટ્રપતિનું અપમાન કહેવાશે.

તમને ગમશે – પ્રણબ મુખરજી: સહમતીના રાજકારણના શહેનશાહ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here