કેટલીક શિયાળુ રેસિપીઓ – મરચાની ચટણી, વટાણાના થેપલાં અને આમટી

0
345
Photo Courtesy: Aakanksha Thakore

લાલ મરચાની ચટણી:

સામગ્રી:

100 ગ્રામ તાજા લાલ મરચાં

1/2 કપ ખાંડ

જરૂર મુજબ પાણી

સ્વાદાનુસાર મીઠું

3 ટીસ્પૂન લીંબુનો રસ

1 ટીસ્પૂન ધાણાજીરું

 

રીત:

 1. સૌ પ્રથમ લાલ મરચાને સમારી લો અને તેમાં રહેલા બી પણ કાઢી નાખો. કૂકરમાં થોડું પાણી ભરી લાલ મરચાને વરાળથી બે વ્હીસલ થાય ત્યાં સુધી બાફી લો.
 2. કૂકર ઠંડુ પડે પછી બાફેલા મરચાં અને જરૂર લાગે તો પાણી લઇ મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવો.
 3. એક કઢાઈમાં ખાંડ લઇ, ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી ગરમ કરો. ખાંડ ઓગળીને એકરસ થઈ જાય પછી તેમાં લાલ મરચાની પેસ્ટ ઉમેરી મિક્સ કરો. પેસ્ટ થોડી ઘટ્ટ થાય અને લાલમાંથી મરુન જેવો રંગ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી તેમાં મીઠું, લીંબુનો રસ અને ધાણાજીરૂં ઉમેરી બે મિનિટ પકાવો પછી ગેસ બંધ કરો.
 4. લાલ મરચાની ચટણી ભાખરી-રોટલી કે કોઈ પણ ફરસાણની સાથે પીરસો. લાલ મરચાની ચટણીને કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

 

લીલા વટાણાના થેપલાં

સામગ્રી:

1 કપ લીલા વટાણા

5-6 લસણની કળી

1 ઈંચ સમારેલું આદુ

1-2 લીલા મરચાં

2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

સ્વાદમુજબ મીઠું

1 કપ ઘઉંનો લોટ

પાણી જરૂરમુજબ

1 ટેબલસ્પૂન તેલ + શેકવા માટે

રીત:

 1. લીલા વટાણા, લસણ, આદુ, મરચા, કોથમીર ઉમેરીને બારીક વાટી લો.
 2. એક કથરોટમાં ઘઉંનો લોટ લઇ તેમાં 1 ટેબલસ્પૂન તેલ, મીઠું અને વટાણાનું મિશ્રણ લઇ તેની કણક બાંધી લો.
 3. હવે બાંધેલા લોટમાંથી એક લુઓ લઇ તેનો પરોઠો વણી લો.
 4. ગરમ તવા પર બંને બાજુથી સરસ શેકી લો.
 5. લાલ મરચાની ચટણી અથવા દહીં કે રાયતા સાથે પીરસો.

લીલી તુવેરની આમટી:

1 કપ લીલી તુવેરના દાણા

4 આખી લસણની કળી

4 ઝીણું સમારેલી લસણની કળી

1 ઈંચ સમારેલું આદુ

1 આખું લીલું મરચું

1 ઝીણું સમારેલું લીલું મરચું

2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

1 ટેબલસ્પૂન તેલ

1 ટીસ્પૂન રાઈ

1 ટીસ્પૂન જીરું

2-3 મીઠા લીમડાના પાન

1 ટીસ્પૂન ધાણાજીરું પાઉડર

½ ટીસ્પૂન હળદર

1 ટીસ્પૂન ગરમ મસાલા

સ્વાદમુજબ મીઠું

જરૂરમુજબ પાણી

રીત:

 1. તુવેરના દાણાને ધોઈને મિક્સરમાં અધકચરા વાટી લો. લસણ, આદુ, મરચું અને કોથમીરને અલગથી વાટી લો.
 2. એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો. જીરું તતડે એટલે તેમાં ઝીણું સમારેલું લસણ, ઝીણું સમારેલું મરચું અને મીઠા લીમડાના પાન ઉમેરીને લસણની કાચી સુગંધ જાય ત્યાં સુધી સાંતળો.
 3. તેમાં વાટેલો લીલો મસાલો ઉમેરીને ૨ મિનીટ સાંતળો.
 4. વાટેલી લીલી તુવેર ઉમેરી જરૂરમુજબ પાણી ઉમેરી બરાબર ભેળવી લો.
 5. તેમાં મીઠું, ધાણાજીરું પાઉડર, હળદર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
 6. ઉકળીને ઉભરો આવે ત્યાંસુધી પકવવા દો.
 7. તૈયાર આમટીને ભાત કે રોટલી સાથે પીરસો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here