અંધાધુંધી: યુએસ કેપિટલ હિલ પર અગાઉ ક્યારેય ન જોવા મળ્યાં હોય એવાં દ્રશ્યો

0
783
Photo Courtesy: Fox Business

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં જીત મેળવી ચુકેલા જો બિડેનને ચૂંટણી પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા દરમ્યાન આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ યુએસ કેપિટલ હિલ પર અંધાધુંધી મચાવી દીધી હતી.

વોશિંગ્ટન ડી.સી: યુએસ સંસદના બંને ગૃહો અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે જો બિડેનને ચૂંટણીનું પ્રમાણપત્ર આપવા માટે મળ્યાં હતાં અને જ્યારે આ પ્રકિયા ચાલી રહી હતી ત્યારે ટ્રમ્પ સમર્થકો કેપિટલ હિલ બિલ્ડીંગમાં ઘુસી ગયા હતા અને અંધાધુંધી મચાવી દીધી હતી.

ટ્રમ્પ સમર્થકો છેક કોંગ્રેસ હોલ સુધી પહોંચી ગયા હતા અને તેઓ ટ્રમ્પ પોતાના રાષ્ટ્રપતિ છે તેવા સુત્રોચ્ચાર પણ કરી રહ્યાં હતાં.

આ ઘટના બાદ તુરંત જ તમામ કોંગ્રેસમેન્સ તેમજ સેનેટના સભ્યોને સુરક્ષિત એક સ્થાને લઇ જવામાં આવ્યા હતા.

સેનેટની કાર્યવાહી સંભાળતા ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સને પણ એસ્કોર્ટ કરીને બહાર લઇ જવાયા હતા.

કેપિટલ હિલ પર જોવા મળેલાં કેટલાંક દ્રશ્યોમાં અહીંના સુરક્ષા ગાર્ડ્સ દેખાવકારો સામે બંદૂક તાણીને ઉભા હોય તેમ જોવા મળ્યું હતું.

આ ઘટનાની નિંદા કરતાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે આ દેખાવો નથી પરંતુ બળવો છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટીવી પર લાઈવ આવીને દેખાવકારોને રોકવા જોઈએ.

ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વિડીયો ટ્વિટ કરીને દેખાવકારોને પોતાને ઘરે જવાનો અનુરોધ કરીને છેલ્લે ‘but I love you’ ઉમેર્યું હતું.

ટ્વિટર દ્વારા આ વિડિયોનું સંજ્ઞાન લેવામાં આવ્યું હતું અને ડોનાલ્ડ ટ્રમ્પને હિંસા ફેલાવવા માટે ઉત્તેજીત કરવાના આરોપ સાથે તુરંત જ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.

તાજી માહિતી અનુસાર ટ્વિટર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે કે હવેથી આ પ્રકારનું તેમનું વર્તન ચલાવી નહીં લેવામાં આવે અને તેમને આજીવન બ્લોક કરવામાં આવી શકે છે.

મળતી માહિતી મુજબ કેપિટલ હિલના સુરક્ષા ગાર્ડ્ઝ દ્વારા અતિશય ધૈર્યનું પાલન કરવામાં આવ્યું હોવા છતાં એક મહિલા દેખાવકારને તેમણે શૂટ કરવી પડી હતી.

આ ઘટના બાદ ટ્રમ્પના વિરોધીઓએ ડોનાલ્ડ ટ્રમ્પ પર તુરંત જ મહાભિયોગ ચલાવીને તેમને બરખાસ્ત આપવાની માંગ શરુ કરી દીધી છે.

પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ યુએસ સંસદના બંને ગૃહોની કાર્યવાહી શરુ થઇ હતી.

સેનેટની કાર્યવાહી પુનઃ શરુ થયા બાદ ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે જણાવ્યું હતું કે દેખાવકારોને જાણ થાય કે તેઓ જીત્યા નથી પરંતુ હારી ગયા છે અને આ ગૃહ હજી પણ લોકોનું જ ઘર છે.

યુકેના વડાપ્રધાન બોરિસ જોહન્સન ઉપરાંત ફ્રાન્સના વિદેશમંત્રી અને NATOના વડાએ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે.

અમેરિકન રાષ્ટ્રપતિની આ વખતની ચૂંટણી શરૂઆતી તબક્કામાં રસાકસી ભરી રહી હતી પરંતુ બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જો બાઇડનને આરામદાયક બહુમતિ સાથે વિજય મળ્યો હતો.

પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સમર્થકો પહેલેથી જ આ ચૂંટણીમાં જબરી ઘાલમેલ થઇ હોવાના આરોપો લગાવી રહ્યા હતા.

જો બાઇડનની ચૂંટણી બાદ ટ્રમ્પ પ્રશાસને સત્તા હસ્તાંતરણની પ્રક્રિયામાં પણ અત્યંત વિલંબ કર્યો હતો અને તેમાં અસંખ્ય વિઘ્નો ઉભા કર્યા હતા.

આજની કેપિટલ હિલ ખાતેની ઘટના અંગે કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ સમર્થકોના છેલ્લા બે મહિનાના ગુસ્સાના બહાર નીકળવાનું આ પરિણામ છે.

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here