કમાણી: કર્ણાટકના ખેડૂતો પાસેથી રિલાયન્સ MSP કરતાં વધુ કિંમતે ચોખા ખરીદશે

0
341
Photo Courtesy: The Business Standard

નવા કૃષિ કાયદાઓનો એક તરફ પંજાબના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે પરંતુ દેશના અન્ય ભાગોમાં ખેડૂતો આ નવા કાયદાનો લાભ મેળવી રહ્યા છે. આવો જ એક કિસ્સો કર્ણાટકથી જાણવા મળ્યો છે જ્યાં ખેડૂતોને MSP કરતાં વધુ કિંમત મળી રહી છે.

બેંગલુરુ: દેશની રાજધાની નવી દિલ્હીમાં પંજાબના ખેડૂતો છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે.

આ ખેડૂતોની સ્પષ્ટ માંગણી એવી છે કે ભારતની સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણેય નવા કૃષિ કાયદાઓ સરકાર રદ્દ કરે.

પરંતુ સરકાર આ કાયદાઓ રદ્દ કરવા માંગતી નથી અને આજે સુપ્રિમ કોર્ટે પણ સરકારને આ ત્રણ કાયદાને હાલપૂરતા અમલમાં ન મુકવાની ગર્ભિત ચેતવણી આપી દીધી છે.

આવા સંજોગોમાં કર્ણાટકથી ખેડૂતોને ત્રણ નવા કૃષિ કાયદાથી ફાયદો થઇ રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

રાજ્યના ખેડૂતોની એક સંસ્થાએ રિલાયન્સ રિટેઈલ સાથે કરાર કર્યો છે જે નવા કૃષિ કાયદા પસાર થયા બાદ સહુથી મોટી કોર્પોરેટ ડીલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

કર્ણાટકના રાયચૂર જીલ્લાના સિંઘનૌર તાલુકાના ખેડૂતોએ રિલાયન્સ રિટેઈલ લિમિટેડ સાથે એક હજાર ક્વિન્ટલ મસૂરી ધાનની ખરીદીનો સોદો કર્યો છે.

રિલાયન્સે આ માટે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 1950 રૂપિયાની કિંમતની ઓફર કરી હતી જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી MSP પ્રતિ ક્વિન્ટલ 1868 રૂપિયા કરતાં 82 રૂપિયા વધુ છે.

આ ખેડૂતો અહીંની સ્વાસ્થ્ય ફાર્મર્સ પ્રોડ્યુસીંગ કંપની સાથે જોડાયેલા છે જેણે રિલાયન્સ રિટેઈલના રજીસ્ટર્ડ એજન્ટ્સ સાથે ઉપરોક્ત કરાર કર્યો છે.

સ્વાસ્થ્ય ફાર્મર્સ પ્રોડ્યુસીંગ કંપનીને આ કરાર અનુસાર પ્રતિ 100 રૂપિયાના વ્યવહાર પર દોઢ રૂપિયો કમીશન મળશે.

આ જ સંસ્થા પાકનું પેકિંગ અને તેને સિંઘનૌર ખાતે આવેલા વેરહાઉસ સુધી પહોંચાડવાનો ખર્ચ પણ ઉઠાવશે.

સમગ્ર પાકની ગુણવત્તાની ચકાસણી થયા બાદ રિલાયન્સના એજન્ટ્સ તેને વેવેરહાઉસમાં ઉપલબ્ધ કરાવશે અને હાલમાં આ વેરહાઉસમાં લગભગ 500 ક્વિન્ટલ અનાજ સ્ટોર પણ કરવામાં આવ્યું છે.

ધાનની ખરીદી બાદ રિલાયન્સ ઓનલાઈન માધ્યમથી સ્વાસ્થ્ય ફાર્મર્સ પ્રોડ્યુસીંગ કંપનીને તેનું મૂલ્ય ચૂકવશે અને ત્યારબાદ સ્વાસ્થ્ય ફાર્મર્સ પ્રોડ્યુસીંગ કંપની દરેક ખેડૂતના ખાતામાં સીધા નાણા ટ્રાન્સફર કરશે.

જો કે કેટલાક લોકોનું કહેવું છે કે શરૂઆતમાં આ કંપનીઓ APMC અથવાતો MSP કરતાં ઉંચો ભાવ ખેડૂતોને આપીને તેમને લલચાવશે અને બાદમાં તેમનું શોષણ કરશે.

તમને ગમશે: ટેકાના ભાવો વધારીને સરકાર ખેડૂતો ની આવક બમણી કરી શકશે ખરી?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here