સમસ્યા: ટિમ ઇન્ડિયા સમક્ષ પ્લેયિંગ ઈલેવન ભેગી કરવાની તકલીફ

0
372

ઓસ્ટ્રેલિયા પ્રવાસનો અંત નજીક છે પરંતુ ત્યાં સુધીમાં ટિમ ઇન્ડિયા પાસે રમી શકે તેવા ખેલાડીઓની સંખ્યા સતત ઓછી થઇ રહી છે અને હવે બ્રિસ્બેન ટેસ્ટમાં પ્લેયિંગ ઈલેવન ઉભી કરવાની તકલીફ ઉભી થઇ છે.

સિડની: ટિમ ઇન્ડિયા થોડા દિવસમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રવાસની તેની છેલ્લી મેચ રમશે પરંતુ આ પ્રવાસ પૂર્ણ થતાં થતાં ઈજાગ્રસ્ત ખેલાડીઓનું લિસ્ટ લંબાતું જ જાય છે.

આજે સવારે જ ભારતના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના પેટના સ્નાયુઓ ખેંચાઈ જવાથી તે પણ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર આવ્યા છે.

તો હનુમા વિહારી અગાઉથી જ આવનારી ઇંગ્લેન્ડ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયો હોવાનું જાહેર થઇ ચૂક્યું છે અને તેનું સ્થાન બ્રિસ્બેન ટેસ્ટમાં લઇ શકે તેવા મયંક અગરવાલને પણ પ્રેક્ટિસ દરમ્યાન ઈજા થઇ હોવાનું બહાર આવ્યું છે.

રવિચંદ્રન અશ્વિન પીઠની ઈજાથી પીડિત હોવા છતાં તેણે ગઈકાલે વિહારી સાથે મળીને એક બહાદુરીથી ભરપૂર ઇનિંગ રમીને મેચ ડ્રો માં કાઢવામાં મદદરૂપ બન્યો હતો તેની પીઠ મેચ પત્યા વધુ જકડાઈ ગઈ હોવાના પણ સમાચાર સામે આવ્યા છે.

આધારભૂત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો અંગૂઠો સિડની ટેસ્ટમાં જ તૂટ્યો છે અને તે પણ બ્રિસ્બેન ટેસ્ટની બહાર થઇ ગયો છે.

અગાઉ કેપ્ટન વિરાટ કોહલી પૈતૃક રજા લઈને દેશ પરત આવી ગયો છે અને લોકેશ રાહુલ, મોહમ્મદ શામી અને ઉમેશ યાદવ પણ ઈજાગ્રસ્ત થઈને સ્વદેશ પરત થઇ ગયાં છે.

આવા સંજોગોમાં ભારતની ટીમનું બેલેન્સ ખોરવાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

નસીબજોગે ટિમ ઇન્ડિયા લાંબો પ્રવાસ હોવાને કારણે અને ઓસ્ટ્રેલિયા ભૌગોલિક રીતે દૂર હોવાથી મોટા પ્રમાણમાં ખેલાડીઓ સાથે લઇ ગઈ છે એટલે કદાચ બહુ બળવાન નહીં એવી પ્લેયિંગ ઈલેવન સાથે રમતમાં ઉતરે તેવી શક્યતા છે.

જો અશ્વિન ઇજામાંથી બહાર ન આવે તો તેને સ્થાને એકમાત્ર સ્પિનર તરીકે કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળી શકે છે.

બુમરાહ બ્રિસ્બેનમાં નહીં જ રમે તે સમાચારની પુષ્ટિ થઇ ગઈ હોવાથી હવે ભારતના બોલિંગ એટેકનું નેતૃત્ત્વ મોહમ્મદ સિરાજ કરી શકે છે.

સિરાજનો સાથ નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર અને નટરાજન આપી શકે છે.

જો અશ્વિનની ગેરહાજરીમાં ટિમ ઇન્ડિયા 6+1+4ના કોમ્બિનેશન સાથે ઉતરશે તો પ્લેયિંગ ઈલેવન આ પ્રકારની હોઈ શકે છે.

રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, અજીન્ક્ય રહાણે, પૃથ્વી શૉ, વૃદ્ધિમાન સહા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, કુલદીપ યાદવ અને નટરાજન.

ટિમની હાલની પરિસ્થિતિ જોતાં મેનેજમેન્ટ આ અંગેનો કોઇપણ નિર્ણય ટોસ ઉછાળવાની અમુક મિનીટ અગાઉ જ લેશે તે સ્પષ્ટ છે.

તમને ગમશે – ગાવસ્કર: ટિમ ઇન્ડિયામાં અલગ ખેલાડીઓ માટે અલગ નિયમો છે!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here