આ વર્ષે ઉજવીએ મકર સંક્રાંતિ ત્રણ અલગ અને અનોખી વાનગીઓ સાથે!

0
488

“એકધારા જીવનથી માનવી કંટાળી ન જાય તે માટે આપણે તહેવારની ગોઠવણી કરી છે….”. વેલ, આવું કંઇક અમે સ્કૂલમાં હતા ત્યારે નિબંધની, ખાસ કરીને તહેવારને લગતા નિબંધની શરૂઆતમાં લખતા. એ વખતે બહુ સમજ પડતી નહિ, પણ હવે એવું લાગે છે કે આપણા તહેવાર ઉજવવા પાછળ કોઈક ને કોઈક કારણ રહેલું છે, આપણે તહેવારની ઉજવણી ખાલી મોજમજા માટે નથી કરતા. જેમકે દિવાળી, રોશની અને ઉર્જાનું સ્વાગત કરવાનો, સ્વીકાર કરવાનો તહેવાર છે, તો હોળી અશુભ પર શુભની જીત ઊજવે છે.

ભારત એક વૈવિધ્યપૂર્ણ દેશ છે અને એ વિવિધતામાં એકતા લાવતી અનેક બાબતો પૈકીની એક વસ્તુ અહીં ઉજવાતા વિવિધ તહેવારો છે. મકર સંક્રાંતિ એ એક એવો તહેવાર છે જે ભારતના વિવિધ ભાગોમાં જુદા જુદા નામો હેઠળ ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે આ દેશ 14 મી જાન્યુઆરીના રોજ સૂર્યની મકર રાશિમાં સંક્રાન્તિ એટલે કે સ્થાનફેરની સાથે સાથે શિયાળુ લણણીની ઉજવણી કરે છે. કોઈ તેને ઉત્તરાયણ કહે છે તો કોઈ પોંગલ કે લોહરી કે મકરસંક્રાંત, આ તહેવાર આવનારા ગરમ દિવસો અને લણેલા પાકને ઉજવે છે. હવે તહેવાર છે તો તેને લગતા ફૂડ રિચ્યુઅલ્સ પણ હોય જ! ગુજરાતમાં આ દિવસોમાં જાત જાતની ચીક્કી અને ઘઉંનો ખીચડો ખાવામાં આવે છે તો બંગાળમાં પતિષ્પાતા અને સાઉથ ઇન્ડીયામાં સક્કારાઈ પોંગલ.

તો આ ઉત્તરાયણ પર આખા દેશને આપણી થાળીમાં લાવીએ?

સક્કારાઈ પોંગલ (સાઉથ ઇન્ડિયા)

Photo Courtesy: HungryForever

સામગ્રી:

½ કપ ચોખા

½ કપ મગની દાળ

½ કપ ગોળ (ઝીણું સમારેલો)

1/8 ટીસ્પૂન ઈલાયચી પાઉડર

2 થી 3 ટેબલસ્પૂન ઘી

1 ટેબલસ્પૂન કિશમિશ

1 ટેબલસ્પૂન કાજુ ફાડા

રીત:

  1. એક હેવી બોટમ પેનમાં મગની દાળ લઇ, તેમાંથી સુગંધ આવે ત્યાંસુધી શેકી લો. હવે તેમાં ચોખા ઉમેરી દાળ અને ચોખાને બરાબર ધોઈ લઇ, જરૂર મુજબનું પાણી ઉમેરી નરમ થાય ત્યાંસુધી પકવી લો.
  2. હવે એક બીજા પેનમાં ગોળ લઇ તેમાં લગભગ ¼ જેટલું પાણી ઉમેરી, ધીમા તાપે ગોળને ઓગાળી લો. આ સીરપ સહેજ જાડું હોવું જોઈએ, ચાસણી જેવું નહિ.
  3. હવે તૈયાર થયેલા દાળ ચોખાને સહેજ છુંદી લો. હવે તેમાં ગોળનું સીરપ અને ઈલાયચી પાઉડર ઉમેરી, ધીમા તાપે, ગોળ અને ચોખાનું મિશ્રણ સહેજ ઘટ્ટ થઇ ખદખદવા લાગે ત્યાંસુધી પકવી લો.
  4. હવે એક વઘારીયામાં ઘી ગરમ કરી, તેમાં કાજુ અને કિશમિશ, કાજુ સોનેરી થાય ત્યાંસુધી, તતડાવો અને તેને પોંગલ પર ઉમેરી મિક્સ કરી દો.
  5. સક્કરાઈ પોંગલ તૈયાર છે, ગરમાગરમ માણો!

ગન્ને કી ખીર (પંજાબ)

Photo Courtesy: Pakvangali

સામગ્રી:

1 લિટર શેરડીના રસ

100 ગ્રામ બાસમતી ચોખા (પલાળેલ)

એક ટીસ્પૂન ઈલાયચી પાઉડર

1 ટેબલસ્પૂન સમારેલો સૂકો મેવો

રીત:

  1. એક કઢાઈમાં શેરડીનો રસ લઇ તેને ઉકાળી લો.
  2. શેરડીનો રસ ઉકળવા લાગે એટલે તેમાં પલાળેલ ચોખા અને ઈલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  3. ચોખાને ધીમા તાપે ચડવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  4. મિશ્રણ સહેજ ચીકાશ પકડવા લાગે એટલે તેમાં સૂકો મેવો ઉમેરી હલાવતા હલાવતા થોડી વાર માટે પકવી લો.
  5. ખીર તૈયાર છે, ઠંડી થાય એટલે સર્વ કરો.

પતિષ્પાતા (બંગાળી)

Photo Courtesy: YouTube

સામગ્રી:

1 કપ મેંદો

½ કપ રવો

½ કપ ચોખાનો લોટ

1 કપ દૂધ

તેલ/ઘી શેકવા માટે

ફીલિંગ માટે:

3 કપ ખમણેલું કોપરું

1 કપ ગોળ

¼ ટીસ્પૂન ઈલાયચી

રીત:

  1. એક કઢાઈમાં ગોળ લઇ, તેને મધ્યમ આંચ પર ઓગાળો. ગોળ ઓગળે એટલે એમાં કોપરું અને ઈલાયચી પાઉડર ઉમેરી બરાબર ભેળવી દો.
  2. કોપરું ચીકાશ પકડે ત્યાંસુધી મિશ્રણને પકવો. તૈયાર થઇ જાય એટલે આંચ પરથી લઇ બાજુમાં રાખો.
  3. એક બાઉલમાં મેંદો, રવો અને ચોખાનો લોટ લઇ, તેમાં ધીરે ધીરે દૂધ ઉમેરો. દૂધ ઉમેરતી વખતે લોટને હલાવતા જવો જેથી તેમાં ગઠ્ઠા ન પડે. તૈયાર થયેલું ખીરું સ્મૂધ અને ફ્લોઈંગ હોવું જોઈએ.
  4. હવે એક નોન-સ્ટીક પેનને ગરમ કરી, તેનાં પર તેલ કે ઘી લગાવી, બનાવેલા ખીરાને પૂડલાની જેમ પેન પર પાથરો.
  5. પૂડલાની વચ્ચે ફીલિંગ ઉભું પાથરી, બંને બાજુથી બંધ કરી દો.
  6. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી શેકી લો.
  7. પતિષ્પાતા પીરસવા માટે તૈયાર છે!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here