વેબ સિરીઝ રિવ્યુ: ધીમીધબ્બ, ફિક્કીફસ્સ, બેસ્વાદ અને અપમાનજનક તાંડવ!

0
344

રાજકારણ પર એક્સ્લુઝીવ ફિલ્મો તો આપણે ત્યાં ઘણી બને છે પરંતુ વેબ સિરીઝ હજી પણ પા પા પગલી માંડે છે. મિર્ઝાપુર કે પછી સેક્રેડ ગેમ્સ જેવી વેબ સિરીઝ માં રાજકારણ વિષય હતો ખરો પરંતુ મુખ્ય ધ્યાન ક્રાઈમ પર હતું. એવામાં રાજકારણ પર સંપૂર્ણપણે આધારિત એક વેબ સિરીઝ આવી છે એમેઝોન પ્રાઈમ પર જેનું નામ છે તાંડવ! તેનું ટ્રેલર જોઇને રાજકારણના કોઇપણ રસિયાને સિરીઝ જોવાની ઈચ્છા થઇ જાય એ સ્વાભાવિક છે.

વેબ સિરીઝ રિવ્યુ: તાંડવ (સિઝન 1)

મુખ્ય કલાકારો: સૈફ અલી ખાન (સમર પ્રતાપ સિંગ), ડિમ્પલ કાપડિયા (અનુરાધા કિશોર), મોહમ્મદ ઝીશાન ઐયુબ (શિવા શેખર), કૃતિકા કામરા (સના મીર), સારા જેન ડાયસ (આયેશા પ્રતાપ સિંગ) અનુપ સોની (કૈલાશ કુમાર), કુમુદ મિશ્રા (ગોપાલ દાસ મુંશી), ડીનો મોરયા (જીગર સંપત), સંધ્યા મૃદુલ (સંધ્યા) તિગ્માંશુ ધુલિયા (દેવકી નંદન) અને સુનિલ ગ્રોવર (ગુરપાલ ચૌહાણ).

ડાયરેક્ટર: અલી અબ્બાસ ઝફર

એપિસોડ સંખ્યા: 9

રેટિંગ: 18+

કથાસાર

વડાપ્રધાન દેવકી નંદનની પાર્ટી સતત ત્રીજી વખત લોકસભાની ચૂંટણી જીતી છે. આ વખતે તેણે એકલે હાથે બહુમતિ મેળવી છે એટલે પાર્ટીમાં અનેરો ઉત્સાહ છે. દેવકી નંદન ફરીથી વડાપ્રધાનના શપથ લે એ પહેલાં જ તેનો પુત્ર સમર પ્રતાપ સિંગ તેનું ખૂન કરી દે છે.

સમરને એમ હતું કે પક્ષના બીજા બળવાન નેતા તરીકે હવે પક્ષ તેનેજ વડાપ્રધાન બનાવશે, પરંતુ તેના પિતાના મિત્ર ગોપાલ દાસ મુંશીની રાજકીય મહેચ્છા હજી દેવકી નંદનના અંતિમ સંસ્કાર પણ નહોતા થયા ત્યારથી જ ઉછાળા મારવા લાગી હતી. સમરની બીજી અને સહુથી મોટી તકલીફ ત્યારે ઉભી થઇ જ્યારે દેવકી નંદન સાથે વગર લગ્ને સબંધ રાખતી અનુરાધા કિશોરે દેવકી નંદનના અગ્નિ સંસ્કાર વખતે પોતે તેનું સિક્રેટ જાણે છે એમ કહી દીધું.

સમરની મનની મનમાં જ રહી ગઈ અને તેણે મજબુરીમાં અનુરાધાને દેશના આગામી વડાપ્રધાન તરીકે જવાબદારી સોંપી દીધી. પરંતુ સમર અહીં અટક્યો નહીં, તેણે પોતાના વિશ્વાસુ એવા ગુરપાલ ચૌહાણને કામે લગાડી દીધો અને ગુરપાલે ધીરેધીરે માહિતી એકઠી કરવાની શરુ કરી કે અનુરાધા દેવકી નંદનની હત્યા વિષે કેટલુંક જાણે છે.

બીજી તરફ સમર અનુરાધાને પછાડવા માટે વિદ્યાર્થી નેતા શિવા શેખરમાં પોતાનું હથિયાર જુએ છે અને વિવેકાનંદ નેશનલ યુનિવર્સીટી એટલેકે VNUની ચૂંટણીઓના સહારે તેમાં પગપેસારો કરે છે. VNUનું રાજકારણ પણ તોફાની બની ચૂક્યું હતું. શિવા શેખર જે મિત્રો સાથે ચૂંટણી લડી રહ્યો હતો તેમાં પણ ઘણા મુદ્દે ભાગલા પડી ગયા હતા. છેવટે સમર શિવા શેખરને પોતાને ઘેરે મુલાકાત માટે બોલાવે છે અને તેને પોતાની પાર્ટીમાં જોડાઈ જવા માટે આમંત્રણ આપે છે…

રિવ્યુ

સસ્પેન્સ, ક્રાઈમ થ્રિલર કે પછી રાજકારણ પરની થ્રિલરની વાર્તા પાસેથી આપણે એકદમ ચુસ્ત સ્ક્રિનપ્લેની આશા રાખવી જ જોઈએ અને તાંડવ અહીં જ કાચું પડે છે. ઘણી વાર્તાઓ એવી પણ હોય છે જે પોતાની મરજીથી આગળ વધતી હોય અને તે માટે તે સમય પણ લેતી હોય, પરંતુ તાંડવ ન તો એની મરજીથી આગળ વધે છે કે પછી ભલેને ધીમે ચાલતી વાર્તા હોય પરંતુ તેનો લોજીકલ એન્ડ આવતો નથી.

જો સમરને અનુરાધા કિશોર કેટલું જાણે છે એની જ તપાસ કરીને ફરીથી સત્તા હાંસલ કરવાની ઈચ્છા હોય તો એ જ સમયે શિવા શેખરને ઉભો કરવાનું લોજીક ગળે ઉતરતું નથી. આ બે ઉપરાંત લેખક અને ડાયરેક્ટરદ્વારા બીજા ઘણાબધા ફ્રન્ટ ખોલી દેવામાં આવ્યા છે જે વાર્તાને વધુ ધીમી અને દિશાહીન બનાવે છે. જો આટલા બધા ફન્ટ આગામી સિઝન્સ માટે ખોલવામાં આવ્યા હોય તો સમજી શકાય તેમ છે પરંતુ તે માટે પણ જો આટલા બધા છેડા શરૂઆતમાં જ છૂટા મૂકવાને બદલે પહેલી સિઝનમાં થોડાઘણા અને પછી જેમ જેમ વાર્તા આગળ વધે એમ એમ બીજા છેડા ખોલવામાં આવ્યા હોત તો એટલીસ્ટ પહેલી સિઝન થોડી મજબૂત બની શકી હોત.

આટલા બધા ફ્રન્ટ ખોલવાની અસર દરેક કેરેક્ટર પર ડાયરેક્ટરનું ધ્યાન પણ ઓછું ગયું હોય એવું લાગે છે અને તેને કારણે એક પણ પાત્ર પૂરેપૂરું ડેવલોપ થઇ શક્યું નથી. આને કારણે એક પણ અદાકારના પરફોર્મન્સમાં ભલીવાર નથી.

સૈફ અલી ખાન જે છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી અલગ અલગ ભૂમિકા ભજવીને પોતાની અદાકારીની હાઈટ વધુને વધુ ઉંચી કરતો રહ્યો છે તે અહીં અદાકારની દ્રષ્ટિએ ગેરહાજર દેખાય છે. સૈફની કોઇપણ ફિલ્મ લઇ લો કે પછી ઇવન સેક્રેડ ગેમ્સની બંને સિઝન લઇ લો તેનો વટ પડતો હોય છે, અહીં સૈફ થાકેલો દેખાય છે.

ડિમ્પલ કાપડિયાને નેગેટીવ રોલ આપ્યો તો છે પણ તે તેને નિભાવી શકી નથી અને તેને કારણે તે મિસકાસ્ટ થઇ હોય એવું સ્પષ્ટ દેખાય છે. મોહમ્મદ ઝીશાન ઐયુબને ફિલ્મોમાં જેટલી સારી અદાકારી કરતો જોયો છે તેનાથી વિરુદ્ધ અહીં તે સાવ ભાવવિહીન દેખાય છે અને સતત પોતાની મોટી આંખો જ દેખાડ્યા કરે છે.

સહુથી ગૂંચવાડાભર્યું પાત્ર છે કુમુદ મિશ્રાનું જે શરૂઆતમાં તો ગંભીર બનાવ્યું છે પણ સિરીઝના મધ્યભાગથી તેમને અચાનક જ કોમિક શેડ આપવાનો પ્રયાસ કરી દેવામાં આવ્યો છે અને તેથી તે કોમિક તો બિલકુલ નથી લાગતાં પરંતુ હાસ્યાસ્પદ જરૂર લાગે છે ખાસ કરીને તે વારેવારે વગર કોઈ કારણે હસ્યા કરે છે.

સુનિલ ગ્રોવર કેટલો સરસ કલાકાર છે તે ‘ગબ્બર રિટર્ન્સ’માં આપણે જોઈ ચૂક્યા છીએ. કપિલ શર્મા શોની તેની ઈમેજ તોડવા માટે ખાસ તેને આ વેબ સિરીઝમાં ગંભીર રોલ આપવામાં આવ્યો હોય એવું લાગે છે અને તેને કારણે તે જરા વધુ પડતો જ ગંભીર દેખાય છે. સુનિલ ગ્રોવરનો રોલ ખરેખર તો આપણને તેનાથી ચીતરી ચડે એવા કામ કરતો દેખાડવા માટે બન્યો છે પરંતુ તેને જોતી વખતે આવી કશી જ લાગણી આપણને થતી નથી.

આ તમામ મુખ્ય કલાકારો ઉપરાંત, કૃતિકા કામરા, સારા જેન ડાયસ, ડીનો મોરયા, અનુપ સોની કે પછી સંધ્યા મૃદુલ જરૂર પડે આવન-જાવન કરે છે. જો તાંડવ વેબ સિરીઝની સમગ્ર સિઝનમાં કોઈએ જો અદાકારીના એકથી વધુ શેડ્ઝ દેખાડ્યા છે તો સરપ્રાઈઝીંગલી કૃતિકા કામરાએ દર્શાવ્યા છે. બાકી મુખ્ય કલાકારોએ તો સાવ પાણીઢોળ એક્ટિંગ કરી બતાવી છે.

વેબ સિરીઝ હોય એટલે જરૂર હોય કે ન હોય તો પણ તેમાં અપશબ્દો તો હોવા જ જોઈએ એવો એક અલિખિત નિયમ આપણે ત્યાં હાજર છે. જ્યારે ડિમ્પલ કાપડિયા સરીખા સિનીયર કલાકારો પણ શેરીછાપ અપશબ્દો બોલે અથવાતો એમને બોલવા પડે એ પણ જરૂરી ન હોય તો પણ, તો પછી બીજા કલાકારો પાસેથી તો તેની આશા રાખી જ શકાયને?

આટલી ખોટ ઓછી હોય તેમ તાંડવ સિરીઝનો એક પણ ડાયલોગ યાદગાર રહી જાય એવો નથી. આજના જમાનામાં વેબ સિરીઝના યાદગાર ડાયલોગ્સ પર ઢગલો મીમ્સ બનતાં હોય છે પરંતુ તાંડવ તેમાં કોઈ મહત્ત્વનો ફાળો આપશે એવું હાલમાં તો લાગતું નથી. આ ઉપરાંત ન તો ફિલ્મનું થિમ ગમે તેવું છે કે પછી યાદ રહી જાય તેવું છે કે ન તો તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એવી કોઈ છાપ છોડી શક્યું છે. આમ આ બે મહત્ત્વના ફ્રન્ટ પર પણ તાંડવ નિરાશ જ કરે છે.

જેમ અગાઉ કહ્યું એમ આ સિઝનને જો આવનારી સિઝન્સની તૈયારી માટે જ બનાવવામાં આવી હોય તો જ તેને બેનિફિટ ઓફ ડાઉટ આપી શકાય તેમ છે. પરંતુ જો પહેલી જ સિઝન આટલી હદે નબળી હોય તો પછી અગામી ગમે તેટલી સિઝન્સ આવે તેને જોવાની ઈચ્છા કોને થશે એ પણ સવાલ છે.

એજન્ડા

કોઇપણ ભારતીય વેબ સિરીઝમાં હિંદુ ધર્મ અથવાતો હિંદુઓ વિરુદ્ધ એક ખાસ એજન્ડા હોવો જ જોઈએ એ પણ એક વણલખ્યો નિયમ આપણે ત્યાં છે જેનું બરોબર પાલન તાંડવ વેબ સિરીઝમાં પણ કરવામાં આવ્યું છે. ચાલો જોઈએ તેના કેટલાક ઉદાહરણો.

પહેલા જ એપિસોડમાં નાટકના એક દ્રશ્યમાં ભગવાન શિવ જેનો રોલ મોહમ્મદ ઝીશાન ઐયુબ કરે છે તે ટ્વિટર વોરના નામે ભગવાન રામની અપમાનજનક ભાષામાં ટીકા કરતો દેખાઈ રહ્યો છે. મજાની વાત એ છે કે આ બધું ‘વિવેકાનંદ’ નેશનલ યુનિવર્સીટીમાં થઇ રહ્યું છે.

ખેડૂત આંદોલનના દ્રશ્યમાં રાઈટ વિંગ પાર્ટી દ્વારા પોલીસોને બીજા કોઈ નહીં પણ ત્રણ મુસ્લિમોને જ મારવાની સોપારી આપવામાં આવે છે. બે મુસ્લિમ કિસાનોનું પોલીસ એન્કાઉન્ટર કરે છે અને એક બીજું પાત્ર એવો ડાયલોગ બોલે છે કે, “અમને મારી નાખવા આમ પણ ખૂબ સરળ છે.”

ઉપર કહેલા દ્રશ્યમાં શિવ ભગવાનનું પાત્ર આઝાદીની ડાહી ડાહી વાત કરે છે અને પછી એક અન્ય દ્રશ્યમાં વિદ્યાર્થીઓ JNUની તર્જ પર આઝાદીના સુત્રો પોકારતા ભ્રષ્ટાચાર, આતંકવાદ, જાતિવાદ સાથે પછી મનુવાદ સે આઝાદી અને બ્રાહ્મણવાદ સે આઝાદીના સુત્રો પણ પોકારે છે.

ગુરપાલ જ્યારે કોઇપણ ખરાબ કાર્ય પતાવીને આવે ત્યારે એક ધાર્મિક ચેનલ ખાસ જુવે અને તેમાં એક બાબા, અફકોર્સ હિંદુ સંતના કપડાં પહેરેલા બાબા, ગુરપાલે કરેલા દુષ્કૃત્યના સંદર્ભમાં પ્રવચન કરતા હોય છે. આ બાબા પોતાના ‘ઉપદેશાત્મક પ્રવચનમાં’ તન કી ઈચ્છા મન કી ઈચ્છા તેમજ વો ભી તુમ્હારી લે લેંગે જેવા ચીપ વાક્યોનો પ્રયોગ કરતા હોય છે.

ફક્ત હિંદુઓમાં જ જાતિવાદ કેટલો કટ્ટરતાથી ભરેલો છે અને તેઓ તેને છોડવા જ નથી માંગતા એ દર્શાવવા શરૂઆતમાં તિગ્માંશુ ધુલિયા અને બાદમાં ડીનો મોરયા તેમજ સંધ્યા મૃદુલ અનુપ સોનીના પાત્ર વિષે જાતિગત ટિપ્પણી કરતા જોવા મળે છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે ડીનો અને સંધ્યા ભણેલા ગણેલા પ્રોફેસર કક્ષાના લોકો છે.

છેવટે, જે લોકો તાંડવ જોઇને ઉત્સાહમાં આવી ગયા હતા અને તેને તરતજ સોશિયલ મિડિયા પર પોલિટીકલ થ્રિલરના મહાભારત એવા હાઉસ ઓફ કાર્ડ્સ સાથે સરખાવવા લાગ્યા હતા એમને તાંડવ જોયા બાદ એક જ સલાહ આપવી ઘટે કે હાઉસ ઓફ કાર્ડ્સની તમામ સિઝન હજી ત્રણેક વાર જોઈ લેવી!

૧૬ જાન્યુઆરી ૨૦૨૧, શનિવાર

અમદાવાદ

તમને ગમશે – REVIEW: ‘પંચાયત’ સાવ ભોળા લોકોની સાવ ભોળી વાર્તા

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here