જો જો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલાં આવી ભૂલ ન થાય!

0
631
Original Image: Begin Money Investing

મ્યુચ્યુઅલફંડ હોય કે શેરમાં રોકાણ કે અન્ય કોઈ નાણાકીય પ્રોડક્ટમાં રોકાણ કરતાં પહેલા ખાસ સાવચેતી રાખવાની બાબતો આપણે હવે જોઈશું જેથી રોકાણનું અને ખાસ તો મ્યુચ્યુઅલફંડ કે શેરમાં રોકાણ કરતાં વળતર સારું મળી રહે અને મૂડીની સલામતી પણ વધે.

સૌ પ્રથમ તો આડેધડ રોકાણ ન કરો પહેલા રોકાણ માટેનો ગોલ એટલેકે ઉદ્દેશ નક્કી કરો. આ ગોલ ટૂંકાગાળાના છે કે લાંબાગાળાના એ જોઈ એ પ્રમાણે પ્રોડક્ટ પસંદ કરવી જરૂરી છે.

સામાન્ય પ્રમાણે નિવૃત્તિ માટે, સંતાનના લગ્ન માટે, સંતાનના ઉચ્ચ શિક્ષણ માટે, કાર લેવા માટે, ઘર લેવા માટે જેવા ગોલ હોય છે. તો દાખલા તરીકે નિવૃત્તિ માટે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલફંડ અને સીધા શેરમાં રોકાણ કરી શકો. કાર લેવા માટે જે ત્રણ થી ચાર વર્ષમાં લેવાની હોય તો મ્યુચ્યુઅલફંડના ડેબ્ટ સ્કીમમાં રોકાણ કરો કારણકે ઇક્વિટી ફંડ આટલા ટૂંકાગાળા માટે જોખમી બની શકે છે.

કર બચાવવા રોકાણ ન કરો. હા જો રોકાણથી કર બચતો હોય તો એનો લાભ અવશ્ય લો. દાખલા તરીકે કર બચાવવા વીમો એટલેકે ઇન્સ્યુરન્સ ન લો. ઇન્સ્યુરન્સ કુટુંબની આર્થિક સલામતી માટે લેવાનો હોય જો કુટુંબની સલામતી મુદ્દો ના હોય તો બહેતર છે કે વળતર મેળવવા તમે મ્યુચ્યુઅલફંડમાં કે સીધા શેરમાં રોકાણ કરો.

મ્યુચ્યુઅલફંડમાં એસઆઈપી કે લમ્પસમ? અહી જો તમે યુવાન હો તો સ્વાભાવિક એસઆઈપી જ બહેતર છે અને જો બચત વધુ હોય તો લમ્પસમ માત્ર એક ફંડમાં ન નાખતા જુદાં જુદાં ફંડ જેમકે લાર્જકેપ મિડકેપ અને મલ્ટીકેપ એમ ડાયવર્સીફાય કરો.

જયારે તમે એસઆઈપી કરો ત્યારે આ એસઆઈપીની રકમ દર વર્ષે ઓછામાં ઓછી દસ ટકા વધારતા જવું જોઈએ એની એ રાખવાની ભૂલ ન કરો કારણકે તો જ બચત વધુ અને વળતર વધશે.

બચત કરવામાં આળસ ન કરો. વહેલા શરૂઆત કરો પહેલાં પગારથી જ બચતની શરૂઆત કરો. પહેલા બચત જે આવકના ૨૦ ટકા જેટલી રાખી પછી ખર્ચ કરો.

એકવાર મ્યુચ્યુઅલફંડમાં કે અન્ય ઠેકાણે રોકાણ કરતાં થયા પછી એને ભૂલી ન જાઓ. એનું વાર્ષિક મૂલ્યાંકન કરો કે મૂડી સલામત છે કે કેમ વળતર બરોબર છે કે કેમ. વાસ્તવમાં ત્રિમાસિક મૂલ્યાંકન કરવું જરૂરી છે પરંતુ જયારે લાંબાગાળાનું રોકાણ હોય જે ઇક્વિટી મ્યુચ્યુઅલફંડમાં હોય એસઆઈપી હોય ત્યાં અને મૂડીની રકમ વધુ ના હોય ત્યાં સુધી વાર્ષિક મૂલ્યાંકન ચાલશે.

માત્ર સલાહકાર કે એજન્ટ કહે એ ફંડમાં રોકાણ ના કરો. એમને પૂછો કે શા માટે તમે મને આ પ્રોડક્ટમાં રોકાણ કરવાની સલાહ આપો છો એમાં વળતર કેટલું અને ખાસ તો જોખમ કેટલું એ ખાસ પૂછો.

મંદી હોય ત્યારે તમારા મ્યુચ્યુઅલફંડની એનએવી ઘટી હોય ત્યારે એસઆઈપી બંધ ન કરો ઉલટાનું એ ચાલુ રાખો. કારણકે મંદીમાં રોકાણ કરવાનું હોય શેર વેચવાના ન હોય ટૂંકમાં મંદીથી ગભરાવો નહિ એને રોકાણની તક સમજો.

ટીપ્સના આધારે કે મિત્રોની સલાહથી રોકાણ ન કરો. અહી મુખ્ય જોખમ એ છે કે એ ટીપ્સ સાચી પણ હોય પરંતુ એ તમને માત્ર લેવા માટેની હોય છે ક્યારે એમાંથી નીકળી જવું કે વેચવું એની નથી હોતી એથી એ અધુરી કહેવાય. જો તમે એવા સમયે નિર્ણય ના લઇ શકો અને રોકાણ જાળવી રાખો તો શક્ય છે કે તમને નુકશાન થાય અને વળતર તો બાજુએ રહ્યું મૂડી પણ ધોવાઇ જાય.

તમારી મૂડી સેવિંગ્સ ખાતામાં પડી ન રહેવા દો. આ માટે તમે તમારા આખા વર્ષનું સેવિંગ્સ ખાતું તપાસો જો ધારોકે એમાં સતત ઓછામાં ઓછું બેલેન્સ રૂ દસ હજાર રહેતું હોય તો કમસેકમ ત્રણ હજાર થી પાંચ હજારની એસઆઈપી મ્યુચ્યુઅલફંડમાં ચાલુ કરી દો અથવા એટલા રૂપિયાના શેર ખરીદો અને રોકાણ કરો. અરે કમસેકમ રીકરીંગ ડીપોઝીટ ચાલુ કરી દો.

ઘણી બેંકો તમને રોકાણની સલાહ આપે છે તો એમની સલાહ ટાળો. કારણકે બેન્કોમાં જે સલાહ આપે છે એ આજે છે કાલે એ નહિ હોય એ તો કાં ટ્રાન્સફર થશે અથવા છોડી જશે તો એ ગયા પછી તમારે રોકાણનું શું કરવું એની ગતાગમ ના હોય તો અથવા તમે ધ્યાન નહિ આપો તો તમને નુકશાન થશે એથી યોગ્ય સલાહકાર અને વિશ્વાસુ સલાહકારની સલાહ લો.

મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરતાં પહેલાં ગ્રોથ કે ડીવીડંડ કે ડીવીડંડ રીઇન્વેસ્ટમેન્ટ પ્લાન ને બરોબર સમજો. માસિક પૈસાની જરૂર ન હોય ખાસ તો યુવાનો અને નોકરી કરનારને એમણે ગ્રોથફંડમાં જ રોકાણ કરવું જોઈએ અને એથી ટેક્સની પણ બચત થાય છે મૂડી વધે એની એનએવી વધે પણ એના પર ટેક્સ ના લાગે અને જયારે તમે એમાંથી પૈસા ઉપાડો ત્યારે જ ટેક્સ લાગે. નિવૃતો ને માસિક આવકની જરૂર હોય એથી એમણે ડીવીડંડ સ્કીમમાં રોકાણ કરવું જેથી માસિક ખર્ચ જળવાઈ રહે.

મ્યુચ્યુઅલફંડમાં વારંવાર એક ફંડમાંથી બીજા ફંડમાં શિફ્ટ ન કરો. એમને વધવા પરફોર્મ કરવા સમય આપો જે ત્રણ થી પાંચ વર્ષનો સમય છે એ આપો હા સાવ જ ખરાબ પર્ફોમન્સ હોય અને એમાં ફંડ મેનેજેરની જ ભૂલ હોય તો જ શિફ્ટ કરો બજારમાં મંદી એ શિફ્ટ કરવા માટેનું કારણ નથી એમાં ફંડ મેનેજેર કઈ કરી ના શકે.

હવે તો મ્યુચ્યુઅલફંડનું પર્ફોમન્સ તમે ઘણી વેબસાઈટ પર જોઈ શકો છો. તમારા ફંડે કયા શેરોમાં રોકાણ કર્યું છે અને ફંડ મેનેજેરની લાયકાત વગેરે તમામ માહિતીઓ માટે વેબસાઈટ છે જે આ જણાવે છે. વળી છેલ્લા એક મહિનામાં છ મહિનામાં વર્ષમાં પાંચ વર્ષમાં અને આજસુધી મ્યુચ્યુઅલફંડએ કેટલું વળતર આપ્યું એ પણ તમને આ વેબસાઈટો જણાવતી હોય છે. તો એની વિઝીટ કરી તમારા ફંડનું પર્ફોમન્સ ત્રિમાસિક કે વાર્ષિક તપાસો અને રોકાણ જાળવી રાખવું કે નહિ એનો નિર્ણય લો.

રોકાણ કરતાં પહેલાં મ્યુચ્યુઅલફંડ એજન્ટ કે નાણાકીય સલાહકારની સલાહ લેતા એ ન જુઓ કે એને કેટલી કમાણી થાય છે. આ બંને કિસ્સામાં એમની ફી ૨% ટકાથી વધુ થતી નથી અને જેમ રોકાણ વધુ એમ ફી ઓછી થતી જાય જે એક ટકો કે અડધો ટકો પણ થઇ શકે. અહી એ જુઓ કે એ તમને એ ઉપરાંત કેટલી આવક રળી આપે છે.

સામાન્યપણે મ્યુચ્યુઅલફંડમાં લાંબાગાળે ૧૨% સુધીની આવક થાય છે અને ઇક્વિટીમાં વધુમાંવધુ ૧૫% આવક થાય છે. તેઓ જો બેન્ચમાર્ક ઇન્ડેક્સ જે સેન્સેક્સ કે નિફ્ટી કરતા જો વધુ આવક રળી આપે તો એ ઉત્તમ એજન્ટ કે સલાહકાર ગણાય. એથી વધુ આવક રળી આપવાની વાતો કરનારથી ચેતતા રહેવું કારણકે તેઓ હવામહેલ બતાવે છે.

ટૂંકમાં તમારી આવક ડેબ્ટ ફંડમાં બેન્કની ફિક્સ ડીપોઝીટ કરતા દોઢ થી બે ટકા વધુ હોય તો એથી સંતોષ માનવો અને ઇક્વિટીમાં ૧૨% જેટલી વાર્ષિક આવક એ પણ લાંબાગાળા એટલેકે પાંચ વર્ષથી વધુ સમય સુધી હોય તો ઉત્તમ કહેવાય.

આ સામાન્ય પણ ગંભીર ભૂલો રોકાણ કરતી વખતે થતી હોય છે એથી આ ભૂલો ન થાય એની કાળજી રાખી જો રોકાણ કરશો તો સલામતી અંગેની તમારો ડર ઘટી જશે અને અને સલામતી આપમેળે વધશે. અહી પણ ચેતતા નર સદા સુખીનો સિધ્ધાંત લાગુ પડે છે.

છેવટે આપણા પૈસા છે મહેનતની કમાણીના છે એને આંધળુકિયા કરી નુકશાનમાં તો ફેકી ના જ દેવાય તો આ ઉપર જણાવેલ કાળજી અવશ્ય લો.

અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here