દિલ્હી હાઈકોર્ટ: જો વોટ્સએપ તમારી પ્રાઈવસીનો ભંગ કરે છે તો…

0
561
Photo Courtesy: valuewalk.com

છેલ્લા કેટલાય સમયથી વોટ્સએપની નવી પ્રાઈવસી પોલીસી પર દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. અમુક લોકો વોટ્સએપને આ બાબતે રોકવા માટે કોર્ટમાં ગયા છે જેમને કોર્ટે સ્પષ્ટ ભાષામાં સંભળાવી દીધું છે કે…

નવી દિલ્હી: લગભગ બે અઠવાડિયાથી વોટ્સએપ દ્વારા પોતાની પ્રાઈવસી પોલીસીમાં લાવેલા પરિવર્તન અંગે દેશભરમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે.

વોટ્સએપના જણાવ્યા અનુસાર તે પોતાની પેરેન્ટ કંપની ફેસબુકને પોતાના યુઝર્સની તમામ માહિતી આવનારા ફેબ્રુઆરી મહિનાથી શેર કરશે.

આ જાણીને અમેરિકાના વિખ્યાત ઉદ્યોગપતિ ઈલોન મસ્ક સહીત અસંખ્ય ભારતીય CEOs એ પણ પોતે વોટ્સએપ છોડીને સિગ્નલ એપ પર ટ્રાન્સફર થઇ રહ્યા હોવાનું જણાવી ચૂક્યા છે.

કેટલાક વોટ્સએપ યુઝર્સ સિગ્નલ ઉપરાંત ટેલિગ્રામ પર પણ શિફ્ટ થઇ ગયા છે તો કેટલાક હજી થોભો અને રાહ જુવોની નીતિ અપનાવી રહ્યા છે.

જો કે ગઈકાલે વોટ્સએપે પોતાના સ્ટેટ્સ અપડેટમાં યુઝર્સને જણાવ્યું હતું કે તેમની ખાનગી માહિતી ખાનગી જ રહેશે.

પરંતુ દિલ્હી હાઈકોર્ટમાં આ અંગે એક યાચિકા કરવામાં આવી હતી જે અંગે કોર્ટે આજે સુનાવણી દરમ્યાન કેટલીક ટિપ્પણી કરી હતી.

યાચિકાકર્તાએ દિલ્હી હાઈકોર્ટને વિનંતી કરી હતી કે તે સરકારને આ મામલે દખલ કરવાનું કહે.

જવાબમાં આજે હાઇકોર્ટે યાચિકાકર્તાને જણાવ્યું હતું કે જો તેમને લાગતું હોય કે વોટ્સએપ તેની પ્રાઈવસીનો ભંગ કરે છે તો તે વોટ્સએપ ડિલીટ (અનઇન્સ્ટોલ) કરી દે અથવાતો અન્ય કોઈ એપ પર જતા રહે જ્યાં તેને વિશ્વાસ છે કે તેની માહિતી સુરક્ષિત છે, કારણકે વોટ્સએપ સાથે જોડાયેલા રહેવું કે નહીં એ સ્વૈચ્છિક નિર્ણય છે.

દિલ્હી હાઈકોર્ટના જજ સંજીવ સચદેવાએ યાચિકાકર્તાને કહ્યું હતું કે માત્ર વોટ્સએપ જ નહીં પરંતુ અન્ય ઘણી એપ્સ આવું કરતી હોય છે.

આ માટે તેમણે ગુગલ મેપ્સનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે તમે જ્યાં પણ જાવ છો ગુગલ મેપ્સ તમારો ડેટા કેપ્ચર જરૂર કરે છે.

જો કે કોર્ટે બાદમાં ઉમેર્યું હતું કે આ વિષય પર વિગતવાર સુનાવણી થવી જરૂરી છે અને બાદમાં કોર્ટે વધુ સુનાવણી આવનારી 25 જાન્યુઆરી સુધી મુલતવી રાખી દીધી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here