दिल से रेहमान (12): રહેમાનની ઓસ્કર જીત્યા પછી આવેલી ફિલ્મો

0
358

ઓસ્કર એવોર્ડ મળ્યા પહેલા અને પછી રહેમાનનું ભારતીય ફિલ્મો માટે સંગીત બનાવવાનું શરૂ જ હતું. ઓસ્કર એવોર્ડ પહેલા રહેમાને પોતાનો 2000ના દાયકાનો શ્રેષ્ઠ-3માં ગણી શકાય તેવું ફિલ્મ આલ્બમ રિલીઝ કર્યું હતું, જેનું નામ હતું ‘દિલ્હી-6’. ‘રંગ દે બસંતી’ ફિલ્મ પછી રાકેશ ઓમપ્રકાશ મેહરા સાથે રહેમાનની આ બીજી ફિલ્મ હતી. ફિલ્મ તો પિટાઈ ગઈ પરંતુ તેનું સંગીત સુપરહીટ રહ્યું. 57મા નેશનલ એવોર્ડમાં આ ફિલ્મને ‘નરગીસ દત્ત એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ ઑન નેશનલ ઈંટીગ્રેશન’ મળ્યો.

‘દિલ્હી-6’ નું એક ગીત આજે પણ રહેમાનના શ્રેષ્ઠ ગીતોમાંથી એક છે – “મસકલી”!! આ ગીત પ્રસૂન જોશીએ લખેલું અને મોહિત ચૌહાણે ગાયેલું. મોહિત તે વખતે ફિલ્મ ‘જબ વી મેટ’ માટે “તુમ સે હી” ગીત માટે અતિ પ્રચલિત ગાયક હતો. “મસકલી” ગીતને ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ 2009ના ટોપ ગીતમાં બીજો ક્રમ આપ્યો અને તે વર્ષે તેને પાંચ એરટેલ મિર્ચી એવોર્ડ મળ્યા. આ ગીત સિવાય ફિલ્મમાં “ગેંદા ફૂલ”, “રેહના તુ”, “અરઝીયાન” જેવા બીજા પણ સુમધુર ગીતો હતા પરંતુ “મસકલી”ની મજા જ અલગ છે.

ઓસ્કર એવોર્ડ પછી રહેમાને સૌથી પહેલું સંગીત આપ્યું અક્ષય કુમાર, સંજય દત્ત, લારા દત્તાની ફિલ્મ ‘બ્લુ’ માટે! ‘ગોલમાલ’, ‘જબ વી મેટ’, ‘દબંગ’ જેવી ફિલ્મોના નિર્માતા ધિલીન મહેતાને કારણે આ ફિલ્મનું ખૂબ જ મોટું બજેટ હતું તેમ છતાં “ચિગ્ગી વિગ્ગી” નામના એક ગીત સિવાય બધા જ ગીત ફ્લોપ – ફિલ્મ પણ ફ્લોપ!

1990 ના દાયકાના અંતમાં અને 2000 ના દાયકાની શરૂઆતમાં, ઈલિયારાજાના પુત્ર યુવાન શંકર રાજા અને હેરિસ જયરાજ જેવા સંગીતકારો નો ઉદય જોવા મળ્યો. હેરિસે તો પોતે રહેમાનની હેઠળ કામ કર્યું હતું. જનતા આ નવોદિતોના સંગીત સાંભળવા માટે ઉત્સુક હતી. દિગ્દર્શક ગૌતમ વાસુદેવ મેનનની પહેલી ફિલ્મ ‘મિન્નાલે’ સાથે હેરિસને તમિળ ફિલ્મોમાં પોતાની અલગ ઓળખાણ મળી અને 2001 માં હેરિસને રહેમાનના જ 9 વર્ષના રેકોર્ડને તોડીને સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશક (તમિળ) નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.

વર્ષ 2010ની શરૂઆતમાં જ ‘વીન્નાઈથંડી વરુવાયા’ ફિલ્મનું નિર્દેશન ગૌતમ વાસુદેવ મેનન દ્વારા કરવામાં આવ્યું જે રાજીવ મેનનનાં ભૂતપૂર્વ સહાયક અને દિગ્દર્શક હતા. આ ફિલ્મ માટે રહેમાને સંગીત આપ્યું અને શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક (તમિળ) નો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. આ રહેમાનનો બારમો એવોર્ડ હતો. ત્યારબાદ છેક 2014 માં ‘કડલ’ ફિલ્મ માટે, 2016 માં ‘આઈ’ ફિલ્મ માટે, 2017 માં ‘અચ્છમ યેનબધુ મગમયદા’ ફિલ્મ માટે અને 2018 માં ‘મેર્સલ’ ફિલ્મ માટે આ એવોર્ડ રહેમાનને ફરીથી મળ્યા.

2010ના વર્ષમાં જ મણિ રત્નમ સાથે રહેમાને ‘રાવણ’ અને ‘રાવણન’ ફિલ્મ માટે સંગીત આપ્યું. આઠ એવોર્ડ માટે આ ફિલ્મને નામાંકન મળ્યું. ‘રાવણ’ ફિલ્મનું સંગીત વિશેષ હતું કારણ કે આ ફિલ્મના સંગીત માટે ભારતીય તેમજ મધ્ય પૂર્વીય વાજિંત્રોનો વિશેષ ઉપયોગ થયો હતો. આ ફિલ્મ દ્વારા કેટલાક નવા ગાયકોનો પરિચય પણ કરાયો. રહેમાન હંમેશની જેમ કેટલાક પ્રાયોગિક ગીતો આ ફિલ્મમાં લાવ્યો: જેમ કે “બીરા બીરા” અને “ઠોક દે કિલ્લી”. “કટા કટા” ગીત એક લોકગીત જેવું છે તો “રાંઝા રાંઝા” એક પ્રકારનું સુફી ગીત છે. “બેહેને દે” અને “ખીલી રે”ની ધૂન મગજમાં તરત જ ચોંટી જાય એવી છે. આ ફિલ્મમાં ખાસ કરીને ગણેશ આચાર્ય, બ્રિન્દા , શોભના (નેશનલ ફિલ્મ એવોર્ડ જીતેલી ભારતનાટ્યમ નૃત્યાંગના) અને અસ્તાદ દેબુ (ભારતમાં મોર્ડન ડાન્સના અગ્રણી કોરિયોગ્રાફર) દ્વારા થયેલી ગીતોની કોરિઓગ્રાફી એક વિશેષતા માનવામાં આવે છે.

‘સ્લમડોગ’ ફિલ્મના નિર્દેશક ડૅની બૉયલ સાથે રહેમાને ફરી એક ફિલ્મ માટે હાથ મેળવ્યા. ફિલ્મનું નામ – ‘127  અવર્સ’!! આ ફિલ્મ એક એવા યુવકની વાર્તા છે જે અમેરિકાની ઊંડી પહાડી ખીણ ‘ગ્રાન્ડ કેનિયન’માં સાઈકલ ચલાવતી વખતે 127 કલાક માટે ફસાઈ જાય છે અને પોતાનો એક હાથ કાપીને અદભૂત રીતે ત્યાંથી બહાર નીકળે છે. આ યુવાન અસલ જિંદગીમાં કેવું સંગીત સાંભળતો અને તેના ચરિત્રને અનુરૂપ ગિટારને રહેમાને આ ફિલ્મ માટે પસંદ કરી. રહેમાને કહ્યું:

My thing was to have one instrument, one instrument that was very close to this character. He was single, he was very confident and young. So I thought the guitar would be perfect.

આ ફિલ્મમાં રહેમાને ફક્ત સંગીત તો આપ્યું જ પરંતુ સાથે ગીતો પણ લખ્યા. ફિલ્મમાં ચૌદ ગીતો હતા: “Never Hear Surf Music Again”, “Horseshoe Canyon”, “Liberation Begins”, “Touch of the Sun”, “Lovely Day”, “Nocturne No.2 in E flat, Op.9 No.2”, “Ça plane pour moi”, “Liberation in a Dream”, “If You Love Me (Really Love Me)”, “Acid Darbari”, “R.I.P.”, “Liberation”, “Festival” અને “If I Rise”. આ ગીતો અને સંગીત માટે કુલ સોળ નોમિનેશન મળ્યા અને બે એવોર્ડ: Denver Film Critics Society for Best Song for “If I Rise” અને World Soundtrack Award – Public Choice!

આ ફિલ્મ જે અમેરિકન સાહસિકના જીવનની ઘટના પરથી બનેલી તેનું નામ એરોન રાલસ્ટન. ફિલ્મ રિલીઝ થયા પછી જ્યારે એરોને ફિલ્મના ગીતો સાંભળયા ત્યારે રહેમાનને એક પત્ર લખ્યો કે જો તેણે રહેમાનનું સંગીત પહેલા સાંભળી લીધું હોત તો તે હજુ બીજા 127 કલાક તે ખીણમાં આરામથી વિતાવી શક્યો હોત!!

***

ઈમ્તિયાઝ અલી બોલીવુડના અતિપ્રચલિત નિર્દેશક છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત દૂરદર્શન અને ઝી ટીવી પર રજૂ થયેલા કેટલાક પ્રોગ્રામના નિર્દેશક તરીકે કરી હતી. 2005માં ફિલ્મ ‘સોચા ન થા’ પછી ‘જબ વી મેટ’ અને ‘લવ આજકલ’ જેવી હીટ ફિલ્મો બનાવી તેમણે બોલીવુડમાં પોતાની ઓળખાણ ઊભી કરી દીધેલી. હવે તે પોતાની ચોથી ફિલ્મ પર કામ કરી રહયા હતા. અત્યાર સુધી સંગીતકાર પ્રીતમ સાથે કામ કરીને ચોથી ફિલ્મ માટે કોઈ બીજા સંગીતકાર સાથે કામ કરવું હતું. ‘રોકસ્ટાર’ ફિલ્મની સ્ક્રીપ્ટ લઈને જ્યારે ઈમ્તિયાઝ રહેમાનને મળ્યા અને રહેમાને તરત જ ‘રોકસ્ટાર’ માટે સંગીત બનાવવાની હા પાડી. આ ફિલ્મ દિલ્હીના એક જુવાન જનાર્દન ‘જોર્ડન’ ની વાત કરે છે જેને એક આંતરરાષ્ટ્રીય સ્ટાર બનવું હતું – ભારત અને યુરોપમાં શૂટ થયેલી આ ફિલ્મમાં ઘણું સંગીત હતું અને ફિલ્મ રહેમાનને પોતાની જ જીવનકથા જેવી લાગી.

‘રોકસ્ટાર’ ફિલ્મમાં ચૌદ ગીતો છે, જેમાં ઈન્સ્ટ્રુમેન્ટલ (“ટેંગો ફોર તાજ” અને “ડાયકોટોમી ઓફ ફેમ”), રૂમીની રચના પર આધારિત એક કવિતા (“ધ મિટીન્ગ પ્લેસ”) અને કવ્વાલી (“કુન ફાયા કુન”) જેવા જુદા જુદા રંગ જોવા મળે છે. આખી ફિલ્મમાં ગાયક મોહિત ચૌહાણને રણબીર કપૂરના પાત્ર જોર્ડન માટેના ‘અવાજ’ તરીકે પસંદ કરવામાં આવ્યો અને તેણે તેના બધા જ ગીત ગાયા. “ફિર સે ઊડ ચલા”, એ પ્રારંભિક ગીત એક અતુલ્ય ઓફબીટ ગીત છે. “શહર મેં” ગીત એક રમુજી ટૂંકી વાર્તા છે. “ઔર હો” અને “નાદાન પરીન્દે” આ બે ગીતો સંભવત: રહેમાને અત્યાર સુધી બનાવેલા ગીતોમાંથી સૌથી ‘ડાર્ક’ ગીતો રહયા છે. “કટિયા કરું” ગીત પરંપરાગત પંજાબી લોકગીતથી પ્રભાવિત હતું અને “હવા” ગીત એક અસ્પષ્ટ પરંતુ જિપ્સી સંગીત પરંપરા દ્વારા પ્રભાવિત ગૌરવપૂર્ણ ગીત લાગે છે.

“સાડ્ડા હક” એ રહેમાનનું ક્રોધિત ગીત છે. ફિલ્મમાં આ ગીતનો ઉપયોગ જે રીતે થયો તે માટે ભારતીય સેન્સર બોર્ડે થોડી ચિંતા વ્યક્ત કરી. ગીતમાં ‘ફ્રી તિબેટ’નો ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો અને ધર્મશાલા નજીકના નોર્બ્યુલિંગકા ઇન્સ્ટિટ્યૂટમાં આ ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ગીત સંવેદનશીલ હોવાથી સેન્સર બોર્ડ દ્વારા ઈમ્તિયાઝ અલીને ધ્વજ અને મુક્ત તિબેટના સૂત્રને ફિલ્મમાં ન દેખાડવાનો આદેશ અપાયો. થોડી આનાકાની પછી ઈમ્તિયાઝે ગીતના તે દ્રશ્યો ફિલ્મ માંથી કાઢી નાખ્યા જેમાં ‘ફ્રી તિબેટ’ ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો.

રોમાન્ટિક ફિલ્મોના બેતાજ બાદશાહ યશ ચોપડા સાથે પણ રહેમાને વર્ષ 2012માં ‘જબ તક હૈ જાન’ ફિલ્મમાં કામ કર્યું. આ ફિલ્મ રહેમાન, ગુલઝાર અને યશ ચોપડાનું સૌથી પ્રથમ અને એકમાત્ર જોડાણ રહ્યું. ફિલ્મના ગીતો “છલ્લા”, “સાંસ મેં તેરી સાંસ મિલી તો”, “ઈશ્ક શાવા”, “હીર”, “જીયા રે” લોકોને પસંદ પડયા. ફિલ્મને Cosmopolitan Award for Most Popular Music Overseas મળ્યો અને રહેમાનને બીજા ચાર એવોર્ડ માટે નામાંકન મળ્યું.

***

‘રોકસ્ટાર’ ફિલ્મ પછી રહેમાન અને ઈમ્તિયાઝ એકવાર સ્કાઈપ પર ચૅટ કરી રહયા હતા ત્યારે રહેમાને ઈમ્તિયાઝને પૂછ્યું – તમે કોઈ નવી ફિલ્મ પર કામ કરી રહયા છો? (એ ફિલ્મ હતી આલિયા ભટ્ટ અને રણદીપ હૂડા ની ‘હાઈવે’)

“એ તો ખૂબ જ ઓછા બજેટની ફિલ્મ છે, રહેમાન સર! અને ફિલ્મમાં એકદમ જ ઓછું સંગીત છે.”

“તમને લાગે છે કે મારે એ ફિલ્મ માટે સંગીત આપવું જોઈએ?” રહેમાને તરત જ સવાલ કર્યો.

“સર…પણ તેમાં એક જ ગીતની પરિસ્થિતિ અત્યારે મારા ધ્યાનમાં છે.”

“હા, પણ તમારે મારી પાસે ફિલ્મ કરાવવી છે?”

“એક જ ગીત છે એટલે મને શરમ આવતી હતી તમને પૂછતાં…”

રહેમાને ફિલ્મની આખી વાર્તા જાણી અને ફરી પૂછ્યું – “ઓકે, હવે કહો કે શું મારે તે ફિલ્મ કરવી જોઈએ?”

ઈમ્તિયાઝે કહ્યું: “એકાદ ગીત માટે તમારી મહેનત આ ફિલ્મ માટે યોગ્ય ન ગણાય તો?”

“એ મારે જોવાનું છે. તમને શું કરવું છે? મારી પાસે સંગીત કરાવવું છે આ ફિલ્મનું? યુ ટેલ મી વ્હોટ યુ વોન્ટ!”

ઈમ્તિયાઝે તરત જ હા પાડી અને રહેમાનને ‘હાઈવે’ ફિલ્મ મળી.

મૂળરૂપે, આ ફિલ્મનો હેતુ કોઈ પણ ગીતો વગરનો બેકગ્રાઉન્ડ સ્કોર રાખવાનો હતો અને એટલે જ “સૂહા સહા” ગીત સિવાયના બધા ગીતો, શૂટિંગ પૂર્ણ થયા પછી રેકોર્ડ કરવામાં આવ્યા હતા. “પટાખા ગુડ્ડી” શીર્ષક ધરાવતું એક ગીત આલિયાની સ્વતંત્રતાનું વર્ણન કરે છે. “માહી વે” એ આલિયા અને રણદીપ પર ધ્યાન કેન્દ્રિત કરતુ એક લોકગીત છે. મૂળ ‘માહી વે’ ગીત પણ ફિલ્મનો ભાગ નહોતું. 20 મિનિટના ગીત “પટાખા ગુડ્ડી” ને ફાઈનલ કર્યા પહેલા, સંગીતકારે નિર્ણય લીધો કે તે ગીતનો અંતિમ ભાગ એક સંપૂર્ણપણે અલગ ગીત તરીકે વિકસિત કરી શકાય. તેથી, આ બંને ગીતોની ધૂન અને લય એકસમાન છે.

“તુ કુજા” ની શરૂઆતની પંક્તિઓ પ્રખ્યાત ફારસી રૂઢિપ્રયોગમાંથી લીધી છે પરંતુ પાછળથી આ ગીત મૌઈનુદ્દીન ચિશ્તીની પ્રશંસામાં અમીર ખુસરોના ગીત “કિરપા કરો મહારાજ” દ્વારા પ્રેરિત શુદ્ધ હિન્દી ગીત બની જાય છે. “હીરા” ગીતમાં સંત કબીર દ્વારા લખાયેલ પરંપરાગત ગીતના શબ્દો શામેલ છે. “કહાં હૂં મેં” એ એક એવું ગીત છે જે કોઈની આત્મ-શોધને ગીતરૂપે વર્ણવે છે.

***

સન 2013માં આનંદ એલ. રાયની ફિલ્મ ‘રાંઝણા’ આવી જેમાં સોનમ કપૂર, તમિળ કલાકાર ધનુષ અને અભય દેઓલે અભિનય કર્યો. (એક આડવાત: ધનુષના લગ્ન રજનીકાંતની દીકરી ઐશ્વર્યા સાથે થયા છે, રજનીકાંતની બીજી દીકરીનું નામ છે સૌંદર્યા. સૌંદર્યાની ફિલ્મ ‘કોચાદૈયા’નું સંગીત પણ રહેમાને જ આપેલું જે ભારતની પહેલી ‘મોશન પિક્ચર’ દ્વારા બનાવેલી એનિમેટેડ ફિલ્મ હતી અને રહેમાને સંગીત આપેલી એકમાત્ર એનિમેટેડ ફિલ્મ! આ ફિલ્મમાં રજનીકાંત અને દીપિકા પાદુકોણે પણ અભિનય કરેલો.)

‘રાંઝણા’ ફિલ્મ વારાણસીમાં સ્થિત છે. ફિલ્મ અને તેના ગીતો બંને સુપરહીટ રહયા. રહેમાને ‘લગાન’ પછી ઠેઠ આ ફિલ્મમાં શરણાઈનો ભરપૂર ઉપયોગ કર્યો છે. ફિલ્મનું ગીત “તુ મુન શુદી” રહેમાને જાતે રબ્બી શેરગિલ સાથે ગાયું. ફિલ્મના સંગીતને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો અને રહેમાનને 9 એવોર્ડ માટે નામાંકન મળ્યા (ફિલ્મફેર, સ્ક્રીન એવોર્ડ, ગીમા, ઝી સીને એવોર્ડ વગેરે વગેરે).

2014માં રહેમાને નાના પડદે એટલે કે ટીવીમાં પદાર્પણ કર્યું. આશુતોષ ગોવારીકરે ‘એવરેસ્ટ’ નામનો એક શો બનાવ્યો જેમાં કેટલાક વિદ્યાર્થીઓની માઉન્ટ એવરેસ્ટ સર કરવાની વાત 102 એપિસોડ સુધી દેખાડવામાં આવેલી. આ શો માટે રહેમાને શીર્ષક ગીતનું સંગીત આપ્યું. એ જ વર્ષે ‘કાવિયા થલાઈવાન’ નામની ઐતિહાસિક તમિળ ફિલ્મ માટે રહેમાને સંગીત આપ્યું. આ ફિલ્મ માટે રહેમાને હોલીવુડની ફિલ્મ ‘સેવેન્થ સન’ છોડી દીધી અને સાત નવા ગીત બનાવ્યા. પરંતુ ફિલ્મને જોઈએ તેટલો જનતાનો પ્રેમ ન મળ્યો અને ફિલ્મ ફ્લોપ બની રહી.

આજનો વિડીયો:

યશ ચોપડાએ નિર્દેશ કરેલી છેલ્લી ફિલ્મ ‘જબ તક હૈ જાન’ ના સંગીત વિષે વાત કરતો આ વિડીયો:

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here