બાઇબલમાં કીધું છે કે, Love Thy Neighbour, એટલે કે તમારા પડોશીને પ્રેમ કરો. સાથે સાથે જ્યોર્જ બર્નાર્ડ શૉ એ પણ કીધું છે કે, There is no love more sincere than love of food, એટલે કે ખાવાના પ્રત્યેના પ્રેમ જેટલો સાચો પ્રેમ કોઈ જ નથી.
આથી જ આ વખતે ફૂડમૂડમાં અમે આ બંને વાત ભેગી કરીને લાવ્યા છીએ કેટલીક મહારાષ્ટ્રીયન વાનગીઓ.
મરાઠી રાંધણકળા ખરેખર સ્વાદિષ્ટ છે કારણકે તેમની પાસે ખોરાકની વિશાળ શ્રેણી છે. મરાઠી ખોરાકમાં નાળિયેરનો ઉપયોગ અત્યંત મહત્વનો છે, અને સાથે સાથે રસોઈની બનાવટમાં ઉપયોગમાં લેવાતા મસાલા પણ ખૂબ સ્વાદિષ્ટ હોય છે. ચોખા આધારિત વાનગીઓ મોટાપાયે બનતી હોવાથી ચોખા આ પ્રજા માટે ખૂબ મહત્વની સામગ્રી છે.
કોથીમ્બીર વડી

સામગ્રી:
1 ½ કપ સમારેલી કોથમીર
2 કપ ચણાનો લોટ
½ ટીસ્પૂન હળદર પાવડર
½ ટીસ્પૂન લાલ મરચું પાવડર
1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ
1 ટેબલસ્પૂન તલ
1 ટેબલસ્પૂન ખમણેલું કોપરું
¼ કપ શેકેલી મગફળીનો ભૂક્કો
પાણી – જરૂર મુજબ
ચપટી હિંગ
મીઠું સ્વાદમુજબ
રીત:
- તમામ સામગ્રીને એક બાઉલમાં લઇ, તેમાં પાણી ઉમેરી સ્મૂધ અને જાડું ખીરું બને તે રીતે ભેળવો.
- એક થાળીમાં બરાબર તેલ લગાવી તેમાં આ ખીરું ઉમેરો અને થાળીને ઢોકળિયામાં મૂકો.
- ખીરું બરાબર રંધાઈ જાય ત્યાંસુધી તેને પકવવા દો.
- તેને ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે તેને થાળીમાંથી બહાર કાઢી તેના ચોરસ કે લંબચોરસ ટુકડા કાપી લો.
- આ ટુકડાને બ્રાઉન થાય ત્યાંસુધી શેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરી તળી લો.
- કોથીમ્બીર વડીને લીલી ચટણી કે ટોમેટો સોસ સાથે ગરમ ગરમ પીરસો.
પીઠ્ળ

સામગ્રી
1 કપ બેસન
1 મોટી ઝીણી સમારેલી ડુંગળી
2-3 લીલા મરચાં
10-12 મીઠા લીમડાના પાન
¼ કપ કોથમીર
3-4 કળી તાજા લસણની પેસ્ટ
¼ ચમચી હળદર
¼ tsp જીરું
¼ ચમચી રાઈ
ચપટી હિંગ
2 કપ પાણી
1 1/2 ચમચી તેલ
સ્વાદ મુજબ મીઠું
રીત:
- એક મોટા બાઉલમાં બેસન લો. તેમાં બેસનથી બમણું પાણી ઉમેરી, ગઠ્ઠા ના રહે તે રીતે બરાબર ભેળવી દો.
- હવે એક કઢાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે એમાં જીરું અને હિંગ ઉમેરો.
- હવે તેમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા, લસણની પેસ્ટ અને ડુંગળી ઉમેરીને બરાબર સાંતળો.
- ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં મીઠું અને હળદર ઉમેરીને બરાબર ભેળવી દો.
- હવે તેમાં બેસન અને પાણીનું મિકસ્ચર ઉમેરો. અને બરાબર હલાવો.
- તેમાં કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- ગેસની આંચ ધીમી કરીને, કઢાઈને ઢાંકીને, મિશ્રણને લગભગ 6 થી 7 મિનીટ માટે પકવો. વચ્ચે વચ્ચે બેસન નીચે ચોંટી નાં જાય એટલે હલાવતા રહેવું.
- મિશ્રણ ઘાટું થવા લાગે અને બેસનની કચાશ દૂર થવા લાગે એટલે આંચ બંધ કરી, જુવારની ભાખરી અને થેચા સાથે ગરમાગરમ પીરસવું.
થેચા

સામગ્રી:
10-15 સૂકા લાલ મરચાં
10-15 લસણની કળી
સ્વાદ મુજબ મીઠું
વઘાર માટે:
1 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન રાઈ
રીત:
- મિક્સર જારમાં સૂકા લાલ મરચાં, લસણની કળી અને મીઠું લઇ, બરાબર વાટી લો.
- હવે એક વાઘરીયામાં તેલ ગરમ થાય એટલે એમ રાઈ ઉમેરી, રાઈ તાંતણે એટલે એને મરચાં અને લસણના મિશ્રણ પાર રેડી બરાબર ભેળવી દો.
- પીઠળ, થાળીપીઠ જોડે કે ભાખરી જોડે પીરસો.
eછાપું