ખુલાસો: શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ શરુ થવા અગાઉ જ ધમકી આપી હતી

0
330

ભારતના ટોચના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ટીમના ફિલ્ડીંગ કોચ આર શ્રીધરની વિડીયો ચેટ પરથી ખુલાસો થયો છે કે ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ શરુ થતાં પહેલાં જ તેનો બોયકોટ કરવાની ધમકી આપી હતી.

અમદાવાદ: ટિમ ઇન્ડિયાનો હાલમાં જ પૂર્ણ થયેલો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ વિવાદિત પણ રહ્યો હતો અને આ વિવાદ ફક્ત ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેઈન દ્વારા રવિચંદ્રન અશ્વિનને સ્લેજ કરતા અગાઉ જ શરુ થઇ ગયો હોવાની માહિતી મળી છે.

ટીમનાં નંબર વન ઓફ સ્પિનર આર અશ્વિન અને ફિલ્ડીંગ કોચ આર શ્રીધર દ્વારા યુટ્યુબ પર એક વિડીયો પબ્લિશ કરવામાં આવ્યો છે જેમાં તેઓ તમિળમાં ચર્ચા કરી રહ્યા છે કે આ પ્રવાસમાં વિવાદ તો તેની શરૂઆત થઇ તે પહેલાં જ શરુ થઇ ગયો હતો.

આ બંનેએ જણાવ્યું છે કે જ્યારે IPL પૂરી થઇ અને ટિમ હજી પણ દુબઈમાં બાયોબબલમાં હતી અને તેમના પરિવારના સભ્યો પણ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં જોડાવા દુબઈ પહોંચી ગયા હતા ત્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમને જણાવ્યું હતું કે ભારતીય ટીમના ખેલાડીઓના પરિવારો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નહીં ખેડી શકે, જો કે અગાઉ તેમને મંજૂરી આપવામાં આવી હતી.

અશ્વિને આ મામલે કહ્યું કે તેઓ પહેલેથી જ અઢી મહિના પરિવારથી દૂર હતા અને હવે અચાનક જ તેમને જણાવવામાં આવ્યું કે દુબઈ પહોંચી ગયાં હોવા છતાં તેમનો પરિવાર તેમની સાથે નહીં આવી શકે!

અશ્વિને ઉમેર્યું હતું કે ઓસ્ટ્રેલિયનો દ્વારા સ્લેજિંગ તો પ્રવાસ શરુ થયા અગાઉ જ શરુ થઇ ગયું હતું.

રવિચંદ્રન અશ્વિનના કહેવા અનુસાર જ્યારે તેની પત્નીને આ બાબતની ખબર પડી ત્યારે તેણે મજાકમાં તેને પૂછ્યું હતું કે શું હું મારો પતિ બદલી શકું છું? કારણકે તે પણ અશ્વિનથી અઢી મહિનાથી દૂર રહી હતી.

જ્યારે ટીમના કોચ રવિ શાસ્ત્રીને આ બાબતની ખબર પડી ત્યારે તેમણે તાત્કાલિક ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે Zoom મીટીંગ બોલાવી હતી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે જો ટીમના સભ્યોના પરિવારોને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નહીં કરવા દેવામાં આવે તો ટિમ પ્રવાસનો બહિષ્કાર કરશે!

અશ્વિન અને શ્રીધર બંનેનું કહેવું છે કે શાસ્ત્રીનું આમ કરવું એ તેનો પોતાનો નિર્ણય હતો અને તેને કારણે BCCIમાં પણ ગભરામણ ફેલાઈ ગઈ હતી.

શાસ્ત્રીનું કહેવું હતું કે તેઓ છેલ્લા 40 વર્ષથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહ્યાં છે અને તેમને ખબર છે કે ઓસ્ટ્રેલિયાનો સાથે કેવી રીતે વર્તન કરવું અને પોતાની ન્યાયી માંગણીનો તેમની પાસે સ્વીકાર કરાવડાવવો.

શાસ્ત્રીની બોયકોટની ધમકીની ત્વરિત અસર થઇ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતીય ખેલાડીઓ સાથે તેમના પરિવારોને પણ ઓસ્ટ્રેલિયા આવવા દેવાની મંજૂરી આપી દીધી.

અશ્વિને ત્યારબાદ એક બીજો કિસ્સો પણ ઉમેર્યો છે, તેણે કહ્યું કે 2021ની શરૂઆતમાં પણ ઘણીબધી તકલીફો શરુ થઇ ગઈ હતી.

ભારત જ્યારે મેલબર્ન ટેસ્ટ જીતીને સિરીઝને 1-1ની બરોબરી પર લઇ આવ્યું ત્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ, જેણે અગાઉ સમગ્ર ટૂરમાં સોફ્ટ બબલનું વચન આપ્યું હતું તેણે અચાનક જ સંપૂર્ણ બાયોબબલ જાહેર કરી દીધું.

સોફ્ટ બબલના નિયમો અનુસાર ખેલાડીઓ કોફી શોપ, રેસ્ટોરાં કે પછી ફિલ્મો જોવા જઈ શકતા હતા, પરંતુ અચાનક જ તેના પર પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ મૂકી દીધો.

યાદ હોય તો સિડની બાદ ચોથી ટેસ્ટ રમવા બ્રિસ્બેન જવા માટે ટીમે કરેલો ઇનકાર આ જ નિર્ણયનું પ્રતિક હોઈ શકે છે.

આર શ્રીધરે એક બીજો અનુભવ પણ શેર કર્યો છે, તેમણે જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયન અને ભારતીય ખેલાડીઓ એક જ બબલમાં હોવા છતાં હોટેલમાં જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ લિફ્ટમાં જઈ રહ્યાં હોય ત્યારે ભારતીય ક્રિકેટરોને તેમની સાથે જવા દેવાની છૂટ ન હતી.

શ્રીધરના કહેવા અનુસાર આ અનુભવ અત્યંત કડવો રહ્યો હતો.

તમને ગમશે – VIDEO: ટિમ ઇન્ડિયા પર પ્રશંસામાં ઓળઘોળ થઇ જતાં સુનિલ ગાવસ્કર

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here