જેલમાં સજા ગાળતા કેદીઓની સજા પૂર્ણ થયા બાદ તેઓ સન્માનપૂર્વક બાકીનું જીવન વિતાવી શકે તે માટે ગુજરાત સરકારના જેલ વિભાગે એક અનોખું પગલું ઉપાડ્યું છે જેને આવકાર પણ મળી રહ્યો છે.
અમદાવાદ: જેલની સજા પૂર્ણ કર્યા બાદ કેદીઓ સામાન્ય લોકોની જેમજ સન્માનપૂર્વક જીવવા માંગતા હોય છે પરંતુ કદાચ તેમના ભૂતકાળને ધ્યાનમાં લઈને લોકો તેમને નોકરી આપતાં અચકાતાં હોય છે અને પરિણામે આ કેદીઓ પાસે ગુનાને રસ્તે પરત થવા સીવાય અન્ય કોઈ રસ્તો નથી હોતો.
પરંતુ ગુજરાત સરકારના જેલ તેમજ પોલીસ વિભાગે એક અનોખી પહેલ હાથ ધરી છે જે મુજબ ગુજરાતની જેલોના કેદીઓની સજા પૂર્ણ થયા બાદ તેમને નોકરી આપવામાં આવનાર છે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર ગુજરાતમાં હાલમાં પ્રિઝનર્સ પ્લેસમેન્ટ એક્સચેન્જ (PPE) નામનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત ખાનગી કંપનીઓ આ કેદીઓની લાયકાત તેમજ કૌશલ્યને ધ્યાનમાં લઈને તેમને સજા પૂર્ણ કર્યા બાદ નોકરી આપશે અને તેમને સામાન્ય જીવન જીવવામાં મદદ કરશે.
લગભગ 8 જેટલી ખાનગી કંપનીઓએ ગુજરાતના જેલ વિભાગના આ કાર્યક્રમમાં રસ દર્શાવ્યો છે અને રાજ્યની 29 જેલોના 260 કેદીઓને નોકરી અંગે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે.
2021ના વર્ષમાં જેલમુક્ત થનારા કેદીઓ ઉપરોક્ત લિસ્ટમાં સામેલ છે જો કે આ લિસ્ટમાં જન્મટીપની સજા પામનારા કેદીઓ સામેલ કરવામાં આવ્યા નથી.
આવનારા વર્ષોમાં દર વર્ષે જેલોમાં જ આ પ્રકારે કેમ્પસ એક્સચેન્જ શરુ થાય તે પ્રકારની યોજના પણ પોલીસ અને જેલ વિભાગ નક્કી કરી રહ્યા હોવાનું જાણવામાં આવ્યું છે.
eછાપું