दिल से रेहमान (13): ફરી જાહેરાતો, કોન્સર્ટ અને તામિળ ફિલ્મો

0
405

ઓસ્કર ઍવોર્ડ મળ્યા પછી ફક્ત ફિલ્મો માટે જ નહીં પરંતુ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે પણ ધૂન અને સંગીત બનાવવાનું રહેમાને ચાલુ જ રાખ્યું. 1994માં એશિયાનેટ નામની ચેનલનું મલયાલમ ભાષામાં રહેમાને શીર્ષકગીત સંગીતબદ્ધ કરેલું અને ત્યારબાદ સન 2002માં દુનિયાના ત્રીજા ક્રમના સૌથી મોટા મોબાઇલ નેટવર્ક (ચાઈના મોબાઈલ અને બ્રિટનના વોડાફોન પછી) ભારતના એરટેલ માટેની જાહેરાતની ધૂન બનાવીને રહેમાને એક અલગ જ ચીલો ચાતર્યો.

એરટેલની ધૂન આખા ભારતમાં ખૂબ જ પ્રચલિત થઈ. આ ધૂન લોકોની રીંગટોન બની, કોલર ટ્યુન બની, કારને રિવર્સ કરતી વખતેનું સાયરન બની. બધી જ જગ્યાએ આ ધૂન વપરાવા લાગી. સન 2010માં રહેમાને આ જ ધૂન નવા રૂપમાં માર્કેટમાં મૂકી. એરટેલની આ ધૂન દુનિયાની સૌથી વધુ ડાઉનલોડ થયેલી (લગભગ દોઢ મિલિયન) ધૂન બની. આ ધૂનનું જ સંગીત 2004માં બનેલી કન્નડ ફિલ્મ લવમાં પણ વપરાયેલું (એક આડવાત પણ ખૂબ જ રસપ્રદ: દક્ષિણ ભારતની ચાર ભાષાઓ છે – તેલુગુ, તામિળ, કન્નડ અને મલયાલમ. આ ચાર ભાષામાંથી કન્નડ જ એક એવી ભાષા છે જેની માટે રહેમાને કોઈપણ ફિલ્મ માટે સીધેસીધું સંગીત આપ્યું નથી. તેણે ફક્ત ડબીંગ કરેલી કન્નડ ફિલ્મ માટે જ સંગીત આપેલું છે).

સન 2008માં હૈદરાબાદનું નવું એરપોર્ટ બન્યું, તે એરપોર્ટના ઉદઘાટનનું સંગીત પણ રહેમાને બનાવ્યું અને તે ગીતનું નામ હતું ‘આસમાન’. આ ગીત રહેમાનના ચાહક બેની દયાલે ગાયેલું. ત્યારબાદ 2010માં ટોયોટા ઈટીઓસનું ‘પહેલી બાર’ નામનું ગીત, 2012માં જોશ એફ. એમ. રેડીયો નું સિગ્નેચર ગીત અને સત્તરમા જીઓ મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનું સંગીત પણ રહેમાને બનાવેલું. આ દરેકમાં સૌથી વધુ નોંધપાત્ર જો કોઈ સંગીત રહેમાને બનાવ્યું હોય તો તે આપણા તાજમહેલ માટેનું સંગીત. છ અલગ અલગ ભાષામાં ‘one love’ નામનું ગીત (તામિળ, હિન્દી, બંગાલી, તેલુગુ, કન્નડ અને મલયાલમ) એટલું બધું પ્રચલિત થયું કે તે સમયે દુનિયાના શ્રેષ્ઠ 7 અજૂબા માટે વોટીંગ ચાલુ હતું અને આ ગીતને કારણે વૈશ્વિક સ્તરે લોકોએ ઢગલે-ઢગલા મત આપીને તાજમહેલને જીતવામાં મદદ કરી.

ત્યારબાદ સેવેન-અપ નામના પીણા માટેની એક જાહેરાતમાં પણ રહેમાને સંગીત આપ્યું, જેના નિર્દેશક રાજીવ મેનન હતા. આ જાહેરાત એક એવા શો માટે હતી જેમાં સાત તામિળ ગાયકોને એક સ્પર્ધા દ્વારા પસંદ કરવાના હતા. થોડા જ દિવસમાં રહેમાનને સિક્કિમ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ ચૂંટવામાં આવ્યો.

***

2010ના આ દાયકામાં જ રહેમાને બીજા મહત્વના પ્રોજેક્ટ પોતાના હાથમાં લીધા – ‘કોક સ્ટુડિયો ઇન્ડિયા’ અને ‘MTV Unplugged’ જેવા કાર્યક્રમમાં ભાગ લીધો. ‘કોક સ્ટુડિયો ઇન્ડિયા’ માટે 2013માં અને MTV Unplugged માટે 2012 અને 2017માં રહેમાને પોતાનું પર્ફોમન્સ આપ્યું અને આ ત્રણે ખૂબ જ યાદગાર બની રહ્યા. રહેમાન અને કમલ હાસનની દીકરી શ્રુતિ હાસને ગાયેલું ‘રાવણ’ ફિલ્મનું “રાંઝા રાંઝા” ગીત અહીં માણો:

આ પછી રહેમાનના સંગીતજીવનનો ખૂબ જ મહત્ત્વનો પડાવ આવ્યો જેમાં તેણે ‘ધ એ. આર. રહેમાન – જય હો કોન્સર્ટ’ શરૂ કર્યો. આ એક એવો કોન્સર્ટ હતો જેમાં દુનિયાના ત્રણ ખંડમાં, અલગ અલગ શહેરમાં 23 શો નક્કી થયેલા – તેર શો અમેરિકામાં, એક કેનેડામાં, ત્રણ ઇંગ્લેન્ડમાં, ત્રણ સિંગાપોરમાં અને ત્રણ સાઉથ આફ્રિકામાં! આ એક ઐતિહાસિક કોન્સર્ટ શો હતો કારણ કે આ પહેલા બીજા કોઈ ભારતીય “સંગીતકારે” આવો કોઈ શો કર્યો નહોતો.

***

કેટલાયે નવા અખતરા કર્યા પરંતુ રહેમાને ભારતીય ફિલ્મોને જરાય ઓછું આવવા દીધું નથી.

સન 2015માં એસ. શંકર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત ‘આય’ (I) નામની એક રોમેન્ટિક ફિલ્મ રજૂ થઈ. આ ફિલ્મ માટે બેકગ્રાઉન્ડ સંગીત અને ગીતો રહેમાને સંગીતબદ્ધ કર્યા. આ ફિલ્મનું સંગીત બનાવવાનું કામ સન 2012થી શરૂ હતું અને બે વર્ષ પછી 2014માં લોકો સમક્ષ રજૂ થયું. સંગીતનું ઓડિયો રિલીઝ ચેન્નઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં 12 સપ્ટેમ્બર 2014 ના દિવસે થયું અને આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર તે સમયે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યો. આ ફિલ્મને હિન્દી અને તેલુગુમાં પણ રજૂ કરવામાં આવી અને ફિલ્મના ગીતોને ઘણો સકારાત્મક પ્રતિસાદ મળ્યો. આઇટ્યુન્સ ઈન્ડિયા (iTunes India) દ્વારા 2014ના ટોચના 20 આલ્બમમાં આ ફિલ્મનો સમાવેશ થયો અને રહેમાનને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતકાર માટેનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.

2015માં જ રહેમાને મણિરત્નમની ફિલ્મ ‘ઓ.કે. કન્માની’ માટે સંગીત આપ્યું જે ખૂબ જ પ્રસિદ્ધ રહી. પછી તેલુગુમાં ‘ઓકે બંગારમ’, મલયાલમમાં ‘ઓકે કન્માની’ અને હિન્દીમાં ‘ઓકે જાનુ’ નામથી 2017ના વર્ષમાં પણ આ ફિલ્મ રિલીઝ થઈ.

‘મુહમ્મદ: ધ મેસેન્જર ઓફ ગૉડ’ એ સન 2015 ની ઇરાની ઇસ્લામિક મહાકાવ્ય પરથી બનેલી ફિલ્મ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન મજીદ મજિદીએ કર્યું. ‘મૂવી મ્યુઝિક યુ.કે.’ મેગેઝિન દ્વારા આ ફિલ્મના સંગીતને 2015ના ‘એશિયાના શ્રેષ્ઠ સ્કોર્સ’માંથી એક ગણવામાં આવી હતી. રહેમાનને આ ફિલ્મ માટે મજીદ મજિદી ઇચ્છતા હતા તે પ્રકારનું સંગીત સમજવા માટે છ મહિનાનો સમય લાગ્યો અને સંગીત બનાવવા એક વર્ષ કામ કર્યું. નવેમ્બર 2014માં, રહેમાને આ ફિલ્મના સંગીત માટે લે ટ્રાયો જૌબ્રાન નામની આંતરરાષ્ટ્રીય ત્રિપુટી સાથે કામ કરવાનું શરૂ કર્યું. ભારતીય ગાયક શબ્બીર કુમારના પુત્ર દિલશાદ શબ્બીર શેખ સાથે ભારત, ઈરાન, જર્મની, ફ્રાંસ અને ઇજિપ્ત જેવા પાંચ દેશોમાં 200 સંગીતકારો સાથે આ ફિલ્મનું સંગીત રેકોર્ડ કર્યું જેમાં કુલ 20 ગીતોનો સમાવેશ શક્ય છે.

‘પેલે: બર્થ ઓફ એ લિજેન્ડ’ ફિલ્મ એ બ્રાઝિલિયન ફૂટબોલર પેલેના પ્રારંભિક જીવન અને 1958ના ફિફા વર્લ્ડ કપ જીતવા માટે બ્રાઝિલ સાથેની તેની યાત્રા વિશેની અમેરિકન ફિલ્મ છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત એ.આર. રહેમાને આપેલું. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા સાથેની એક મુલાકાતમાં રહેમાને કહેલું કે “જ્યારે મને આ પ્રોજેક્ટ માટે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે મેં પહેલી વાર ગૂગલ પર શોધ્યું કે ‘પેલે’ કોણ હતા, કારણ કે મારું આખું જીવન સંગીતમાં જ વીત્યું છે. મેં તેમના વિશે અને તે કોણ હતા તે વિશેની આશ્ચર્યજનક વસ્તુઓ વાંચી, વિડીયો જોયા. છેવટે મેં સ્ક્રિપ્ટ વાંચી અને તે પ્રોજેક્ટ પ્રત્યે ભારે માન થયું.” આ ફિલ્મમાં પણ રહેમાને કુલ 20 ગીતો રજૂ કર્યા.

***

‘રોકસ્ટાર’ અને ‘હાઈવે’ પછી ઇમ્તિયાઝ અલી અને રહેમાને ફરી એક વાર ‘તમાશા’ ફિલ્મ માટે હાથ મેળવ્યા. આ ફિલ્મના “મટરગસ્તી” અને “તુમ સાથ હો” ગીત ખૂબ જ લોકપ્રિય રહયા. રહેમાનને શ્રેષ્ઠ સંગીતકાર માટે અને અલકા યાજ્ઞિકને શ્રેષ્ઠ ગાયિકા માટેના ફિલ્મફેર નામાંકન પણ મળ્યા.

2016ના વર્ષમાં વિક્રમકુમાર ની ’24’ અને આશુતોષ ગોવારીકરની ‘ મોહેંજો દડો’ રિલીઝ થઈ. ‘લગાન’, ‘સ્વદેસ’ અને ‘જોધા અકબર’ જેવી અપ્રતિમ ફિલ્મોના સંગીત બાદ રહેમાને ફરી આશુતોષ ગોવારીકર સાથે મળીને ‘મોહેંજો દડો’ ફિલ્મ માટે સંગીત આપ્યું. ફિલ્મના ગીતો જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવ્યા હતા અને સંગીત અધિકાર ટી-સિરીઝ દ્વારા હસ્તગત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મના ગીતોનું આલ્બમ 6 જુલાઈ, 2016 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ ફિલ્મના થિયેટરને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે તે પહેલાં જ ‘મોહેંજો દડો’ને સ્વીટ્ઝર્લેન્ડમાં 69મા લોકાર્નો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની ક્લોઝિંગ ફિલ્મ તરીકે પસંદગી દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. 13 ઓગસ્ટ 2016 ના રોજ, લોકાર્નોના એવોર્ડ સમારંભની તુરંત પહેલા, ‘મોહેંજો દડો’ પિયાઝા ગ્રાન્ડ ખાતે દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મ 23 ઓક્ટોબર, 2016 ના રોજ મેડિસન, વિસ્કોન્સિન (યુનાઇટેડ સ્ટેટ્સ) માં દક્ષિણ એશિયા પર 45 મી વાર્ષિક પરિષદમાં પણ દર્શાવવામાં આવી હતી. છેવટે નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓ માટે 18 સપ્ટેમ્બર, 2016 ના રોજ ફિલ્મની વિશેષ સ્ક્રિનિંગની પણ ગોઠવણી કરવામાં આવી હતી.

ત્યારબાદ 2017માં જેમ સ્કીન નામના અંગ્રેજી નિર્દેશકે  ક્રિકેટના માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરના જીવન પરથી ‘સચિન – The billion dreams’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બની અને તેનું સંગીત રહેમાને આપ્યું. તે જ વર્ષે શ્રીદેવીની 300મી અને છેલ્લી ફિલ્મ ‘મૉમ’ પણ રિલીઝ થઈ, જે ચાર ભારતીય ભાષાઓમાં રજૂ કરવામાં આવી. આ ફિલ્મ માટે 65મા નેશનલ ફિલ્મ એવોર્ડ માં શ્રીદેવીને શ્રેષ્ઠ અભિનેત્રી અને એ.આર.રહેમાનને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો.

2017માં તામિળ રોમાંસ ફિલ્મ ‘કાતરુ વેલિયિડાઇ’ માટે પણ રહેમાને સંગીત આપ્યું. આ ફિલ્મ મણિરત્નમ દ્વારા લખવામાં આવી હતી. આ ફિલ્મના આલ્બમના મૂળ તામિળ અને તેલુગુ સંસ્કરણમાં છ ગીતો હતા જેમાંથી ચાર ગીત વૈરામુથુ દ્વારા લખવામાં આવ્યા હતા, એક તેમના પુત્ર માધન કારકી દ્વારા અને એક શેલી દ્વારા. 65મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ‘આલ્બમ ગીતો’ની શ્રેણીમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે રહેમાનને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યો. સન 2018માં એ. આર. મુરુગાદાસની ફિલ્મ ‘સરકાર’ અને એક એસ.શંકરની ‘2.0’ પણ રિલીઝ થઈ.

એ. આર. રહેમાને ‘મેરસલ’નો સાઉન્ડટ્રેક આલ્બમ અને બેકગ્રાઉન્ડ સ્કોર બનાવ્યો. ‘મેરસલ’ ફિલ્મ ‘ઉધાયા’ (2004) અને ‘અઝાગીયા તમિઝ મગન’ (2007) પછી નિર્દેશક વિજય સાથે રહેમાનની ત્રીજી ફિલ્મ અને તામિળ નિર્દેશક (Atlee) એટલી સાથે પહેલો પ્રયોગ. આ ફિલ્મના સાઉન્ડટ્રેક આલ્બમને તેની રજૂઆત પછી વિવેચકોની સકારાત્મક સમીક્ષાઓ મળી, અને આલ્બમે 10 દિવસની અંદર 100 મિલિયન ડાઉનલોડને પાર કરી, તામિળ ફિલ્મજગત માટે એક રેકોર્ડ બનાવ્યો.

ફિલ્મના તમામ ગીતોની વચ્ચે “આલાપોરન થમિઝાન” ની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેની રજૂઆત પછી, તે આઇટ્યુન્સના ચાર્ટમાં ટોચ પર રહ્યું. ગૂગલ દ્વારા કરવામાં આવેલી ઘોષણા મુજબ તે ભારતના સૌથી વધુ સર્ચ કરાયેલા ગીતોમાંથી પણ એક બન્યું અને ગૂગલ ટ્રેન્ડ્સમાં સૌથી વધુ સર્ચ કરેલા વિષયમાં પણ ટોચ પર રહ્યું. 11 એપ્રિલ 2019 સુધીમાં “આલાપોરન થમિઝાન” નો મ્યુઝિક વીડિયો 100 મિલિયન વ્યૂઝને વટાવી ગયો.

‘ચેક્કા ચિવાન્તા વાનામ’ એ 2018 ની તામિળ ભાષાની ગેંગસ્ટર ફિલ્મ છે, જે મણિરત્નમ દ્વારા નિર્દેશિત થઈ અને શિવા અનંત સાથે મણિરત્નમે લખી પણ ખરા. આ ફિલ્મના આલ્બમમાં કુલ સાત ગીતોનો સમાવેશ છે, જેમાંથી “મઝાઈ કુરુવી” અને “ભૂમિ ભૂમિ” મુખ્ય ગીતો તરીકે પ્રચલિત થયા. વૈરામુથુનાં પુસ્તક પિયાના પિયુમ મઝહાઇની બે કવિતાઓ આ ફિલ્મમાં ગીત તરીકે લેવામાં આવી, જેમાંથી એક છે “મઝાઈ કુરુવી”. રહેમાન આ ફિલ્મ માટે કહે છે કે “તે સમયે હું મારી પોતાની ફિલ્મ પ્રોડકશનનાં 99 Songs ના ગીતો પર પણ કામ કરી રહ્યો હતો. મેં બે દિવસમાં જ 10 ધૂનની રચના કરી અને મણિરત્નમને કહ્યું કે તમને ગમે તે પસંદ કરો.” આમાંની એક રચના “મઝાઈ કુરુવી” ટ્રેક માટેનું સંગીત હતું.

‘બિગિલ’ (શાબ્દિક અર્થ સિસોટી કે વ્હિસલ) ફિલ્મ એ 2019 ની તામિળ ભાષાની સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ છે, જેનું નિર્માણ અને નિર્દેશન એટલી દ્વારા કરવામાં આવ્યું. ઇજિપ્ત અને જોર્ડન જેવા દેશોમાં રજૂ થનારી તે પ્રથમ તામિળ ફિલ્મ હતી. આ ફિલ્મના સાઉન્ડટ્રેક અને બેકગ્રાઉન્ડ સ્કોર એ.આર. રહેમાન દ્વારા સંગીતબદ્ધ થયેલા. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની એક મુલાકાતમાં બિગિલ માટે સંગીત કંપોઝ કરવા પર એ. આર. રહેમાને કહ્યું: મેં હોલીવુડમાં સ્પોર્ટ્સની ફિલ્મો માટે સંગીત આપ્યું છે, પરંતુ દક્ષિણ ભારતીય ફિલ્મ માટે આ પહેલીવાર બનશે. એટલી મારા ‘લગાન’ અને ‘પેલે’ જેવી ફિલ્મોના ચાહક છે. તેમણે આ ગીતો અને ધૂનો સાંભળ્યા છે અને તે ખૂબ ઉત્સાહી છે. મને આવા નિર્દેશક સાથે કામ કરવામાં આનંદ આવે છે જે સંગીત કંપોઝિંગમાં પણ સામેલ થાય છે.

રહેમાનની 2020ની અને બીજી કેટલીક આવનારી ફિલ્મોની વાત સાથે આ સિરીઝની પૂર્ણાહુતિ આવતા અંકે….

આજનો વિડીયો

2010 થી 2019નો દશક રહેમાન માટે અવનવા અનુભવ લઈને આવ્યો, તેમાનો એક અનુભવ “ડોક્ટર”ની પદવી મેળવાનો પણ હતો. અમેરિકાની ‘બર્કલી યુનિવર્સીટી’માંથી સંગીત શીખવું એ રહેમાનું સપનું હતું પરંતુ પરિવારની જવાબદારીને કારણે તે પૂર્ણ ન કરી શક્યો. ઈશ્વરની ઈચ્છા હશે એટલે રહેમાનને તે જ યુનિવસિટીમાંથી ડોક્ટરેટની પદવી મળી. અગાઉ આ જ કોલમમાં આ વિષે લખી ચૂક્યો છું.

આજે રહેમાને બર્કલી યુનિવર્સીટીમાં કરેલા પ્રોગ્રામના એક વિડિયોની લિંક અહીં મૂકું છું, આગળના 15 ભાગ જોવાનું ચૂકશો નહીં:

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here