પ્રિવ્યુ: વિદેશમાં સિરીઝ જીત્યા બાદ ભારત અને ઇંગ્લેન્ડ બંને તૈયાર છે!

0
362

ભારતમાં ક્રિકેટ એટલેકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરીથી આવી ગયું છે. કોરોનાની મહામારીને કારણે છેલ્લા એક વર્ષથી ટિમ ઇન્ડિયા ભારતમાં રમી શકી નથી અને લગભગ એક વર્ષ પછી થનારો આ મુકાબલો કોઈ જેવા તેવા હરીફ નહીં પરંતુ જો રૂટની કપ્તાની હેઠળની ટિમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ થવાનો છે. યાદ રહે ઇંગ્લેન્ડની આ ટીમ હાલમાં જ શ્રીલંકાને તેના જ ઘરમાં 2-0થી હરાવીને આવી છે.

તો શું શ્રીલંકાનો ટર્નિંગ પીચ પરનો અનુભવ અને વિજય ઇંગ્લેન્ડને ભારત વિરુદ્ધ પ્લસ પોઈન્ટ આપે છે? અથવાતો શું આપણે એમ કહી શકીએ કે ઇંગ્લેન્ડના શ્રીલંકા સામેના વિજયથી તે ભારત સામે વધુ આત્મવિશ્વાસ સાથે રમી શકે એવી શક્યતાઓ છે?

અહીં આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આ સિરીઝનું પરિણામ આ વર્ષે જુનમાં લોર્ડ્સ ખાતે રમાનારી સર્વપ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં ન્યુઝીલેન્ડના હરીફનું નામ પણ  નક્કી કરવાનું છે. છેલ્લા એક દાયકામાં ઇંગ્લેન્ડ જ એક એવી ટીમ છે જેણે ભારતને ભારતમાં ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું છે. જો કે આ સિરીઝ વિજય ઇંગ્લેન્ડને છેક 2012માં મળ્યો હતો જ્યારે તેણે ભારતને ભારતમાં જ 2-1થી હરાવ્યું હતું.

ત્યારબાદ ટિમ ઇન્ડિયા આખી બદલાઈ ગઈ છે અને ટિમ ઇંગ્લેન્ડ પણ. જો ઇંગ્લેન્ડ શ્રીલંકા સામે સિરીઝ જીતીને આવ્યું છે તો ભારત પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક ઐતિહાસિક સિરીઝ, અને એ પણ અડધા મુખ્ય પ્લેયર્સ વગર જીતીને આવ્યું છે. ઉપર આપણે ઇંગ્લેન્ડ પાસે આ સિરીઝ શરુ થવા અગાઉ કોઈ પ્લસ પોઈન્ટ છે કે નહીં એની વાત કરી તો જો ભારતનો હાલનો સિરીઝ વિજય ધ્યાનમાં લઈએ તો ભારતનો પ્લસ પોઈન્ટ ઇંગ્લેન્ડના પ્લસ પોઈન્ટ કરતાં કદાચ ઘણો મોટો દેખાય છે.

તેમ છતાં, આ સિરીઝ ‘બેઉ બળીયા બાથે વળગ્યા’ જેવી જરૂર બની રહેશે કારણકે ભલે ન્યુઝીલેન્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી ગયું હોય પરંતુ ભારત અને ઇંગ્લેન્ડ ક્રિકેટ વિશ્વની બે સહુથી વધુ મજબૂત ટીમ છે આથી આ સિરીઝ જોવાની મજા પણ જરૂર આવશે અને બંને ટીમ એકબીજાને પછાડવા માટે પોતાનાથી બનતાં તમામ પ્રયાસો જરૂર કરશે તે નક્કી છે.

ચાલો, હવે વિગતવાર જાણીએ અને સમજીએ કે આ સિરીઝ કેવી રહી શકે છે અને તેને જીતવાના બંને ટીમો પાસે કેટલા ચાન્સીઝ છે.

બંને ટીમોની વિગતો

પહેલી બે ટેસ્ટ માટે બંને ટીમોની વિગતો

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), અજીન્ક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, મયંક અગરવાલ, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ઋષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, વૃદ્ધિમાન સહા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાર્દૂલ ઠાકુર.

ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્ટન), ઝાક ક્રોલી, ડેનિયલ લોરેન્સ, ડોમિનિક સિબ્લી, મોઈન અલી, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, રોરી બર્ન્સ, જોસ બટલર, ઓલી પોપ, ડેન ફોક્સ, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન, ડોમિનિક બેસ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ અને ઓલી સ્ટોન.

બંને ટીમોનું બેલેન્સ

પેપર પર ભારતની ટિમ વધુ બેલેન્સ્ડ લાગે છે. ભારતને ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાનું છે એટલે ચારેય ટેસ્ટ્સમાં પીચો સ્પિન ફ્રેન્ડલી જ હશે એમાં શંકા નથી, ઇંગ્લેન્ડ શ્રીલંકા સામે ભલે ટેસ્ટ સિરીઝ ભલે જીત્યું હોય પરંતુ તેના મોટાભાગના બેટ્સમેન શ્રીલંકાના સ્પિનર્સ સામે ખાસ કરીને લસિથ એમ્બુલ્ડેનીયા સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

ભારતની બેટિંગ અને બોલિંગ બંને શ્રીલંકા કરતા હજારગણા મજબૂત છે જેમાં કોઈજ શંકા નથી. ઇંગ્લેન્ડ પાસે કોઈ પરફેક્ટ ગેમ પ્લાન હશે તો જ તે સિરીઝમાં ભારતીય બેટ્સમેનો અને બોલર્સને પરેશાન કરી શકશે, પ્લસ, ભારત જે રીતે ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં જ પોતાની અડધી ક્ષમતા સાથે મજબૂત મનોબળ અને નિર્ધાર સાથે સિરીઝ જીત્યું છે તેને ધ્યાનમાં લઈએ તો તે પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે કેવો દેખાવ કરશે તેની કલ્પના કરી શકાય છે.

પહેલી ટેસ્ટ માટે ભારતીય ટીમની બેટિંગ લાઈનઅપમાં મોટેભાગે કોઈ ખાસ ફેરફાર થાય એવું નથી લાગતું. બેટિંગમાં મયંક અગરવાલને સ્થાને કપ્તાન વિરાટ કોહલી પરત આવશે અને બોલિંગમાં શાર્દૂલ ઠાકુર ઇશાંત શર્માને બહાર રાખીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન બનાવે તો નવાઈ નહીં.

વ્યક્તિગત રીતે ભારત ત્રણ ફાસ્ટ બોલર્સ એટલેકે બુમરાહ, સિરાજ અને ઠાકુર અને બે સ્પિનર્સ અશ્વિન અને કુલદીપ સાથે રમે તે વધુ યોગ્ય લાગે છે. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના બેટ્સમેન લેફ્ટ આર્મ સ્પિનર્સ સામે ક્યારેય સારું નથી રમી શક્યા. લેગ સ્પિનરની ગેરહાજરીમાં કુલદીપ પ્લેયિંગ ઈલેવનમાં સ્થાન પામે એ ખાસ જરૂરી છે, જો એક્સ્ટ્રા બેટ્સમેન રમાડવાની કોહલીની ઈચ્છા હોય તો કુલદીપ માટે એક ફાસ્ટ બોલરનું બલીદાન આપવું પણ  યોગ્ય જ રહેશે. વળી, લસિથ એમ્બુલ્ડેનીયા પણ લેફ્ટ આર્મ સ્પિનર જ છે ને?

ઇંગ્લેન્ડના ટોપ અને મિડલ ઓર્ડરના મોટાભાગના બેટ્સમેનો સિવાય કે જો રૂટ, ભારતીય પીચો પર રમવાનો અનુભવ બિલકુલ ધરાવતા નથી. બેટિંગ માટે ઇંગ્લેન્ડ કેપ્ટન જો રૂટ, ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને વિકેટ કિપર જોસ બટલર પર સહુથી વધુ આધાર રાખશે, રાખવો પડશે. જો કે ઇંગ્લેન્ડની બેટિંગને ઓછી આંકવાનો પણ કોઈ પ્રશ્ન નથી ઉભો થતો કારણકે ક્રિકેટના ઇતિહાસમાં એવું ઘણીવાર બન્યું છે કે બિનઅનુભવી ખેલાડીઓ આશ્ચર્યજનક દેખાવ કરીને ટીમને જીતાડી દેતા હોય છે, આપણે હમણાં ઓસ્ટ્રેલિયામાં જ જોયુંને?

બોલિંગમાં જોફ્રા આર્ચર ટ્રમ્પ કાર્ડ રહેશે. એ એક એવો બોલર છે જે કોઇપણ પીચ પર સારો દેખાવ કરી શકે છે. ભૂતકાળમાં એકાદ-બે ચમકારા સિવાય જીમી એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ આપણી પીચો પર સારા એવા ધોવાયા છે. ઇંગ્લેન્ડના સ્પિનર્સ ડોમિનિક બેસ્સ અને જેક લીચ ભારતીયો માટે નવો અનુભવ હશે. આ બંને સ્પિનર્સ ખાસ્સા ટેલેન્ટેડ છે અને શ્રીલંકાની પીચો પર તેમણે સારો દેખાવ કર્યો પણ છે. પરંતુ દિવસ-રાત સ્પિનર્સ વચ્ચે ઉછરેલા ભારતીય બેટ્સમેનોને આ બંને સ્પિનરો ભાગ્યે જ કોઈ પડકાર આપી શકશે એવું અત્યારે લાગી રહ્યું છે.

વિરાટ અને રૂટની કપ્તાની

વિરાટ કોહલી જેટલો મહાન બેટ્સમેન છે એટલો જ સામાન્ય કપ્તાન છે આથી કપ્તાની બાબતે ઇંગ્લેન્ડ ભારત કરતાં પ્લસ પોઈન્ટ જરૂર ધરાવે છે. વિરાટ કોહલી મહેન્દ્ર સિંહ ધોનીની જેમ પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરતો કેપ્ટન નથી. ભલે તેનો કપ્તાની તરીકેનો રેકોર્ડ સારો રહ્યો હશે પણ તેને ઘણીવાર રમતના વ્હેણમાં વહેતો જોવા મળતો હોય છે. તે અચાનક કોઈ નિર્ણય લઈને સેટ બેટ્સમેનોને ચોંકાવી શકતો નથી.

શ્રીલંકા સામેની હાલની સિરીઝમાં રૂટ આ બાબતે વિરાટની સરખામણીમાં સવાયો જોવા મળ્યો છે. તેની કપ્તાનીમાં શ્રીલંકાએ ઘણી વિકેટો માત્ર સુંદર ફિલ્ડ પ્લેસમેન્ટને કારણે પણ ગુમાવી હતી. આથી ભારતે જો રૂટની કપ્તાનીથી સાવધ રહેવું પડશે. કોહલી પોતાની કપ્તાનીની સ્ટાઈલમાં સુધારો કરે એ પણ જરૂરી છે અને એ એમ કરશે એવી આશા પણ રાખીએ કારણકે હવે તેનો વાઈસ કેપ્ટન આ અંગે ઘણો સારો અનુભવ ધરાવે છે.

સિરીઝના પરિણામ અંગેની  આગાહી

જ્યારે ભારતમાં કોઈ સિરીઝ શરુ થતી હોય ત્યારે તેને જીતવા માટે ભારત જ ફેવરીટ ગણાય છે. ચેન્નાઈની પીચનો ઈતિહાસ સ્પિનરોને મદદ કરનારો છે. હાલમાં રમાયેલી સઈદ મુશ્તાકઅલી ટ્રોફીની ફાઈનલની પીચ જો કોઈ ઉદાહરણ હોય તો અમદાવાદના નવનિર્માણ પામેલા સ્ટેડિયમની પીચ પણ સ્પિન ફ્રેન્ડલી જ હશે એમ માની લઈએ. આ ઉપરાંત અમદાવાદમાં જ્યારે ટેસ્ટ મેચ રમાશે ત્યારે મોટેભાગે ગરમી વધવાની શરૂઆત થઇ ચૂકી હશે અને એટલે પીચ બીજા જ દિવસથી તૂટશે એવી શક્યતાઓ પણ વધુ છે.

ભારત બે સ્પિનર, બે ફાસ્ટ બોલર અને એક ઓલરાઉન્ડર લઈને રમશે તો ઇંગ્લેન્ડ માટે કપરાં ચઢાણ નક્કી જ છે. એ ઓલરાઉન્ડર પાછો વોશિંગ્ટન સુંદર હશે તો પછી ઇંગ્લેન્ડ શું કરશે એ જોવું રહ્યું. ઇંગ્લેન્ડ પણ એમ સાવ સરળતાથી શરણાગતી નહીં જ સ્વીકારે. શ્રીલંકા સિરીઝની જીતે તેને જરૂર મોટો બુસ્ટર ડોઝ આપ્યો હશે. જો ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો તો ઇંગ્લેન્ડ માટે બાકીના કાર્યો સરળ બની શકે છે.

જો રૂટ કોઇપણ પીચ પર સારી બેટિંગ કરી શકે છે અને એવું જ બેન સ્ટોક્સ અને જોસ બટલરનું પણ છે. આ ત્રણેય ભારત માટે પ્રાઈઝ વિકેટ્સ બની રહેશે અને શક્ય છે કે આ ત્રણ જ ઇંગ્લેન્ડ માટે મહત્ત્વના સ્તંભ, સમગ્ર સિરીઝ દરમ્યાન બની રહેશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની સર્વપ્રથમ ફાઈનલમાં રમવા માટે ભારતે આ સિરીઝની ઓછામાં ઓછી બે મેચ જીતવી જરૂરી છે. ઇંગ્લેન્ડ માટે પણ એ લક્ષ્ય સિદ્ધ કરવા લગભગ એજ આંકડો છે. આથી બંને ટીમો પેલું હિન્દી ન્યૂઝ ચેનલોમાં વારંવાર બોલાય છે તેમ એડી ચોટીનું જોર લગાવીને જ આ સિરીઝમાં રમશે.

ભલે ઇંગ્લેન્ડ ફાઈટ આપે પણ ટેસ્ટ સિરીઝ શરુ થવાના આગલા દિવસે તો  ભારત જ આ સિરીઝ 2 કે તેથી વધુ ટેસ્ટ્સ જીતીને ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમવા માટે વધુ ફેવરીટ દેખાય છે.

૦૩ ફેબ્રુઆરી ૨૦૨૧, બુધવાર

અમદાવાદ

તમને ગમશે – ક્રિકેટ: ICC હવે દર મહીને ક્રિકેટર્સનું સન્માન કરશે; એવોર્ડની જાહેરાત

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here