આ આંદોલન ખેડૂતોનું છે જ નહીં અને ક્યારેય હતું પણ નહીં!

0
336

છેલ્લા 70 દિવસોથી એટલેકે બે મહિના અને દસ દિવસથી દિલ્હીના બારણે ખેડૂતોનું આંદોલનના નામે બ્લેકમેઇલ ચાલી રહ્યો છે તે તેના પહેલા દિવસથી જ ક્યારેય ખેડૂતોનું આંદોલન હતું જ નહીં અને તેની સાબિતી દરરોજ મળી રહી છે.

એ વાત હવે સર્વવિદિત છે કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ તેના શાસનકાળમાં કૃષિ સુધારના જે કાયદાઓ હાલની સરકાર લાવી છે તે લાવવાની વકીલાત કરી ચૂકી હતી તેમ છતાં તે ખેડૂતોનું આ કહેવાતું આંદોલન એ જ કાયદાઓના વિરોધનું હોવાનું કહીને તેનું સમર્થન કરી રહી છે. એ જ કોંગ્રેસની ભેળપુરી સરકારમાં એક કૃષિમંત્રી હતા અને ખુદ તે સમયે દેશભરના મુખ્યમંત્રીઓને પત્ર લખીને આ પ્રકારના કૃષિ સુધાર કાયદાઓ ભારત માટે કેમ ફાયદાકારક છે એ જણાવી રહ્યા હતા.

આજે એ જ શરદરાવ પવાર એક સમયે એમના મનપસંદ કૃષિ સુધાર કાયદાઓ સાવ નકામાં છે એમ કહી રહ્યા છે. એક આંકડા પ્રમાણે આ જ શરદ પવારની પાર્ટી જ્યાં સહસત્તા ધરાવી રહી છે તે મહારાષ્ટ્રમાં ગયા એક વર્ષમાં 2000 કરતાં પણ વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેડૂતોનું સન્માન વધે એમને પૂરતી આવક મળી રહે અને તેમને આત્મહત્યા ન કરવી પડે તેનું ધ્યાન રાખતા આ નવા કૃષિ કાયદાઓ હોવા છતાં શરદ પવારને પોતાના જ રાજ્યમાં આત્મહત્યા કરતા ખેડૂતો કરતાં નરેન્દ્ર મોદી સરકારને હટાવવી વધુ યોગ્ય લાગે છે.

આ મામલે ખેડૂતોનું ભલું ઈચ્છતા ખેડૂત આગેવાનો પણ જરાય પાછા પડે એવા નથી. અત્યારે ચાલી રહેલું કહેવાતું ખેડૂતોનું આંદોલન જે લોકો ચલાવી રહ્યા છે તેમાંથી રડી રડીને સહુથી વધુ ધ્યાન ખેંચનારા રાકેશ ટીકૈત હજી થોડા મહિના પહેલા જ નવા કૃષિ કાયદાઓનું સમર્થન કરી ચૂક્યા છે. પરંતુ અચાનક જ તેમનું મન બદલાયું અને કે કૃષિ કાયદાઓને તેઓ હજી સુધી “આ કાયદાઓથી ખેડૂતોનું સ્વપ્ન સાકાર થયું છે” એવું કહેતા હતા તે જ કાયદાઓ તેમને કૃષિ કાયદાઓ હવે ખેડૂત વિરોધી લાગવા લાગ્યા છે.

ટૂંકમાં કહીએ તો એક સમયે જે-જે લોકોને અને સંસ્થાઓને આ કૃષિ કાયદાઓ ખેડૂતો માટે લાભદાયક લાગતા હતા તે 2020નો અંત આવતા અચાનક જ ખેડૂતોનું અહિત કરનારા લાગવા લાગ્યા છે. અમુક વર્ષો અગાઉ જે લોકો આ જ પ્રકારના કાયદાઓ માટે વકીલાત કરી રહ્યા હતા તે જ લોકો હવે તેનો વિરોધ કરવા માટે લોકોને એટલેકે ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે.

ખેડૂતોનું આંદોલન ખરેખર ખેડૂતોનું નહીં પરંતુ કેટલાક અસામાજિક તત્વોનું છે એની શંકા તો પહેલા દિવસથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી અને ધીરેધીરે જે પ્રકારના બનાવો બનવા લાગ્યા તેનાથી એ શંકા પ્રબળ બની અને છેવટે સત્ય બહાર આવવા લાગ્યું. શરુશરૂમાં અહીં ખાલીસ્તાન તરફી સુત્રોચ્ચાર થયા અને દેશના નાગરિકોને શંકા ગઈ કે દાળમાં કશુંક કાળું જરૂર છે.

ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ થયા, પણ તે સહજ લાગ્યું કારણકે જેને સરકારી કાયદાઓથી વાંધો હોય તે જે-તે સરકારના વડાનો વિરોધ કરે તે સ્વાભાવિક છે. પરંતુ એક ડાબેરી પક્ષના નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૃત્યુની પ્રાર્થના આંદોલનના સ્થળે જ કરી. તો પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ખાલીસ્તાન તરફી તેમજ ગુજરાતીઓ વિરુદ્ધ નિવેદન આ જ મંચ પર આપ્યા.

ખેડૂતોનું કહેવાતું આંદોલન અને તેના રહ્યા સહ્યા સન્માન પર ત્યારે સાવ પાણી ફરી વળ્યું જ્યારે ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલીના નામે દિલ્હીમાં ખાલીસ્તાનવાદીઓએ તોફાન મચાવ્યું, એટલુંજ નહીં પરંતુ તેમણે ઐતિહાસિક લાલ કિલ્લાનું પણ અપમાન કર્યું. આટલું ઓછું હોય એમ આ તોફાનીઓએ દિલ્હી પોલીસના શાંત પ્રતિકારને તેની નબળાઈ માનીને સો થી પણ વધુ પોલીસકર્મીઓને ઈજા પહોંચાડી.

આ બધું થયા સુધીમાં દેશના સામાન્ય નાગરીકને ખ્યાલ આવી ગયો હતો કે આ આંદોલન ખેડૂતોનું તો નથી જ. એક મહત્ત્વનો મુદ્દો એ પણ હતો કે કેમ ફક્ત પંજાબ અને હરિયાણાના જ ખેડૂતો આંદોલને ચડ્યા છે? જો આ ભારતના ખેડૂતોનું આંદોલન હોય તો દેખાવો અને પ્રદર્શનો દેશના અન્ય રાજ્યોમાં પણ એટલા જ જોરદાર હોવા જોઈએ જેટલા દિલ્હીમાં છે. પરંતુ એમ ન બન્યું. ઉલટું દેશના મોટાભાગના કિસાન સંઘોએ નવા કૃષિ કાયદાઓનું સમર્થન જ ન કર્યું બલ્કે એવું નિવેદન પણ આપ્યું કે જો કેન્દ્ર સરકાર આ નવા કાયદાઓ પરત લેશે તો તેઓ આંદોલન શરુ કરી દેશે.

કોઇપણ આંદોલન કે દેખાવ હોય તો તેનું નિરાકરણ બંને પક્ષો એક-એક ડગલું પાછળ ખેંચવાથી આવતું હોય છે. પરંતુ કહેવાતા કિસાન નેતાઓ એ માંગણી પર દ્રઢ રહ્યા છે કે આંદોલન પરત ત્યારે જ ખેંચાશે જ્યારે સરકાર ત્રણેય કાયદાઓ પરત લેશે. સરકાર સાથે નહીં નહીં તોય દસ રાઉન્ડની બેઠક ખેડૂત નેતાઓએ કરી. જાણવા મળ્યા અનુસાર સરકારની ત્રણેય કાયદાઓ પર પોઈન્ટ બાય પોઈન્ટ ચર્ચા ન કરતા આ આગેવાનોએ કાયદાઓ રદ્દ કરવાની જિદ્દ પકડી રાખી.

સુપ્રિમ કોર્ટની દખલ બાદ સરકારે ત્રણેય કાયદાઓનો અમલ દોઢ વર્ષ માટે મુલતવી રાખવાની ઓફર પણ કરી જેથી ખેડૂતોને મુક્ત વાતાવરણમાં ચર્ચા કરવાની તક મળે. પરંતુ જેને માત્ર આંદોલન કરવામાં જ રસ હોય તે આ પ્રકારની ભલી ઓફર કેમ સ્વીકારે? ખેડૂતોના નેતાઓનું આ અક્કડ વલણ પણ એ સાબિત કરવા લાગ્યું કે તેમને માત્ર આંદોલન કરવામાં જ રસ છે. ખેડૂતોનું હિત મનમાં હોવાની વાત કરતા આ નેતાઓ બે રાજ્યોના ખેડૂતો આંદોલન બંધ કરીને ખેતીએ વળગે અને તેમને લાભ થાય એ વાત કરવા જ તૈયાર નથી. આ ઉપરાંત રાકેશ ટીકૈત દ્વારા બે વખત ખેડૂતોનું આંદોલન ક્યાં સુધી ચાલશે તે સમય પણ કહેવામાં આવ્યો. પહેલાં કહ્યું કે માર્ચ 2024 એટલેકે આવતી લોકસભા ચૂંટણી સુધી આ આંદોલન ચાલુ રહેશે અને ગઈકાલે તેમણે એમ કહ્યું કે આંદોલન આ ઓક્ટોબર સુધી ચાલશે. આ ઉપરાંત ટીકૈત એમ પણ કહી ચૂક્યા છે કે હજી તો કાયદાઓ પરત માંગ્યા છે, જ્યારે ગાદી પરત માંગીશું ત્યારે શું થશે?

એટલે એજન્ડા સ્પષ્ટ છે જ્યાં સુધી નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં છે ત્યાં સુધી આંદોલન ચાલતું જ રહેશે, કદાચ 2024 પછી પણ!

ખાલીસ્તાની તત્વો આંદોલનમાં સામેલ છે એનો ખ્યાલ તો ઘણા સમયથી છે પરંતુ બે દિવસ પહેલાં જે ઘટના બની તેણે મોટાભાગના ભારતીયોની આંખો ખોલી તો નાખી જ પરંતુ તેને પહોળી પણ કરી દીધી. પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગે ભૂલથી ટ્વિટર પર ગૂગલ ડોક્સની એક લીંક શેર કરી દીધી જેમાં ભારતમાં ખેડૂતોનું આંદોલન છે એમ કહીને અરાજકતા અને તોફાનો ફેલાવવાનું અગાઉથી જ નક્કી હોય એવું કાવતરું પણ ખુલ્લું પડી ગયું.

આ કાવતરામાં અમેરિકન સ્ટાર રિહાના, ગ્રેટા થનબર્ગ પોતે, પોર્નસ્ટાર મિયા ખલીફા અને અન્ય એવી ઘણી સેલીબ્રીટીઝ સામેલ હતી જેમને ભારત સાથે સીધેસીધી લેવા ન કર દેવા હોય તેમણે ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરી હતી. પરંતુ ગ્રેટા દ્વારા વાટવામાં આવેલા ભાંગરાથી એટલો ખ્યાલ તો આવી ગયો કે અમુક ચોક્કસ તારીખોએ આ પ્રકારની ટ્વિટ કરવાનું તેમને અગાઉથી જ કહી દેવામાં આવ્યું હતું.

આ બધી હકીકતોથી એ સાબિત થાય છે કે દિલ્હીના ચોરે ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન ક્યારેય તેમનું આંદોલન હતું જ નહીં. જો એવું હોત તો કિસાન નેતાઓ તેમની માંગણીમાં ઢીલ મુકત કારણકે કોઇપણ સરકાર સંસદની મંજૂરીથી પસાર થયેલા કાયદાઓ એમ સરળતાથી પરત નથી લેતી હોતી. બીજું, ખેડૂતોના મોટાભાગના સંગઠનો જ્યારે નવા કૃષિ કાયદાઓ ફાયદાકારક હોવાનું કહેતા હોય ત્યારે બે-ત્રણ રાજ્યના ખેડૂતોની જીદ ક્યાં સુધી માનવાની રહે?

જે આંદોલનમાં ભારત વિરોધી, દેશના વડાપ્રધાનના મૃત્યુની માંગણી કરતા, રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા કે પછી દેશની એક ખાસ પ્રજાતિનું અપમાન કરતા સુત્રો બોલવામાં આવે કે નિવેદનો આપવામાં આવે તે કઈ રીતે ખેડૂતોનું આંદોલન હોઈ શકે? અને ગ્રેટાના ગ્રેટ બફાટ બાદ તો આ આંદોલન ખેડૂતોનું નથી, નથી અને નથી જ.

સવાલ એ છે કે આંદોલનકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવા માટે પહેલેથી જ અસહમત એવી કેન્દ્ર સરકાર કે પછી આ આંદોલનકારીઓ, સોરી તોફાનીઓ, બંનેમાંથી કોણ સહુથી પહેલાં મચક આપશે?

૦૫ ફેબ્રુઆરી ૨૦૨૧, શુક્રવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here