તમારામાંથી ઘણા લોકો, પુસ્તકોને લઈને 2 પ્રકારના પ્રેમીઓ હશે. એક છે, વાંચનપ્રેમીઓ અને બીજા હોય છે, પુસ્તકપ્રેમીઓ. આ બંને પ્રેમીઓનો સામાન્ય પ્રેમ એટલે કે પુસ્તકો અને પુસ્તકોના ઘર, પુસ્તકાલય એ બંને માટે જાણે સ્વર્ગ સમાન હોય છે.
પુસ્તકાલયમાં બેસીને વાંચવું કે લખવું એ એક અનોખો અનુભવ હોય છે. હજારો પુસ્તકો અને તેમની સુગંધ વચ્ચે રહીને, દિલ-દિમાગ માટે એકદમ શાંત એવા વાતાવરણમાં બેસીને, એ સ્થાપત્ય સાથે એક અલગ સંબંધ બંધાતો હોય છે.
એમ તો છેક ઈ.સ. પૂર્વે 7મી સદીથી પુસ્તકાલય સાથે ઇતિહાસ જોડાયેલો છે, પરંતુ છેલ્લા 500 વર્ષોમાં વિશ્વમાં માનવીય સાંસ્કૃતિક વિકાસને લઈને થયેલ ક્રાંતિમાં અમૂલ્ય સાંસ્કૃતિક વારસો જાળવવા અઢળક અને અજોડ પુસ્તકાલયો ઊભા કરવામાં આવ્યા છે.
ફક્ત ભારતની જ વાત કરવામાં આવે તો, એક આંકડા અનુસાર દેશમાં કુલ 54,851 સાર્વજનિક પુસ્તકાલયો છે. જેમાંથી 30 રાજ્ય-કેન્દ્રીય પુસ્તકાલયો, 40 પ્રાદેશિક અને વિભાગીય પુસ્તકાલયો, 364 જિલ્લા પુસ્તકાલયો, 4658 શહેર કે નગરના ગ્રંથાલયો અને 49758 ગામડાઓમાં આવેલા પુસ્તકાલયો છે.
ભારત તેના સાંસ્કૃતિક ઇતિહાસ અને વૈવિધ્યસભર વારસા માટે જાણીતું છે. આ વારસારૂપ મળેલા ઘણા ઐતિહાસિક ઈમારતોને પણ તે વારસાના પ્રતિક તરીકે પુસ્તકાલયોમાં બદલવામાં આવ્યા છે.
ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમમાં, ભારતમાં આવેલા પુસ્તકાલયો ઘણા લોકોને પ્રેરણા આપે છે. દેશમાં ઘણા એવા પુસ્તકાલયો છે જે વિશ્વના અન્ય મોટા નામ ધરાવતા પુસ્તકાલયો કરતાં મોખરે છે. પરંતુ આ વાતથી વિદેશના તો ખરા જ, દેશના લોકો પણ અજાણ છે.
અહીં અમે ભારતની 9 પ્રતિભાશાળી લાઇબ્રેરીઓ વિષે માહિતી રજૂ કરી છે. જે તમને તેમની ભવ્ય કલાત્મક સ્થાપત્ય રચનાઓ સાથે સાથે સાહિત્યિક બાબતોના સંગ્રહથી પણ મોહિત કરશે.
- સરસ્વતી મહલ લાઇબ્રેરી (Saraswathi Mahal Library)

- ભારતના સૌથી સુંદર પુસ્તકાલયોમાંથી એક સરસ્વતી મહલ લાઇબ્રેરી છે.
- જે ભારતના તમિલનાડુના થંજાવુરમાં આવેલી છે.
- એશિયાના સૌથી જૂના પુસ્તકાલયોમાંથી એક તરીકે જાણીતા આ પુસ્તકાલયમાં ખૂબ જ અજોડ કહેવાતા વિવિધ હસ્તપ્રતોનો, વિવિધ ભાષાઓમાં ખજૂરનાં પાન પર લખાયેલ સંગ્રહ સાચવવામાં આવ્યો છે.
- તેમાં તમિલ, હિન્દી, તેલુગુ, મરાઠી વગેરે જેવી ભારતીય ભાષાઓમાં લખાયેલા પ્રાચીન ચર્મપત્રના કાગળોનો સંગ્રહ પણ છે.
- 60,000થી પણ વધુ ઓનલાઇન વોલ્યુમો દર્શાવવામાં આવ્યા છે, જેમાં કેટલાક ક્લાસિક અને પ્રાચીન ભાગો છે જે મુખ્યત્વે ભારતના ઇતિહાસ સાથે સંબંધિત છે.
- પૂર્વે જાણ કરીને આ દુર્લભ વોલ્યૂમ્સ જોવાનુ પુસ્તકાલયમાં જ ગોઠવી શકાય છે.
- આ પુસ્તકલયના ઇતિહાસ પ્રમાણે એમ કહેવામાં આવે છે કે, આ પુસ્તકાલયનો થંજાવુરના નાયક રાજાઓ દ્વારા તેમના શાસન 1535 થી 1675 AD દરમ્યાન ખાનગી ઉપયોગ માટે ‘રોયલ લાઇબ્રેરી’ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
- રઝા લાઇબ્રેરી (Raza Library)

- દૂરથી જોતાં જ જાણે કોઈ શોખીન રાજાનો મહેલ લાગતી આ ઈમારત એક સરકાર સુરક્ષિત સ્મારક એવી ‘રઝા લાઇબ્રેરી’ સમૃદ્ધ અને અતિભવ્ય દેખાવ ધરાવે છે.
- મૂળ રામપુર શહેરમાં એક મહેલના ભાગ રૂપે બનાવવામાં આવેલું આ પુસ્તકાલય ખરેખર મહેલ જેવું લાગે છે.
- લાઇબ્રેરી સંગ્રહ પણ લાઇબ્રેરી આર્કીટેક્ચરની જેમ જ વિશિષ્ટ છે.
- લગભગ 17,000 દુર્લભ હસ્તપ્રતો, 5000 લઘુચિત્ર પેઇન્ટિંગ્સ અને 205 હાથથી લખેલી પામના પત્તાઓની હસ્તપ્રતો છે.
- તમિલ, ટર્કીશ, ઉર્દૂ, સંસ્કૃત, હિન્દી વગેરે જેવી વિવિધ ભાષાઓમાં આશરે 30,000 પુસ્તકો સાથે આ પુસ્તકાલય તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ તેના સંગ્રહની દ્રષ્ટિએ ખૂબ જ આકર્ષક છે.
- અલ્હાબાદ પબ્લિક લાઇબ્રેરી (Allahabad Public Library)

- ‘થોર્નહિલ મેને મેમોરિયલ’ તરીકે પણ ઓળખાતી ‘અલ્હાબાદ પબ્લિક લાઇબ્રેરી’ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં સ્થિત છે.
- તેને ઉત્તર પ્રદેશ રાજ્યનું સૌથી મોટું પુસ્તકાલય માનવામાં આવે છે.
- આ લાઇબ્રેરીની સ્થાપના વર્ષ 1864 માં કરવામાં આવી હતી.
- આ પુસ્તકાલય તેના સ્કોટ્ટીશ બેરોનિયલ આર્કિટેક્ચરથી લોકોની નજર ખેંચાય એમ બંધાયેલું છે.
- આશરે 1,25,000 પુસ્તકો, 40 પ્રકારનાં સામયિકો અને 28 અખબારો સાથે પુસ્તકાલયમાં 21 અરબી હસ્તપ્રતો હોવાનું પણ જાણવા મળે છે.
- અલ્હાબાદમાં ફરવા જેવા સ્થાનોમાંનું એક, આ પુસ્તકાલય ખરેખર ભારતના સુંદર પુસ્તકાલયોમાંનું એક છે.
- કોન્નેમારા પબ્લિક લાઇબ્રેરી (Connemara Public Library)

- ચેન્નાઈની એકદમ મધ્યમાં ઇગમોર ખાતે સ્થિત આ પુસ્તકાલયની સ્થાપનાને વર્ષોના વર્ષો થઈ ગયા છે.
- મોટાભાગના ચેન્નાઈ રહેવાસીઓ આ લાઇબ્રેરી સાથે યાદગાર પળોથી જોડાયેલ છે. કારણ કે, આ કદાચ ચેન્નાઈનું પ્રથમ એટલે કે સૌથી જૂનું પુસ્તકાલય છે.
- દેશની ચાર રાષ્ટ્રીય ડિપોઝિટરી લાઇબ્રેરીઓમાંથી એક, ‘કોન્નેમારા સાર્વજનિક પુસ્તકાલય’માં ફક્ત આપણા રાષ્ટ્ર અને ઇતિહાસ વિશેના મહત્વપૂર્ણ પુસ્તકો જ નથી, પરંતુ તેમાં બાળકોની વાર્તાઓથી લઈને આત્મકથાઓ સુધીના પણ ઘણા પુસ્તકો છે.
- UN માટે ડિપોઝિટરી લાઇબ્રેરી તરીકે જાણીતી આ લાઇબ્રેરીમાં સદીઓ જૂનું પ્રકાશન સંગ્રહ છે.
- 1890 માં સ્થપાયેલ આ લાઇબ્રેરીમાં 7,70,000 પુસ્તકો, 3500 સામયિક અને 160 અખબારો છે.
- શેષાદ્રી મેમોરિયલ લાઇબ્રેરી (Seshadri Memorial Library)

- વર્ષ 1999-2000માં ભારતની શ્રેષ્ઠ સેન્ટ્રલ લાઇબ્રેરી માટેના ‘રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન એવોર્ડ’ના વિજેતા, શેષાદ્રી મેમોરિયલ લાઇબ્રેરી તેના આકર્ષક સ્થાપત્ય તેમજ તેના અગણિત પુસ્તક સંગ્રહ એમ બંને માટે જાણીતું છે.
- 3,00,000 થી પણ વધુ પુસ્તકો અને એક વિશેષ બ્રેઇલ વિભાગ સાથે, આ લાઇબ્રેરી એ બેંગ્લોરના દરેક પુસ્તક પ્રેમી માટે સ્વર્ગ સમાન છે.
- અહી આકર્ષક આર્કિટેક્ચર અને લીલીછમ લીલોતરી ચેન્નાઈની કોન્નેમારા લાઇબ્રેરી જેવી જ છે.
- 1915માં સ્થાપિત, આ લાઇબ્રેરીમાં હજી પણ દરરોજ 400-500 મુલાકાતીઓ આવે છે. આ જ ઇમારતમાં ‘ઇંદિરા પ્રિયદર્શિની ચિલ્ડ્રન્સ લાઇબ્રેરી’ પણ છે.
- સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી ઓફ હૈદરાબાદ (State Central Library of Hyderabad)

- તેલંગાણામાં સ્થિત, આ રાજ્ય કેન્દ્રીય પુસ્તકાલયનું નિર્માણ વર્ષ 1891માં નવાબ ઇમાદ-ઉલ-મુલ્ક દ્વારા કરાયું હતું.
- લગભગ એક સદી પછી, તેને વર્ષ 1998માં સાંસ્કૃતિક વારસાનો દરજ્જો મળ્યો હતો.
- 72,247 ચોરસ યાર્ડના વિસ્તાર સાથે, પુસ્તકાલયનું આર્કિટેક્ચર એક મોટા મહેલ જેવું લાગે છે.
- લાઇબ્રેરીના વિશાળ હૉલ અને ઉંચી છત એકદમ પ્રભાવશાળી અને મુલાકાતીઓને આકર્ષક લાગે છે.
- આ પુસ્તકાલયમાં 5,00,000 પુસ્તકો ઉપરાંત સામયિકો અને પામના પત્તાઓ પરના હસ્તપ્રતો પણ છે.
- આ ભારતની ખૂબ ઓછા પુસ્તકાલયોમાંથી એક છે કે, જેમાં અરબી, પર્શિયન અને ઉર્દૂ હસ્તપ્રતો છે.
- ત્રિવેન્દ્રમ પબ્લિક લાઇબ્રેરી (Trivandrum Public Library)

- સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી તરીકે પણ ઓળખાતી, ત્રિવેન્દ્રમ પબ્લિક લાઇબ્રેરી એ ભારતનું પ્રથમ જાહેર પુસ્તકાલય છે.
- વર્ષ 1829 માં સ્થાપિત આ પુસ્તકાલયમાં ખાસ કરીને મલયાલમ ભાષામાં વિવિધ પ્રકારના સાહિત્ય સંગ્રહ છે.
- ત્રાવણકોરના રાજા સ્વાધી થિરુનલના શાસનકાળ દરમિયાન બનેલ, આ લાઇબ્રેરી ‘ત્રિવેન્દ્રમ પીપલ્સ લાઇબ્રેરી’ તરીકે પણ ઓળખાય છે.
- વારસાના ભાગરૂપે બનેલા આ સ્થાપત્ય ધરાવતા પુસ્તકાલયના કેમ્પસમાં બાળકોની એક અલગ લાઇબ્રેરી છે.
- આર્કિટેક્ચરના ક્લાસિક લાલ ઇંટના મોડેલ સાથે, આ લાઇબ્રેરીની ઇમારતો સાંસ્કૃતિક વારસાને અહેમ રાખે છે.
- ડેવિડ સસૂન લાઇબ્રેરી (David Sassoon Library)

- મુંબઇની મધ્યમાં સ્થિત, આ પુસ્તકાલય એક પ્રખ્યાત સાહિત્યિક અને વારસો ધરાવતું સ્થળ છે.
- ભારત સરકાર દ્વારા સુરક્ષિત 145 સ્મારકોમાંથી એક, આ પુસ્તકાલય મુંબઇના સૌથી પ્રાચીન પુસ્તકાલયોમાંથી એક છે.
- પુસ્તકાલયનો પાછલો ભાગ એક વિશાળ, લીલોછમ બગીચો છે, જે તમને તમારા મનપસંદ પુસ્તક સાથે, શહેરના વ્યસ્ત જીવનને ભૂલીને, અહી શાંતપણે વાંચનમાં ડૂબવાનો સમય આપે છે.
- પીળા મલાડ પથ્થરનો ઉપયોગ કરીને બનેલ, આ લાઇબ્રેરી અંગ્રેજી શૈલીનું એક આગવું સ્થાપત્ય છે.
- શરૂઆતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા મિકેનિક્સને સમર્પિત એક સંપૂર્ણ સંસ્થા બનવાનો હેતુસર આ લાઇબ્રેરીને ‘ધ સસૂન મિકેનિક સંસ્થા’ તરીકે નામ આપવામાં આવ્યું હતું.
- જો કે, ભંડોળની અછતને કારણે, લાઇબ્રેરીનું નામ ત્યારબાદ ‘ડેવિડ સસૂન લાઇબ્રેરી’ રાખવામાં આવ્યું હતું.
- એશિયાટીક સોસાયટી ઓફ મુંબઇ લાઇબ્રેરી (Asiatic Society of Mumbai Library)

- આ ઇમારત તમને તેના આકર્ષક આર્કિટેક્ચરથી અચંબો પમાડે તેવું છે.
- 2,00,000 થી વધુ પુસ્તકોના સંગ્રહ સાથે, આ પુસ્તકાલયમાં વિવિધ ભાષાઓમાં 20,000 દુર્લભ પુસ્તકો પણ છે.
- ભવ્ય હોલના ભવ્ય પગથિયાઓ જોઈને જ મો ખૂલું રહી જાય એવું સ્થાપત્ય ધરાવે છે આ લાઈબ્રેરી.
- અહી સંગ્રહ ફક્ત પુસ્તકો સુધી જ મર્યાદિત નથી; પરંતુ સામયિકો, હસ્તપ્રતો, સિક્કાઓ વગેરેમાં પણ બહોળા પ્રમાણમાં ફેલાયેલો હોવાથી પુસ્તકાલય ખરેખર બધા સાહિત્યિક અને ઇતિહાસપ્રેમીઓનો ખજાનો છે.
- એશિયાટીક સોસાયટી તેના હોલ્ડિંગમાં ‘સોપરા અવશેષો’ પણ રાખે છે.
- ટૂંકમાં, આ સ્થાન સાહિત્ય, કળા, ઇતિહાસ અને પુરાતત્વવિદ્યા પ્રેમીઓ માટેનું એક ઉત્તમ સ્થળ છે.
તમને ગમશે: ભારતમાં આવેલા આ 7 પુલ જે વિદેશીઓ માટે મોટા આકર્ષણ છે
eછાપું