VIDEO: જુનાગઢ શહેરની મધ્યમાં આવેલી એક સ્ટાર હોટલમાં સિંહ પ્રવેશ્યો

0
425

આમ તો જુનાગઢ શહેરની નજીક આવેલા ગિરનાર પર્વત અને તેની તળેટી સુધી સિંહ આવ્યાના ઉદાહરણો ભૂતકાળમાં જોવા મળ્યા છે પરંતુ ફક્ત બે દિવસ અગાઉ બનેલી ઘટના જુનાગઢવાસીઓને ચિંતા કરાવી દે તેવી છે.

જુનાગઢ: આમ તો એશિયાટિક લાયન્સનું ઘર ગીર-સોમનાથ જીલ્લા તેમજ જુનાગઢ જીલ્લામાં આવેલા ગીરનું જંગલ જ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સિંહ તેમના નિયત વિસ્તારની બહાર નીકળ્યા હોવાના દાખલાઓ આપણી સામે આવ્યા છે.

લગભગ દોઢથી બે વર્ષ પહેલા ગીરના સિંહો છેક સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુધી પહોંચ્યા હોવાના પુરાવા પણ મળ્યા હતા.

તાજી ઘટના જો કે જુનાગઢવાસીઓને ચિંતા કરાવે તેવા છે કારણકે બે દિવસ અગાઉ એક સિંહ જુનાગઢ શહેરની મધ્યમાં આવેલી એક હોટેલના પ્રિમાઈસીસ સુધી પહોંચી ગયો હતો.

જો કે આ સિંહ આ હોટેલના વિસ્તારમાં ફક્ત બે મિનીટ જ રહ્યો હતો પરંતુ તેમ છતાં આ સમાચાર ચિંતા પહોંચાડે તેવા તો છે જ.

8 ફેબ્રુઆરીની વહેલી સવારના 5 વાગ્યાના તુરંત બાદ એક સિંહ જુનાગઢની બેલવ્યુ સરોવર પોર્ટીકો હોટલનો દરવાજો કૂદીને પ્રવેશ્યો હતો અને ત્યારબાદ લગભગ બે મિનીટ હોટેલની પરસાળમાં ચક્કર મારીને ત્યાંથી જતો રહ્યો હતો.

ઉપરોક્ત હોટલ માત્ર જુનાગઢ શહેરની મધ્યમાં જ નથી આવી પરંતુ તે જુનાગઢ રેલવે સ્ટેશનથી ફક્ત 400 મીટર જ દૂર આવી છે.

વહેલી સવારનો સમય હોવાથી હોટલમાં રહેલા ગેસ્ટ નિંદ્રામાં હશે તેવું માની શકાય છે અને માર્ગ પરનો ટ્રાફિક સામાન્યતઃ ચાલી રહ્યો હોવાનું પણ વિડીયોમાં જોઈ શકાય છે.

આ હોટલના CCTVમાં આ આખી ઘટના રેકોર્ડ થઇ ગઈ છે, જેમાં જોવા મળે છે કે હોટલનો સિક્યોરીટી ગાર્ડ પણ કદાચ હોટલમાં સિંહના આગમનથી જાણકાર છે અને તે અંદર હોટલમાં તેની જાણ પણ ઇન્ટરકોમ દ્વારા કરી રહ્યો છે.

સિંહના હોટલમાંથી પલાયન કર્યા બાદ આ સિક્યોરીટી ગાર્ડ પોતાની ખુરશી પરથી ઉભો થઇ ને તેને દૂર જતાં જોઈ રહ્યો હોવાનું પણ આ વિડીયોમાં જોવા મળે છે.

જુનાગઢ ખાતે આવેલા વન વિભાગે પણ આ ઘટના ઘટી હોવાની પુષ્ટિ કરતાં કહ્યું છે કે ભવિષ્યમાં આવું કશું બને તો તુરંત જ નાગરિકોએ વિભાગને તેના કંટ્રોલ રૂમના નંબર +912852633700 પર સંપર્ક કરવો.

વન વિભાગ આ સિંહ ભૂલવશ શહેરમાં આવી ગયો હોવાનું પણ કહી રહ્યું છે અને વિભાગને જરૂર સમયે ઉપરોક્ત નંબર પર સંપર્ક દ્વારા મદદ કરી ભવિષ્યમાં માનવ-વનજીવન વચ્ચેનો સંઘર્ષ ટાળી શકાય છે તેમ ઉમેર્યું છે.

તમને ગમશે – આનંદો: સૌરાષ્ટ્રના સાસણમાં સાવજનું શાસન વધુ વ્યાપક બન્યું!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here