दिल से रेहमान (14): ‘સ્વદેસ’ના ‘ગુરુ’ની ‘127 hours’ જ નહીં, હંમેશા ‘જય હો’!

0
358

સન 2017ના અંત સુધીમાં રહેમાને પોતાની એક ફિલ્મ ’99 સોન્ગ્સ’ની તૈયારી શરૂ કરી. આ ફિલ્મ રહેમાનની એક નિર્માતા તરીકે પહેલી ફિલ્મ છે. આ ફિલ્મના નિર્દેશક વિશ્વેશ કૃષ્ણમૂર્તિ અને રહેમાને મળીને આ ફિલ્મને એક અલગ જ મુકામ આપવાનું નક્કી કર્યું. રહેમાનને આ ફિલ્મ માટે અને ગીતો માટે અદભૂત અને જોવાલાયક સ્થળો જોઈતા હતા. તે માટે પોતાના નિર્દેશકને રહેમાને કહ્યું:

Something that looks like no other Indian film. Let’s take the risks and make it something very special, very different. We need to have balls. Sorry for the language, but that’s what we need. We gotta have balls.

મોટી મહત્વકાંક્ષા હોવી એ ખોટી વાત નથી અને આ મહત્વકાંક્ષા પ્રશંસાપાત્ર હતી, પરંતુ વ્યવહારિક નહોતી. કેનેડા સ્થિત આઈડિયલ એન્ટરટેઇન્મેન્ટ નામની કંપની પાસે નાના-બજેટની ફિલ્મો બનાવી શકાય તેટલું ભંડોળ હતું. જો કે, જ્યારે તેઓ રહેમાન સાથે સંપર્કમાં આવ્યા, ત્યારે પોતાનું લગભગ બધું ભંડોળ ’99 સોન્ગ્સ’ ફિલ્મ માટે વાપરવાનું નક્કી કર્યું. તેમ છતાં ફિલ્મ માટે એક નિયત બજેટ જ હતું અને રહેમાન સાથે સ્પષ્ટ રીતે નકકી થયું કે આ મર્યાદાથી વધુ વાપરી નહીં શકાય.

રહેમાનના કેટલાક ગંભીર વિચારોને અમલમાં મૂકતી વખતે વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો થયો અને ઓછા ખર્ચાળ વિકલ્પો દ્વારા પણ ફિલ્મને ભવ્ય બતાવી શકાશે એવું નક્કી થયું. દાખલા તરીકે, રહેમાન મૂળ રીતે બેંગકોકની એક બિલ્ડિંગમાં શૂટિંગ કરવા માંગતો હતો તે પેન્ટહાઉસને બદલે સેમ-ટુ-સેમ સેટ મુંબઈની સેન્ટ રેજીસ હોટેલમાં બનાવવામાં આવ્યો, જેની ગુણવત્તામાં કોઈ ખોટ નહોતી. તે જ પ્રમાણે રહેમાન શરૂઆતમાં તેની ફિલ્મના કેટલાક ભાગને પેરિસમાં શૂટ કરવા ઈચ્છતો હતો, પરંતુ અંતે યુક્રેનની રાજધાની કિવમાં શૂટિંગ કરવા માટે રાજી થયો.

માર્ચ 2017 માં રાજસ્થાનના અજમેરમાં ’99 સોન્ગ્સ’ ફિલ્મના ગીતોનું શૂટિંગ શરૂ થયું. રહેમાનની જીદ્દ હતી કે શૂટિંગની શરૂઆત આ જ શહેરમાં થાય કારણ કે અજમેર શહેરમાં રહેમાન માટે ખૂબ જ પવિત્ર સુફી ધર્મસ્થાન છે: મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ! રહેમાન પર્શિયન સુફી સંતનો એક ભક્ત છે. તે જ કારણે રહેમાન પોતે ’99 સોન્ગ્સ’ ફિલ્મના મુખ્ય અભિનેતા એહાન ભટને દરગાહ પર લઈ ગયો અને તેની સફળતા માટે પ્રાર્થના કરી.

ત્યારબાદનું શૂટિંગ બીજા રાજસ્થાની શહેર ઉદયપુરમાં કરવામાં આવ્યું. મહારાણા અરવિંદ સિંઘ મેવાડ (ઉદયપુર શહેરના અભિરક્ષક – custodian) રહેમાનના કામના મોટા પ્રશંસક હતા અને તેમના જ કારણે શહેરના ઘણા ભાગોમાં ’99 સોન્ગ્સ’ની ટીમને શૂટિંગ કરવાનું સરળ બન્યું. રહેમાન પણ શૂટિંગના ત્રણેય દિવસ ઉદયપુર ખાતે હાજર રહ્યો.

આ ફિલ્મ એક સંઘર્ષશીલ ગાયકની કલા અને આત્મ-શોધ વિશેની વિષયાસક્ત ફિલ્મ છે જે એક સફળ સંગીતકાર બનવા માંગે છે. આ ફિલ્મ આ જ નામથી તામિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રજૂ કરવામાં આવશે.

રહેમાને આ ફિલ્મ દિગ્દર્શક તરીકે ઓફર કરતા પહેલા વિશ્વેશ સાથે જાહેરાતોમાં સાથે કામ કર્યું હતું. વિશ્વેશ એક સંગીતકાર પણ છે અને મુંબઈ સ્થિત હાર્ડકોર બૅન્ડ Scribe માટે પણ જાણીતો છે.

’99 સોન્ગ્સ’ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર 24મા દક્ષિણ કોરિયાના ‘બુસન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ’માં યોજાયું, જ્યાં આ ફિલ્મ 9 ઓક્ટોબર 2019 ના રોજ ‘ઓપન સિનેમા’ કેટેગરીમાં રજૂ કરવામાં આવી હતી.

રહેમાને આશુતોષ ગોવારીકરની 2016 ની ફિલ્મ ‘મોહેં-જો-દડો’ નું સંગીત પૂરું કર્યા પછી આ ફિલ્મનું નિર્માણ કાર્ય શરૂ કર્યું અને તે વખતે રહેમાને એહાન ભટ વિષે પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખેલું:

પાછલા કેટલાક વર્ષોથી, અમે આશરે 1000 જેટલા ઓડિશન્સ લીધા છે જેથી અમને યોગ્ય છોકરો અને છોકરી મળી શકે. મને લાગે છે કે અમે એવા ખાસ લોકોને શોધી લાવ્યા છે જે સ્ક્રીન પર તાજગી અને પ્રતિભા દેખાડશે.

ફિલ્મના હીરો એહાન ભટને ચેન્નઈમાં રહેમાનની કે.એમ. મ્યુઝિક કન્ઝર્વેટરીમાં પિયાનોની તાલીમ આપવામાં આવી અને અભિનયની તાલીમ માટે લોસ એન્જલસમાં કોચ બર્નાર્ડ હિલર પાસે મોકલવામાં આવ્યો.

’99 સોન્ગ્સ’ ફિલ્મ ડોલ્બી એટોમસ ટેક્નોલોજીમાં રજૂ થનાર પ્રથમ ભારતીય સાઉન્ડટ્રેક આલ્બમ બન્યો. ફિલ્મનું થીમ ગીત “ધ ઓરેકલ” વેલેન્ટાઇન ડે (14 ફેબ્રુઆરી)ના રોજ રજૂ થયું હતું. ત્યારબાદ “જ્વાલામુખી”, “તેરી નજર” અને બીજા ગીતો માર્ચ મહિનામાં રિલીઝ થયા હતા. ફિલ્મમાં કુલ ૧૪ ગીતો છે.

***

હવે વર્ષ 2020માં આવેલી બે ફિલ્મોની વાત: ‘દિલ બેચારા’ અને ‘શિકારા’!

‘દિલ બેચારા’ એક રોમાન્ટિક ફિલ્મ છે જેનું દિગ્દર્શન મુકેશ છાબરા દ્વારા કરવામાં આવ્યું અને તેને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્હોન ગ્રીનની 2012 ની નવલકથા The Fault in Our Stars પરથી બનેલી આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘી મુખ્ય ભૂમિકામાં અને સૈફ અલી ખાન મહેમાન કલાકાર તરીકે દેખાયા.

ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ 2014 માં ભારતીય અનુકૂલન માટે આ ફિલ્મના અધિકારો હસ્તગત કર્યા, ત્યારબાદ ચાર વર્ષ સુધી કાસ્ટિંગ અને પટકથામાં સમય ગયો. છેવટે જૂન 2018 ના અંતમાં ‘કિઝી ઔર મૅની’ નામના શીર્ષક હેઠળ ફિલ્મીકરણ શરૂ થયું. આ ફિલ્મનું શૂટિંગ જમશેદપુર, રાંચી, મુંબઈ અને ફ્રાન્સના પેરિસમાં (છેલ્લા એક દ્રશ્ય માટે જ) થયું. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત અને ગીતો રહેમાન દ્વારા સંગીતબદ્ધ થયા.

ફેબ્રુઆરી 2019 માં, ફિલ્મનું નામ બદલીને ‘દિલ બેચારા’ રાખવામાં આવ્યું, કારણ કે રહેમાને આ ફિલ્મમાં “દિલ બેચારા” નામના એક ગીતનો સમાવેશ કર્યો હતો. મુકેશ છાબરા રહેમાનની ફિલ્મ ’99 સોન્ગ્સ’ માટે કાસ્ટિંગ ડિરેક્ટર હતા અને તે દરમિયાન જ ‘દિલ બેચારા’ ની સ્ક્રિપ્ટ રહેમાનને સંભળાવી હતી. રહેમાન ફિલ્મને સંગીતબદ્ધ કરવા ફક્ત પાંચ જ મિનિટમાં જ સહમત થઈ ગયો. આ ફિલ્મ માટે રેકોર્ડ કરેલા ગીતોમાંથી “મેં તુમ્હારા” ગીત સૌથી પહેલા રેકોર્ડ કર્યું અને “મસ્કરી” સૌથી છેલ્લું હતું.

ફિલ્મના થિયેટર પ્રકાશનને પોસ્ટ-પ્રોડક્શનમાં વિલંબ અને કોવિડ-19 રોગચાળાને કારણે વાર લાગી. એવામાં ગરીબીમેં આંટા ગીલા કહેવતને સાર્થક હોય તેમ ફિલ્મના હીરો સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 ના રોજ અચાનક અવસાન થયું. પરિણામ સ્વરૂપે આ ફિલ્મ ડિઝની + હોટસ્ટાર સ્ટ્રીમિંગ સેવા પર 24 જુલાઈ 2020 ના રોજ રજૂ કરવામાં આવી હતી. સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂતના માનમાં, આ ફિલ્મ ભારતમાં અને બીજા કેટલાક દેશોમાં ઘણાં ઓનલાઈન પ્લેટફોર્મ પર સબ્સ્ક્રિપ્શન વિના લોકો સમક્ષ મૂકવામાં આવી.

‘શિકારા’ ફિલ્મ પણ વર્ષ 2020ની હિન્દી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેનું નિર્માણ અને નિર્દેશન વિધુ વિનોદ ચોપડા દ્વારા કરવામાં આવ્યું. આ ફિલ્મ 1990 ના દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં સ્થિત એક હિન્દુ દંપતી અને કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી હિન્દુઓની હિજરત પછીની પ્રેમ કથા પર આધારિત છે. આ ફિલ્મ માટે ફક્ત બેકગ્રાઉન્ડ સંગીત જ રહેમાન અને તેના જૂથ કુતુબ-એ-ક્રિપા દ્વારા આપવામાં આવેલું.

તે સિવાય ગીતોનું સંગીત સંદેશ શાંડિલ્ય દ્વારા આપવામાં આવેલું. 1994 માં વિધુ વિનોદ ચોપડા દ્વારા કરાયેલી ઓફર નામંજૂર કર્યાના 26 વર્ષ બાદ રહેમાનનો ચોપડા સાથેનો આ પ્રથમ સહયોગ હતો. ફિલ્મ અને તેના સંગીતને જનતાએ પસંદ ન કરી અને ફિલ્મ એક એવરેજ ફિલ્મ બની રહી.

***

આમ તો રહેમાનની ભવિષ્યમાં આવનારી ઘણી ફિલ્મો જાહેર થઈ ગઈ છે, જેમ કે હિન્દી ભાષામાં ‘અતરંગી રે’ અને ‘પિપ્પા’, તામિળ ભાષામાં ‘કોબ્રા’, ‘અયલાન’ અને ‘પથુ થાલા’ તથા અંગ્રેજીમાં ‘Le Musk’ અને ‘No Man’s Land’; તેમ છતાં ‘Le Musk’  વિષે વાત કરીયે.

‘લે મસ્ક’ એ રહેમાન દ્વારા નિર્દેશિત આગામી ભારતીય વર્ચ્યુઅલ રિયાલિટી ફિલ્મ છે. આ ફિલ્મમાં નોરા આર્નેઝેડર, ગાય બર્નેટ, મુનીરીહ ગ્રેસ અને મરિયમ ઝોહરાબ્યાન છે. આ ફિલ્મનું પૂર્વાવલોકન 27 એપ્રિલ 2017 માં મલ્ટિ-સેન્સર ફીટ કરેલા ‘વોયેજર’ ખુરશીઓવાળા રૂમમાં ‘એનએબી’, લાસ વેગાસ (અમેરિકા)માં બતાવવામાં આવ્યું હતું.

72 મી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં, રહેમાને ફિલ્મના એક ગીતનું અનાવરણ પણ કર્યું હતું. આ સંપૂર્ણ ફિલ્મનું શૂટિંગ ફક્ત 13 દિવસના ગાળામાં રોમ (ઈટાલી)માં કરવામાં આવેલું અને ફક્ત એક જ કેમેરાની જોડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 8k ગુણવત્તા વાળો વિડિયો મેળવવા માટે 24 કેમેરા સેન્સર લગાવવામાં આવ્યા હતા. આ ફિલ્મની વાર્તા રહેમાન અને તેની પત્ની સાયરા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મની રજૂ કરવાની તારીખ હજી નક્કી નથી.

***

વાચકમિત્રો, એ. આર. રહેમાન વિશેની આ સિરીઝમાં તેનું પ્રતિભાશાળી જાજરમાન વ્યક્તિત્વ સમાવવું લગભગ અશક્ય છે. તેના ગીતો અને સંગીતને વારંવાર સાંભળીયે તોયે ઓછું પડે. ખરેખર, રહેમાન માટે ‘ઈસાઈ પુયાલ’ (એટલે સંગીતમય વાવાઝોડું) અને Mozart of Madras ઉપનામ સાર્થક જ છે.

પણ હવે વિરમું છું. આશા છે કે આ સિરીઝ આપને પસંદ આવી હશે. આ સિરીઝ લખવામાં બે વ્યક્તિઓનો આભાર માનવો હું મહત્ત્વનો સમજુ છું: e-છાપુંના એડીટર સિદ્ધાર્થ છાયા અને ‘ગિક જ્ઞાન’ કોલમના લેખક પ્રશમ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર! બંનેએ આ સિરીઝ લખવામાં ખૂબ જ સાથ આપ્યો છે. પ્રશમભાઈએ તો દરેક આર્ટિકલ વેબસાઈટ પર પ્રકાશિત થાય તે પહેલા રીવ્યુ કરીને જરૂરી ફેરફાર પણ સૂચવ્યા છે.

આ સિરીઝમાં રહેમાન વિશેની કેટલીક વાતો કદાચ ભૂલાઈ હશે અને કેટલીક વાતોનો સંદર્ભ ભૂલાયો હશે તેમ છતાં મેં વાંચેલા સંદર્ભો અહીં વાચકમિત્રો માટે મૂકું છું, જે વાચકમિત્રોને ગમશે એ વાતની મને ખાત્રી છે:

Notes of a dream: A.R.Rahman biography – Krishna Trilok

A.R. Rahman: The spirit of music – Naseeen Munni Kabir

https://en.wikipedia.org/wiki/A._R._Rahman

આજનો વિડીયો:

સિમ્મી ગરેવાલે રહેમાનનો પોતાના શો Rendezvous with Simi Garewal માં લીધેલો ઈન્ટરવ્યુ:

અસ્તુ!

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here