ડોમિનિકાના વડાપ્રધાન: અમને જે મળ્યું છે એ અમારી કલ્પનાશક્તિની બહારનું છે

0
607
Modi_Skerrit_eChhapu

વેક્સિન ડિપ્લોમસી અંતર્ગત ભારતે કેરેબિયન ટાપુ દેશ ડોમિનિકાને પણ કોરોના વિરોધી રસી મોકલી છે જેનાથી અહીંના વડાપ્રધાન અત્યંત ગદગદ થઇ ગયા છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર અનોખી રીતે માન્યો છે.

નવી દિલ્હી: ભારતે કોરોનાની રસી પર સંશોધન કાર્ય શરુ થયું ત્યારથી જ વેક્સિન ડિપ્લોમસીની શરૂઆત કરી દીધી હતી.

આ ડિપ્લોમસી અંતર્ગત વિવિધ દેશોના રાજદૂતોને હૈદરાબાદ સ્થિત લેબોરેટરી જ્યાં કોરોના વિરોધી રસી બની રહી હતી તેની મુલાકાત પણ લેવડાવી હતી.

હાલમાં જ નાનકડા કેરેબિયન ટાપુ દેશ ડોમિનિકામાં પણ ભારતીય રસી આવી પહોંચી હતી અને આ રસી લઇ આવેલા પ્લેનનું સ્વાગત કરવા ખુદ ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટ પહોંચ્યા હતા.

કોરોના વિરોધી રસી મેળવ્યા બાદ તેમણે એક અનોખા અંદાજમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમની સરકાર અને ભારતના નાગરિકોનો આભાર માન્યો હતો.

રૂઝવેલ્ટ સ્કેરિટે સ્વીકાર્યું હતું કે તેમને બિલકુલ આશા ન હતી કે તેમના જેવા નાનકડા દેશની કોરોના વિરોધી રસીની માંગણી ભારત સરકાર આટલી જલ્દીથી સ્વીકારશે અને તેમને રસી મોકલી પણ આપશે.

ડોમિનિકાની કુલ વસ્તી 72 હજારની છે અને ભારતે અહીં 35000 ડોઝ મોકલ્યા છે આથી અહીંની અડધી વસ્તી કોરોનાથી સુરક્ષિત થઇ જશે તેવો વિશ્વાસ પણ વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટે વ્યક્ત કર્યો હતો.

9 ફેબ્રુઆરીએ ડોમિનિકાના ડગલસ ચાર્લ્સ એરપોર્ટ પર બાર્બાડોઝથી બાર્બાડોઝ નેશનલ ગાર્ડ્સના પ્લેનમાં આ રસી પહોંચી હતી, ત્યારે વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટ ઉપરાંત તેમના પ્રધાનમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર હતાં.

આટલુંજ નહીં પરંતુ આ રસીને પ્લેનમાંથી નીચે ઉતારવા માટે આ તમામે એકબીજાની મદદ પણ કરી હતી.

હજી ગયા અઠવાડિયે જ ભારતે કેરેબિયન દેશ બાર્બાડોઝ અને પડોશી અફઘાનિસ્તાનને પણ કોરોના વિરોધી રસીનો પહેલો બેચ મોકલ્યો છે.

અફઘાનિસ્તાનને એસ્ટ્રાઝેનેકા વેક્સિનના પાંચ લાખ ડોઝ મુંબઈથી એર ઇન્ડિયાના વિમાનમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે બાર્બાડોઝ અને ડોમિનિકાને સિરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના ડોઝ મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભારતે તેના અન્ય પડોશી દેશો તેમજ યુગાન્ડા, મોરક્કો, નામિબિયા, નિકારાગુઆ તેમજ ઇક્વાડોર ઉપરાંત કુલ 25 દેશોને કોરોના વિરોધી રસીના 24 મિલિયન ડોઝ મોકલવાનો પણ નિર્ણય લીધો છે.

ગઈકાલે મોડી સાંજે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ વડાપ્રધાન મોદી સાથે થયેલી ટેલિફોનીક ચર્ચામાં રસીની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે અને વડાપ્રધાન મોદીએ તેમને ભારત કેનેડિયન નાગરિકો માટે રસી ઉપલબ્ધ કરાવશે તેવો વિશ્વાસ પણ આપ્યો છે.

તમને ગમશે – કોરોના: આજે હૈદરાબાદમાં નરેન્દ્ર મોદીની COVID ડિપ્લોમસી જોવા મળશે

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here