અચંબો: સ્પેસ ક્રાફ્ટ શ્રીમદ્ ભગવત ગીતા અને મોદીનો ફોટો સાથે લઇ જશે

0
484
Modi Gita ISRO_eChhapuGujarati

અત્યારસુધી સ્પેસ ક્રાફ્ટમાં વિવિધ વસ્તુઓ, પ્રાણીઓ વગેરે લઇ જવામાં આવે છે, જેમાંથી કેટલીક વસ્તુઓ આશ્ચર્ય પમાડે તેવી હોય છે, હવે ભારતનું એક ખાનગી સ્પેસ ક્રાફ્ટ પણ પોતાની સાથે કેટલીક મહત્ત્વની વસ્તુઓ લઇ જવાનું છે.

ચેન્નાઈ: ચેન્નાઈ સ્થિત સ્પેસ કિડ્સ નામની એક ખાનગી સંસ્થા બહુ જલ્દીથી ભારતનો ખાનગીક્ષેત્રનો પહેલો વ્યવસાયી નેનો સેટેલાઈટ અંતરીક્ષમાં મોકલવા જઈ રહી છે.

સ્પેસ કિડ્સ એ બાળકોમાં અંતરીક્ષ વિજ્ઞાન વિષે જાગૃતિ ફેલાવવામાં તેમજ તેનું શિક્ષણ આપવા માટે જાણીતી છે.

આ કંપની પોતાના સ્પેસ ક્રાફ્ટમાં શ્રીમદ ભગવત ગીતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ તેમજ 25 હજાર લોકોના નામની યાદી પણ મોકલવાની છે.

સ્પેસ કિડ્ઝ ઇન્ડિયાના CEO ડૉ. શ્રીમથી કેસાને જણાવ્યું છે કે તેઓ તેમજ તેમની સંસ્થા આ નેનો સેટેલાઈટને અંતરીક્ષમાં મોકલવા અંગે અત્યંત ઉસ્તાહિત છે.

તેમણે એમ પણ ઉમેર્યું હતું કે અંતરીક્ષમાં પોતાના નામ મોકલવા માટે તેમની સંસ્થાએ અરજીઓ મંગાવી હતી અને તેના જવાબમાં 25 હજાર જેટલા લોકોએ પોતાના નામ મોકલ્યાં હતાં જેમાંથી 1000 લોકો ભારતની બહાર રહે છે.

આ નેનો સેટેલાઈટ સંપૂર્ણપણે ભારતમાં બન્યો હોવાથી તેમાં આત્મનિર્ભર મિશન પણ લખેલું હશે.

આ સેટેલાઈટના તમામ ઇલેક્ટ્રોનિક્સ સંસાધનો તેમજ સર્કિટ પણ ભારતમાં જ બનાવવામાં આવી છે.

આગળ જણાવ્યા અનુસાર આ સેટેલાઈટમાં 25 હજાર લોકોના નામ હોવા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ફોટોગ્રાફ હશે.

જેમ અન્ય દેશો સેટેલાઈટમાં બાઈબલ મોકલતા હોય છે તેવી જ રીતે આ નેનો સેટેલાઈટ પોતાની સાથે શ્રીમદ ભગવત ગીતા પણ લઇ જશે.

આ તમામ વસ્તુઓ સેટેલાઈટની ટોપ પેનલમાં ગોઠવવામાં આવશે.

આ નેનો સેટેલાઈટ અગાઉથી જ તૈયાર હતો પરંતુ ઈસરો દ્વારા તેમાં કેટલાક ફેરફારો સૂચવવામાં આવતાં અને બાદમાં તેની સોલર પેનલમાં કોઈ ખામી દેખાતા થોડો વધુ સમય લાગી રહ્યો છે.

પરંતુ, હવે આ સેટેલાઈટનું પરીક્ષણ તેના અંતિમ તબક્કામાં છે અને ત્યારબાદ તેને શ્રીહરિકોટા સ્થિત ઈસરોના સ્પેસપોર્ટ પર મોકલવામાં આવશે.

ઈસરો માત્ર ત્રણ કિલોગ્રામના આ નેનો સેટેલાઈટને અન્ય બે સેટેલાઈટ સાથે PSLV C-51 રોકેટ દ્વારા અવકાશમાં મોકલી આપશે.

આ નેનો સેટેલાઈટનું નામ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના સંસ્થાપક સતીશ ધવનના નામે એટલેકે સતીશ ધવન સેટ રાખવામાં આવ્યું છે.

તમને ગમશે – સંશોધન: ભારતીય ખગોળશાસ્ત્રીઓની ઐતિહાસિક શોધને NASA એ વખાણી

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here